'ભારત રોલર સ્કેટિંગ યાત્રા':કાશ્મીરથી કન્યાકુમારી સુધી 5 હજાર કીમીનો સ્કેટિંગ કરી રહેલા યાત્રિકોનું નડિયાદમાં ભવ્ય સ્વાગત

નડિયાદ19 દિવસ પહેલા

એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ કાશ્મીરથી કન્યાકુમારી સ્કેટિંગ કરતી યાત્રાનું ગુરુવારના રોજ નડિયાદમાં આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. શહેરના પીજ ચોકડી ખાતે આ યાત્રાનું ભારત વિકાસ પરિષદ દ્વારા ખાસ સ્વાગત કરાયું હતું. આ યાત્રામાં 20 સભ્યો જોડાયા છે. આજે રાત્રી રોકાણ નડિયાદ પીજ ચોકડી ખાતે કુ.રેષા પટેલ ખાતે કરી આવતીકાલે સવારે યાત્રા વડોદરા તરફ જવા પ્રયાણ કરશે.

અતુલ્ય ભારત રોલર સ્કેટિંગ પ્રવાસનુ પ્રસ્થાન શ્રીનગરથી થયું હતું
વિશ્વ પર્યટન દિવસ 27 સપ્ટેમ્બર 2022ના રોજ જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગર લાલ ચોકથી, એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ 20 સભ્યો સાથે કાશ્મીરથી કન્યાકુમારી સુધીના અતુલ્ય ભારત રોલર સ્કેટિંગ પ્રવાસનુ પ્રસ્થાન થયું હતું. શ્રીનગર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા આ રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. કાર્યક્રમના સંયોજક સોની ચૌરસિયાના નેતૃત્વ હેઠળ, લગભગ 5000 કિમીની રોલર સ્કેટિંગ યાત્રા, 13 રાજ્યો, 100 શહેરો, 10,000 ગામડાઓમાં થઈને તમિલનાડુમાંથી પસાર થઈને 25 ડિસેમ્બરે કન્યાકુમારી વિવેકાનંદ ખાતે સમાપ્ત થનાર છે. આ પ્રવાસમાં, એક ખૂબ જ ઐતિહાસિક 5000 કિમી લાંબી રોલર સ્કેટિંગ યાત્રા મુખ્યત્વે સોની ચૌરસિયાના ગુરુ રાજેશ ડોગરાના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.

વિવિધ મહાનુભાવોના દ્વારા સ્વાગત કરાયું
ભારત વિકાસ પરિષદ દ્વારા આજે આ યાત્રાનું પીજ ચોકડી ખાતે સ્વાગત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ નડિયાદના પ્રમુખ અમીત સોની, કાંતીભાઇ શર્મા, ઘનશ્યામભાઈ કા.પટેલ, વિનોદભાઈ ભટ્ટ, ભારત વિકાસ પરિષદ મંત્રી તેજલ પંડ્યા, તુષાર‌ મસ્ત્રી, સભ્ય શૈલેષભાઈ ચૌધરી, જયનાથભાઈ ભટ્ટ, જલ્પેશભાઈ દેસાઈ દ્વારા સ્વાગત કરાયું છે.
તમામ સ્કેટરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાંસદીય ક્ષેત્રના વારાણસીના છે
યાત્રાના સંયોજક સોની ચૌરસિયાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે 45 દિવસની આ સફર પૂર્ણ કરી નડિયાદ સરદાર પટેલના જન્મભૂમિ ખાતે પહોંચ્યા છે. અમે લગભગ અત્યાર સુધી 2,372 કીમી પૂર્ણ કર્યા છે. અમે સૌ રાજેશ ડોગરા રોલર સ્કેટિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ છે. અને તમામે તમામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાંસદીય ક્ષેત્રના વારાણસીના છે. એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ અમે સૌ વૃક્ષનું જતન, વૃક્ષારોપણ, ફિટ ઇન્ડિયા, કુપોષણ મુક્ત ભારતના સંદેશ સાથે આ યાત્રાનો પ્રારંભ કર્યો છે અને આવતિકાલે અમે સવારે અહીયાથી વડોદરા તરફ જવા પ્રયાણ કરીશુ.

અન્ય સમાચારો પણ છે...