કપડવંજ તાલુકાના અરજદાર દ્વારા કેન્દ્રીય સહકાર મંત્રાલયમાં કરેલી અરજીને કારણે રાજ્યભરના ગામડાઓમાં ચાલતી સહકારી મંડળીના હોદ્દેદારોની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છેકે મંડળીના હોદ્દેદારો જ્યારે તાલુકા, જિલ્લા કે રાજ્ય કક્ષાની મંડળીઓની મિટિંગમાં જાય ત્યારે મળતી ભેટ સોગાદો ઘરે લઈ જતા હોય છે. સહકારી મંડળીઓના નિયમ મુજબ આ બાબત ગેરવ્યાજબી અને ગેરકાયદેસર છે, જેથી આવી ભેટ સોગાદો જેતે મંડળીના ડેડસ્ટોક પર લઈ મંડળીમાં જ ઉપયોગમાં લેવાનો નિયમ હોવાનું જણાવી તમામ મંડળીઓમાં કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. જે મામલે રાજ્ય રજીસ્ટ્રાર, ગાંધીનગર દ્વારા હવે રાજ્યના તમામ જિલ્લામાં તપાસના આદેશ કર્યા છે.
કપડવંજના અરજદાર અનંત પટેલે 30 માર્ચ 2022 ના રોજ વડાપ્રધાન કાર્યાલયના ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતુ કે ગુજરાત રાજ્યમાં આશરે નાની મોટી પંદર હજાર થી પણ વધારે સહકારી મંડળીઓ કાર્યરત છે.
આ તમામ સહકારી મંડળીઓ અલગ-અલગ તાલુકા કક્ષાની, જિલ્લા કક્ષાની અને રાજ્ય કક્ષાની મોટી સહકારી સંસ્થાઓના સભાસદ હોય છે. જેમાં રાજ્યની તમામ સહકારી બેંકો, ગુજકોમાસોલ, ઇફકો, કૃભકો, નાફેડ, તાલુકા ખરીદ વેચાણ સંઘ, જિલ્લા ખરીદ વેચાણ સંઘ વિગેરે સંસ્થાઓ વર્ષના અંતે વાર્ષિક સાધારણ સભા યોજે છે. જેમાં જે મંડળી સભાસદ હોય, તેના પ્રતિનિધિ હાજરી આપે છે અને આ સંસ્થાઓ દ્વારા દરેક વાર્ષિક સભામાં મંડળીના પ્રતિનિધિને ભેટ/સોગાદ આપતી હોય છે. સંસ્થાઓમાં ભેટ/સોગાદ આપવા માટેનો લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
સહકારી ક્ષેત્રના નિયમ મુજબ તે ભેટ/સોગાદ મંડળીના ડેડસ્ટોક ઉપર લેવાની હોય છે. અને તેનો મંડળીમાં જ ઉપયોગ કરવાનો હોય છે, જે બાબતે રાજ્ય રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, ગાંધીનગરે જારી કરેલ પરીપત્ર માં સ્પષ્ટતા પણ કરી હતી. પરંતુ ઘણી મંડળીઓના પ્રતિનિધિઓ રાજ્ય રજીસ્ટ્રારની સૂચના વિરુદ્ધ આ ભેટ/સોગાદ પોતાના અંગત ઉપયોગ માટે ઘરે લઈ જતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. કપડવંજના અરજદાર દ્વારા માર્ચ 2022 માં કરવામાં આવેલ ફરિયાદ પર જાન્યુઆરી 2023માં કાર્યવાહી શરૂ થઈ છે, પરંતુ આ કાર્યવાહી હવે ઘણા સહકારી આગેવાનો ના પગ તળે રેલો લાવનારી બની રહેશે.
તમામ જિલ્લા રજીસ્ટ્રારને તપાસ માટે આદેશ કરાયા
ગાંધીનગર સ્થિત રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્યને કેન્દ્રમાંથી આદેશ થતા હવે કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. તેઓએ દરેક જિલ્લા રજીસ્ટ્રારને પત્ર લખી આ પ્રકારની ફરિયાદ આવી હોય તો કરેલ કાર્યવાહીનો રીપોર્ટ મંગાવવામાં આવ્યા છે. તેમજ જેતે જિલ્લાની તમામ મંડળીઓમાં પરિપત્રની જોગવાઈઓનું પાલન થાય અને મળતી ભેટ/સોગાદો મંડળીના ઉપયોગમાં જ લેવાય તે અંગે તકેદારી રાખવા તમામ જિલ્લા રજીસ્ટ્રારને જાણ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.