• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • Girl Loses Leg In Accident But Does Not Lose Courage, Wins First Position In 'Disc Throw And Shot Put' In 45th Gujarat State Paraathletes 2022 23

યુવતીની અનોખી દાસ્તાન:યુવતીએ અકસ્માતમાં પગ ગુમાવ્યો પણ હિમ્મત ન હારી, 45મી ગુજરાત સ્ટેટ પેરાએથ્લિટ 2022-23માં 'ડિસ્ક થ્રો અને શોટ પુટ'માં પ્રથમ સ્થાન મેળવ્યું

નડિયાદએક મહિનો પહેલા

'મન હોય તો માળવે જવાય', 'અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી' 'પંગુ લંઘયતે ગિરીમ્...' આ બધી કહેવાતો કહેવામાં કદાચ સરળ લાગે, પરંતુ વાસ્તવમાં જેને પગ નથી તેના માટે કોઈપણ કામ કરવું, તેમાં પણ ખાસ કરીને રમત-ગમત ક્ષેત્રે નામ કાઢવું તે બહુ મુશ્કેલ અને પડકારજનક હોય છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ખેડા જિલ્લાની એક લઘુમતી દિકરીએ એક જ પગ હોવા છતાં ખેલ મહાકુંભ અને અન્ય રમતોમાં પોતાની જીતના ઝંડા ગાડ્યા છે. ફક્ત 24 વર્ષની સાદીકા મીરના નામે એક કે બે નહીં પણ પૂરા 12 ગોલ્ડ મેડલ બોલે છે.

ભલભલા માણસો આવા સંજોગોમાં હિમ્મત હારી જાય છે
સામાન્ય પરિવારની સાદીકાની જિંદગી પણ સામાન્ય રીતે પસાર થઈ રહી હતી. પરંતુ આઠ વર્ષની ઉંમરે એક દિવસ બહાર જતા તેનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજા થતા તે હોસ્પિટલમાં પૂરાં 12 દિવસ સુધી કોમામાં રહી. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેણે જોયું કે તે પોતાનો એક પગ આ અકસ્માતમાં ગુમાવી બેઠી છે. તેના માટે આ બહુ કપરી પરિસ્થિતિ હતી. તેના માટે આ માનસિક ટ્રોમા પણ ખૂબ વધારે હતો. ભલભલા માણસો આવા સંજોગોમાં રમવાની વાત તો દૂર, પથારી પરથી ઉભા થઈને પોતાનું સામાન્ય જીવન પણ ગુજારી શકવાની ઈચ્છાશક્તિ ખોઈ બેસતા હોય છે.

સાદીકાના પિતા સિકંદરભાઈ ખેડામાં રિક્ષા ચલાવે છે
સાદીકાએ નક્કી કર્યું કે તે બિચારી-બાપડી ન બની રહેતા પોતાના પરિવારને ગર્વ થાય તે રીતે જીવનમાં આગળ વધશે. પરંતુ ભાડાનું મકાન, પિતા સિકંદરભાઈની નબળી આર્થિક પરિસ્થિતી ઉપરથી પિતાને હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારી. આવી પરિસ્થિતિમાં યોદ્ધા જેવો વિશ્વાસ ધરાવતા માનવીના વિશ્વાસને ડગાવી શકે છે પરંતુ ઝૂકાવી સકતિ નથી. અને એવો જ વિશ્વાસ સાદીકામાં હતો. સાદીકાના સ્વપ્નને પૂર્ણ કરવા સાદીકાના પિતા સિકંદરભાઈ ખેડામાં રીક્ષા ચલાવે છે અને માતા લોકોના ઘરે ઘર-કામ કરી મહેનતરૂપી યજ્ઞ કરી રહ્યાં છે. આવા સંજોગોમાં સાદિકાએ 2 વર્ષ સુધી ઘરે રહી અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ અમદાવાદ ખાતે અપંગ માનવ મંડળ દ્વારા સંચાલિત શાળામાં અભ્યાસ શરૂ કર્યો.

હજી વધુ મેડલ જીતી શકે છે તેવી ભાવના દ્રઢ થઈ
વર્ષ -2012માં અપંગ માનવ મંડળ સ્કૂલમાંથી સાદિકાને ખેલમહાકુંભમાં રમવાનો અવસર મળ્યો. જેમાં તેણે ગોળા ફેકમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું. આ સફળતાથી તેમનામાં ઉત્સાહનો સંચાર થયો અને તે હજી વધુ મેડલ જીતી શકે છે તેવી ભાવના દ્રઢ થઈ. ત્યારબાદ તે પોતાના વતનમાં 'ધી સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડિકેપ્ડ ઓફ ધી ખેડા ડિસ્ટ્રીકટ' સાથે જોડાયા બાદ પોતાની રમતને નિખાર આપ્યો.

આજ દિન સુધી સાદીકાએ રમતોમાં 12 જેટલા ગોલ્ડ મેડલ હાંસલ કર્યા
અડગ મનોબળ અને શિક્ષકોની પ્રેરણાથી તેણે ખેલ મહાકુંભ 2022માં 'ડિસ્ક થ્રો' અને 'શોટ પુટ' રમતમાં ભાગ લીધો અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. આ ઉપરાંત 45 મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લિટ 2022-23માં ડિસ્ક થ્રો અને શોટ પુટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજ દિન સુધી સાદીકાએ રમતોમાં 12 જેટલા ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે.

મારું મનોબળ મજબૂત છે એક દિવસ હું ભારત માટે ગોલ્ડ મેડલ જીતીશ : સાદીકા
આટલેથી ન અટકતા તે હજુ રાજ્ય અને દેશ માટે રમીને ગોલ્ડ મેડલ મેળવવાની અપેક્ષાઓ રાખે છે. ખેલ મહાકુંભની જીતથી પોતાના રમત-ગમત ક્ષેત્રમા આગળ વધવાની મહત્વકાંક્ષાને વેગ મળ્યો તેમ જણાવતા કહે છે કે, કદાચ મારી પરિસ્થિતિ અલગ હોઈ શકે પરંતુ, મારું મનોબળ મજબૂત છે એક દિવસ હું ભારત માટે ગોલ્ડ મેડલ જીતીશ.

સાદીકા પણ ડિસ્ક થ્રો અને શોટ પુટમાં ખેડા અને ભારતનું નામ રોશન કરવાની ઈચ્છા
રાજ્યમાં શરૂ થયેલ ખેલ મહાકુંભ અભિયાને ફક્ત શહેરોમાં જ નહીં, પરંતુ રાજ્યના ખૂણે ખૂણે રહેલા રમતવીરોની પ્રતિભા બહાર લાવવાનું કામ કર્યું છે. તાજેતરના સમયમાં પેરાઓલમ્પીકમાં ગુજરાતની ભાવિના પટેલ, પારુલ પરમારે જે રીતે દિવ્યાંગ કેટેગરીની બેડમિન્ટનમાં ભારતનું નામ વિશ્વમાં ગુંજતું કર્યું છે તે જ રીતે સાદીકા પણ ડિસ્ક થ્રો અને શોટ પુટમાં ખેડા અને ભારતનું નામ રોશન કરવાની ઈચ્છા ધરાવે છે.અડગ મનોબળ ધરાવતા સાદીકાની હિંમત માટે સો સો સલામ....

અન્ય સમાચારો પણ છે...