સામુહિક આત્મહત્યાના પ્રયાસ મામલે દંપતી સામે ગુનો:પતિ-પત્નીએ બે બાળકો સાથે કપડવંજ પાસે કેનાલમાં ઝંપલાવતા પત્ની અને પુત્રનું મોત થયું હતું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિનો બચાવ થયો હતો, એક પુત્ર હજી પણ લાપત્તા

ઘરમાં ચાલતા ઘર કંકાસ ચરમ સીમાએ પહોંચતાં કપડવંજના ઝાલા પરિવાર માનસિક રીતે ભાંગી પડ્યો હતો અને પરિવારના દિકરાએ પોતાની પત્ની અને બે સંતાનો સાથે આપઘાત કરવા પહોંચ્યો હતો. બે દિવસ પહેલા કપડવંજના મોટા રામપુરાના દંપતિએ પોતાના 10 વર્ષના અને 3 વર્ષના પુત્ર સાથે નહેરમાં ઝંપલાવી આત્મઘાતી પગલું ભર્યું છે. જોકે, આ બનાવમાં સ્થાનિકોએ પતિને જીવીત બહાર કાઢ્યો હતો. જ્યારે પત્ની અને એક દિકરાનો મૃતદેહ ગતરોજ મળ્યો હતો. તો હજુ પણ 10 વર્ષના પુત્રનો કોઈ અતોપત્તો લાગ્યો નથી. પતિનો જીવ બચી જતાં તે ફરાર થઈ ગયો છે. સમગ્ર મામલે કઠલાલ પોલીસે આ દંપતિ સામે પોતાના બે સંતાનોને મારી નાખવા મામલે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. નહેરમાં પડતા પહેલા મૃતક આશાબેને કમ્મરના ભાગે સાડીના પાલવ સાથે 3 વર્ષના મયંકને બાંધી દીધા બાદ કેનાલમાં ઝંપલાવ્યું હતું.

મોસાળમાં રહેતી 6 વર્ષની દિકરીએ માતા અને ભાઈઓ ગુમાવ્યાં
કપડવંજ તાલુકાના ગોકાજીના મુવાડા ગામે રહેતા 63 વર્ષીય ઉદાભાઈ ચતુરભાઈ બારૈયાને સંતાનમાં 10 દીકરા-દીકરીઓ છે. જે પૈકી તેમની 5મા નંબરની દિકરી આશાબેનના લગ્ન કપડવંજ તાલુકાના મોટા રામપુરા ગામે રહેતા મહેન્દ્રસિંહ ગોરધનસિંહ ઝાલા સાથે થયા હતા. લગ્ન જીવનથી આશાબેન અને મહેન્દ્રભાઈને ત્રણ સંતાનો છે. જેમાં સૌથી મોટો દીકરો 10 વર્ષનો કુણાલ, તેનાથી નાની 6 વર્ષની દીકરી આરૂશી અને સૌથી નાનો દીકરો ત્રણ વર્ષનો મયંક કરીને છે. આ વચેટ સંતાન આરૂષી નાનપણથી મોસાળમાં રહે છે.

આપઘાતનો પ્રયાસ કરનાર મહેન્દ્રભાઈ બનાવ સ્થળેથી ફરાર થઈ ગયા
ઘર કંકાસથી મહેન્દ્રભાઈ અને તેમની પત્ની આશાબેન કંટાળી ગયા હતા. જેના કારણે ગત 29મી ડીસેમ્બરના રોજ મહેન્દ્રભાઈ પોતાની પત્ની આશાબેન તથા બે સંતાનો મયંક અને કુણાલ સાથે આત્મઘાતી પગલું ભરવા ઘરેથી નીકળી ગયા હતા. મહેન્દ્રભાઈ પોતાનું મોટર સાયકલ લઈને પોતાની પત્ની અને સંતાનોને બેસાડી કઠલાલ નજીક આવેલા લાડવેલના મોહનપુરા સીમમાં આવ્યાં હતા. જ્યાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં આ તમામ લોકોએ એકીસાથે ઝંપલાવ્યું હતું. જોકે, સ્થાનિકોએ જોતા તુરંત આ મહેન્દ્રભાઈ ઝાલાને નહેરના ધસમસતા પાણીમાં રસ્સા વડે બચાવી લેવાયા હતા. જ્યારે તેમની પત્ની અને બે સંતાનો નહેરના પાણીમાં લાપતા બન્યા હતા. તો વળી મહેન્દ્રભાઈ તુરંત પોતાનું મોટરસાયકલ લઈને બનાવ સ્થળેથી ફરાર થઈ ગયા હતા. જે આજ દિન સુધી પોલીસના હાથે આવ્યા નથી.

માતાએ તેના પુત્રને સાડીના પાલવે બાંધી આપઘાત કર્યો
આશાબેન અને 3 વર્ષ માસૂમ મંયકનો મૃતદેહ ગત 31મી ડીસેમ્બરના રોજ બપોરના સુમારે અપ્રુજી ગામની સીમમાં નર્મદાના કેનાલમાંથી મળી આવ્યો હતો. નવાઈની વાત એ છે કે, આશાબેને નહેરમાં પડતા પહેલા કમ્મરના ભાગે સાડીના પાલવ સાથે 3 વર્ષના મયંકને બાંધી દીધા બાદ કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ કેવી લાચારી હશે કે માતાએ તેના વ્હાલ સોયા પુત્રને આ રીતે બાંધી પોતાની સાથે આપઘાત કર્યો હતો.
10 વર્ષના પુત્રનો કોઈ અત્તોપત્તો નહીં
આશાબેને આપઘાત કરતાં પહેલાં પોતાની સગી બહેનને ફોન કરી રડતા રડતા પોતાની આપવીતી કહી હતી. આશાબેને તેમની બહેનને જણાવ્યું હતું કે, અમે બંન્ને ઘરમાં ચાલતાં કંકાસથી કંટાળી ચૂક્યા છે અને આમાંથી છુટકારો મેળવવા બંન્ને દિકરાઓ સાથે કેનાલમાં પડી આપઘાત કરવાનું નક્કી કર્યું છે. આમ છેલ્લી વાત કહી આ 4 લોકો નહેરના પાણીના ધસમસતા પ્રવાહમાં કૂદી પડ્યા હતા. આ આપઘાત કેસમાં આશાબેન અને 3 વર્ષના પુત્ર મયંકનો મૃતદેહ મળ્યો છે. જ્યારે બનાવના 72 કલાકથી વધુ સમય વિતવા છતાં પણ 10 વર્ષના કુણાલનો કોઈ અત્તોપત્તો લાગ્યો નથી. સમગ્ર મામલે આજે ઉદાભાઈ ચતુરભાઈ બારૈયાએ કઠલાલ પોલીસ મથકે પોતાની દીકરી અને જમાઈ સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 302, 114 મુજબ ગીનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...