ઠાસરા પાસેના એક ગામે મોટા બનેવીના ત્રાસથી ત્યક્તા યુવતીએ હાથની નસ કાપી લીધી છે. મોટા બનેવી યુવતી સાથે અઘટીત માંગણી કરતા મનમા લાગી આવતા યુવતીએ આ પગલું ભર્યું છે. સમગ્ર મામલે ડાકોર પોલીસમાં ફરિયાદ નોધાઈ ચૂકી છે.
યુવતી પોતાની બહેનનો ઘર સંસાર ન બગડે તેથી ચુપ રહી
ઠાસરા તાલુકાના એક ગામે રહેતી 25 વર્ષીય યુવતીના લગ્ન દસેક વર્ષ અગાઉ થયા હતા. જોકે તેણીને પોતાના પતિ સાથે મનમેળ ન થતા સમાજના રીતી રિવાજ મુજબ છુટાછેડા લીધા હતા. આ યુવતી છેલ્લા લગભગ ત્રણેક વર્ષથી પોતાના માવતર સાથે રહે છે. તેણીની મોટી બહેનના લગ્ન પણ ઠાસરા તાલુકામાં થયા હતા. તેણીના આ મોટા બનેવી જણાવતા કે, હું તને બહુ પ્રેમ કરું છું અને મારે તને રાખવાની છે. તેમ કહી તેણીની પાસે ખોટી માગણીઓ કરતા હતા. જોકે, આ ત્યક્તા યુવતી પોતાની બહેનનો ઘર સંસાર ન બગડે તેથી અનેક વાર મોટા બનેવીને સમજાવતી હતી.
ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ
યુવતીનો બનેવી કંઈ પણ સમજવા તૈયાર જ નહોતાને અવારનવાર અહીંયા આવી તેણીના માવતર સામે મારે તારી સાથે સંબંધ બાંધવો છે. તેમ કહી અઘટિત માંગણીઓ કરતો હતો. વાત તો ત્યાં આવીને અટકી કે બનેવીએ યુવતીના માતા, પિતા તેમજ ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ યુવતીને જીવવુ દુષ્કર લાગતાં તેણીએ પોતાની જાતે શાકભાજી કાપવાનું ચપ્પુ ડાબા હાથની નસ પર ઘા કરી દીધો હતો. જેના કારણે નસ કપાઈ ગઈ હતી. જોકે, સમયસર સારવાર મળી જતા તેણીનો જીવ બચી ગઈ છે. આ સમગ્ર મામલે પીડીત યુવતીએ પોતાના મોટા બનેવી સામે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.