ગુરુપૂર્ણિમાની ઉજવણી:નડિયાદ, ડાકોર અને વડતાલમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું,-ગુરુપૂજન સહિત પાદૂકા પૂજન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

નડિયાદ2 મહિનો પહેલા
  • સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હોવાથી ચાલુ વર્ષે ગુરુપૂર્ણિમાએ વિધ્ન
  • શાળા, મહાશાળા, વિદ્યાલયોમા પણ ગૂરુપૂજનનુ મહત્વ સમજાવવામા આવ્યું

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે બુધવારના રોજ ગુરૂપૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે. જિલ્લામા આવેલા મહત્વના ત્રણ તીર્થ સ્થાનો ડાકોર, વડતાલ અને નડિયાદમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ત્રણેય તીર્થ સ્થાનો પર ભક્તોનુ વહેલી સવારથીજ ઘોડાપૂર ઉમટ્યું છે. ગાદીપતિના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે. સાથે સાથે ગુરુપૂજન સહિત પાદૂકા પૂજન કરી ભક્તોએ ગુરુદેવો ભવ: નો મંત્ર સાર્થક કર્યો છે. આ ઉપરાંત જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમા પણ આ દિવસની ખુબજ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે.

ડાકોરમાં 14 ગુરુ ગાદીઓ પર શિષ્યોની ભારે ભીડ
અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમા આ દિવસનુ ખુબજ ધાર્મિક મહત્વ હોય છે. ગુરુ પૂજનનો આ દિવસે વિશિષ્ટ મહિમા હોય છે. ખાસ કરીને ગુરુ મંદિરોમા ભક્તો દર્શન કરવા આવે છે. યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના દરબારમાં આજે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ડાકોરમાં પૂનમના દર્શને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જગતનો નાથ અને કૃષ્ણ વંદે જગતગુરુ પણ ડાકોરમાં બિરાજમાન છે માટે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આજે આવી પહોંચે છે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ભક્તોની સંખ્યા નહિવત હતી. પણ આ વખતે ડાકોરના માર્ગો પર ચાલતા ભક્તો મોટી સંખ્યામાં દેખાયા છે. ડાકોર ઉમરેઠ રોડ પર, ડાકોર ઠાસરા રોડ પર, ડાકોર કપડવંજ અને ડાકોર મહુધા રોડ પર ભંડારાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ડાકોરમાં પહેલી ગાદી તો રાજાધિરાજની છે બાકી દંડી સ્વામી આશ્રમ કાઠીયા ખાખચોક ગાદી, નરસિંહજીની ગાદી, સત્યનારાયણ મંદિરની ગાદી, દાઉદજી મંદિરની ગાદી, ત્રીકમજી મંદિરની ગાદી સહિત ડાકોરમાં 14 ગુરુ ગાદીઓ પર શિષ્યોની ભારે ભીડ જોવા મળી રહી છે. તો આ સિવાય રણછોડરાય મંદિરમાં ભક્તોનું પણ ઘોડાપૂર ઉમટ્યું છે.

વડતાલમાં ભાવિક ભક્તો ભક્તિમા તરબોળ બન્યા
સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય તીર્થધામ વડતાલમાં પણ ગુરુપૂર્ણિમાની ભવ્યતીભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે. પરમ પૂજ્ય આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની નિશ્રામાં આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાંથી પંથના ભાવિક ભક્તો વડતાલમાં ઉમટ્યા છે અને આચાર્ય મહારાજ શ્રીના દર્શન કરી તથા ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરી હરી ભક્તો તરબોળ બન્યા છે. જોકે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હોવાથી ચાલુ વર્ષે ગુરુપૂર્ણિમાના દિવસે મોટા ભાગના ભક્તો દર્શન કરવા આવી ન શક્યા હોવાનું જાણવા મળ્યું છે.

નડિયાદ સંતરામ મંદિરમા ભક્તોએ પ્રસાદરૂપે કંઠીને ગ્રહણ કરી
આ ઉપરાંત નડિયાદમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરમાં આ દિવસે પાદુકા પૂજન અને પૂજ્ય રામદાસજી મહારાજના દિવ્ય આર્શીવાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી છે. સાથે સાથે પ્રસાદરૂપી કંઠી ગ્રહણ કરી ભક્તોએ ગુરૂ પૂજનના આ મહિમાની ઉજવણી કરી છે. સવારે પાદુકા પૂજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરના માઈ મંદિર, અંબા આશ્રમ, બ્રહ્મર્ષિ સંસ્કાર ધામમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

સ્કૂલ, કોલેજોમાં બે વર્ષ બાદ ગુરૂ પૂનમની ઉજવણી કરાઈ
ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાન કરતાં પણ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે કારણ કે ગુરુ હંમેશા શિષ્યને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવા પ્રેરણ આપે છે. નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં આવેલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરુ પુનમની ઉજવણી કરવામાં આવી છે. શાળા, મહાશાળા, વિદ્યાલયોમા પણ ગૂરુપૂજનનુ મહત્વ સમજાવવામા આવ્યું છે. આમ સમગ્ર જિલ્લામાં તીર્થધામથી લઈને શૈક્ષણિક સંસ્થાઓ સુધી આ પર્વની હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. કોરોનાના બે વર્ષના લાંબા સમય બાદ આ પૂનમની આજે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...