પોલીસ સાથે ઘર્ષણ કરવું ભારે પડ્યું:'હું ભારતીય સેનામાથી નિવૃત્ત થયેલો ફોજી છું' તેમ કહી માતર પોલીસ સ્ટેશનને માથાભારે શખ્સોએ માથે લીધું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ સાથે ઝપાઝપી કરતા 3 વિરુદ્ધ ફરિયાદ

ખેડા જિલ્લાના માતર પોલીસના કર્મચારીઓ સાથે 3 લોકોએ ઘર્ષણ કર્યુ છે. જેમાં અરજી પર ચાલતા બે લોકોના કકળાટમા પોલીસકર્મીઓ ભોગ બન્યા છે. પોલીસ મામલો સુલજાવવા જતાં 3 લોકો પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. હું ભારતીય સેનામાથી નિવૃત્ત થયેલ ફોજી છું તેમ કહી પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. તો આ તમામ લોકોને અટકાયત કરી પોલીસ મથકે લાવતાં પોલીસ સ્ટેશનને પણ માથે લીધું હતું. મહિલા પોલીસ વાયરલેસ ઓપરેટર અને કોમ્પ્યુટર ઓપરેટરને અપશબ્દો બોલવા લાગ્યા હતા. આથી આ સમગ્ર મામલે 3 લોકો સામે માતર પોલીસમા ફરિયાદ નોંધાઇ જવા પામી છે.

અરજદારે પોલીસને જણાવતા પોલીસ કર્મીઓ ત્યા ગયા
માતર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી નરેશભાઈ રયજીભાઈ અને તેમની બીટમાં સમાવિષ્ટ થતા અન્ય પોલીસકર્મીઓ ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન પોલીસ મથકે આવેલ આવક અરજીના અરજદાર દરિયાબેન જયંતીભાઈ રાવળની દીકરી આરતીબેને પોલીસકર્મીને ફોન કરી જણાવ્યું હતું કે, અમે માતર પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ છે જેના સામેવાળા અમારી સાથે ફરીથી ઝઘડો કરે છે. જેથી પોલીસકર્મી નરેશભાઈ અને બીજા પોલીસકર્મીઓ સાથે અરજદારના ઘરે પહોંચી ગયા હતા. આ દરમિયાન અરજદારના સામાવાળા રસિક અંબાલાલ રાવળ તેના દીકરા જીગ્નેશ અને કૈલાસબેન રસિકભાઈ રાવળ આ તમામ લોકો ત્યાં હાજર હતા.

પિતા પુત્રને પકડી પોલીસ મથકે લઈ આવ્યા
પોલીસને જોઈ રસિક અંબાલાલ રાવળે જણાવ્યું કે, હું ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલો ફોજી છું. તમે પોલીસકર્મીઓ અહીંયાથી જતા રહો તેમ ઉંચા અવાજમાં કહી પોલીસકર્મીઓ સાથે બોલાચાલી કરી હતી અને જણાવ્યું કે આ અરજીના કામે અરજદાર દરિયાબેનને કેમ બોલાવતા નથી ફક્ત અમને બોલાવો છો, તેમ કહી પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી. હાજર પોલીસ કર્મીઓએ મોબાઈલ વાન મારફતે આ પિતા પુત્રને પકડી પોલીસ મથકે લઈ આવ્યા હતા.

પોલીસે કાયદાકીય પગલા લીધા
પાછળથી કૈલાશબેન પણ પોલીસ મથકે આવ્યા હતા અને પોલીસને સામાં થઈ ગયા હતા. ઉપરાંત કોમ્પ્યુટર ઓપરેટર તેમજ વી.એચ.એફ ઓપરેટરને પણ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસે સમગ્ર મામલે સરકારી કામમાં રૂકાવટ કરી, અવરોધ કરી, પોલીસ કર્મચારીઓ સાથે અપ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી. ઉપરાંત ફેટ પકડી માર મારવાના ગુનામાં માતર પોલીસે આ ત્રણેય લોકો સામે ફરિયાદ નોંધી કાયદાકીય પગલા હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...