વડોદરા ખાતે આયોજીત મધ્ય ગુજરાત ઝોન કક્ષાના યુવા ઉત્સવમાં ખેડા જિલ્લાની હેન્વી પટેલે કથક શાસ્ત્રીય નૃત્ય ’અ’ વિભાગમાં પ્રથમ ક્રમ મેળવી ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું છે. ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, વડોદરા સંચાલિત “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત મધ્ય ગુજરાત ઝોન કક્ષાના યુવા ઉત્સવ-2022નું વડોદરા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવ જિલ્લાના સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
રાજ્ય કક્ષાએ ખેડા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે
આ સ્પર્ધામાં ખેડા જિલ્લાના હેન્વી પટેલે કથક શાસ્ત્રીય નૃત્ય ’અ’ વિભાગમાં મધ્ય ગુજરાત લેવલે પ્રથમ ક્રમ મેળવી ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેઓએ અગાઉ કથક શાસ્ત્રીય નૃત્ય ’અ’ વિભાગમાં જિલ્લા કક્ષાએ પણ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. હેન્વી પટેલે સતત પંદર મિનીટ સુધી વૈવિધ્યસભર નૃત્ય કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આગામી સમયમાં હેન્વી પટેલ રાજ્ય કક્ષાએ ખેડા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
સ્પર્ધાના નિર્ણાયકોએ ભાવસભર સુંદર નૃત્ય રજૂ કરવા બદલ દીકરીને અભિનંદન આપ્યા હતા. નડિયાદના કથકના કલાગુરુ નમ્રતા શાહે પણ ઉમળકાભેર તેમની શિષ્યાને આવકારી હતી. ખેડા જિલ્લાનું નામ મધ્ય ગુજરાત ઝોન લેવલે રોશન કરવા બદલ રમતગમત વિભાગ જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણા અને પ્રાંત યુવા વિકાસ અધિકારી ડૉ. ચેતન શિયાણીયા એ પણ દીકરીને અભિનંદન આપીને રાજ્ય કક્ષાએ વિજેતા બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.