'બાપ્પાનુ જ્યા સર્જન, ત્યાં જ વિર્સજન':નડિયાદના વાલ્લાની શાળામાં ઉજવાયો ગણેશ મહોત્સવ, શાળામાં સર્જન કરાયું અને શાળામાં જ પાણી ભરેલા પાત્રમાં વિસર્જન કરાયું

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળામાં ઈકો ફ્રેન્ડલી ગણેશ બનાવવા માટે ખાસ વર્કશોપનુ પણ આયોજન કરાયું
  • પર્યાવરણ મિત્ર બનતી વાલ્લા શાળા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના હસ્તે વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત કરાયા
  • શાળામાં માટી, હળદર, મધ, ઘી અને ગોબરથી શાસ્ત્રોક્ત પદ્ધતિએ ગણેશ સર્જન

નડિયાદ તાલુકાની વાલ્લા શાળા ઘણાં વર્ષોથી પર્યાવરણ રક્ષણની અનેક પ્રેરક પ્રવૃત્તિઓ કરી રહી છે. શાળાનો ઔષધબાગ,તુલસીવન, 7575 બીજ બોલ બનાવી તેનો સફળ પ્રયોગ, પર્યાવરણ જાગૃતિનું વિશાળ ભીંત ચિત્ર. વૃક્ષ વિધાતા-જીવન દાતા નામે શૈ.પૂતળીખેલ વગેરે જીવાતા જીવનના પાઠ શીખવવામાં આ શાળા હંમેશ અગ્રેસર રહી છે. શાળાના પર્યાવરણ મિત્ર અને ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે માટી ,હળદર, મધ, ઘી અને ગોબરથી જાતે શાસ્ત્રોક્ત પદ્ધતિએ ઈકો ફ્રેન્ડલી બાલ ગણેશ બનાવ્યા છે.

શિક્ષકે આ પાવનકારી સંદેશ ઊગતી પેઢીને આપ્યો છે
ખરેખર માટી એ પૃથ્વીનું પ્રાણતત્વ છે.પવિત્ર પંચભૂત છે. ગણેશજીનો જન્મ માટીમાંથી થયો. માતા પાર્વતીએ માટીમાંથી જ પુત્ર પ્રતિમા બનાવી હતી.બાલ ગંગાધર ટિળકે માટીના ગણેશજીથી જ ઉત્સવની શરૂઆત કરી છે.તે થકી જ જળાશયોના જળચર જીવોનું રક્ષણ થાય છે.પર્યાવરણ પણ જળવાય છે. શાળાના શિક્ષકે આ પાવનકારી સંદેશ ઊગતી પેઢીને આપ્યો છે. આ બાલ ગણેશજીની આરતી અને થાળમાં તમામ વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભક્તિભાવથી જોડાયા છે.

સંદેશ અપાયો
'સબ પઢેં-સબ બઢેં' તથા 'પઢેગા ગુજરાત,બઢેગા ગુજરાત' જાણે કે શિક્ષણ દ્વારા જ સર્વાંગી વિકાસ કહેતું હતું. હિતેશકુમાર બ્રહ્મભટ્ટે જન સમાજના સર્વ વિઘ્નો દૂર થાય,સર્વત્ર શાંતિ થાય,સર્વ મંગલમય થઈ રહે તે માટે શાંતિપાઠ કરાવ્યો હતો. આ પ્રસંગે ખેડાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એ.પટેલ,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશભાઈ માછી, નડિયાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.આર.પરમાર, સીઆરસી કુલદીપસિંહ રાજ,સરપંચ અશ્વીનભાઈ વાળંદ, ઉપ સરપંચ અશોકભાઈ પરમાર, દૂધ મંડળીના ભાવેશભાઇ વાળંદ, રામજી મંદિરના મહંત પૂજ્ય ભગવાનદાસજી મહારાજ, આચાર્ય જયપાલસિંહ ઝાલા,એસએમસી અધ્યક્ષ ચિરાગભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાર્થીઓને જાતે ગણેશજીની મૂર્તિ બનાવતા શીખવ્યું
ભાવેશભાઈ વાળંદ તરફથી સૌને બુંદી લાડુનો પ્રસાદ પણ વહેંચાયો હતો. બાદ સૌના જયનાદ સાથે વાજતે- ગાજતે શાળામાં જ પાણી ભરેલ પાત્રમાં મૂર્તિ વિસર્જન કરાયું.
જેનો ઉપયોગ શાળાના ઔષધબાગમાં કરાશે. વિશેષ, માટીના ઈ ગણેશજી બનાવવાનો વર્કશોપમાં હિતેશકુમાર બ્રહ્મભટ્ટે તેની અગત્ય જણાવી હાજર 50 વિદ્યાર્થીઓને જાતે ગણેશજીની મૂર્તિ બનાવતા સરળતાથી શીખવ્યું હતું.જેમાં ઉત્તમ મૂર્તિ બનાવનાર શાળાના દેવાંગ રાવળ,ઈશાનખાન ભંડેરી,આયુષિ પટેલ,નવ્યા રાવળ અને સિમરન મલેકને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના હસ્તે ઈનામ આપી સન્માનિત કરાયા. આનંદમય - પ્રવૃતિમય શિક્ષણ સાથે જન જાગૃતિ અને ઉજવણીના આ પ્રેરક પ્રયાસને સફળ બનાવવા હિતેશકુમાર બ્રહ્મભટ્ટ સાથે આચાર્ય જયપાલસિંહ ઝાલા તથા નયનાબેન બ્રહ્મભટ્ટ, પિનાકિનીબેન રામી,સેજલબેન પંડ્યા,સતીશભાઈ પટેલ, નિર્મલભાઈ પટેલ તથા નિલેશભાઈ ઝાપડિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.

માટીના ગણેશની સાથે સાથે કુદરતી રંગનો ઉપયોગ કયાયો
અહીયા મહત્વની વાત કરીએ તો ગણેશની મૂર્તિ તો માટીની જ છે સાથે સાથે માટીના ગણેશજીને કુદરતી રંગનો ઉપયોગ કરાયો છે અને ગણેશજીની મૂર્તિ શુશોભન બની છે. આ ગણેશજીને ચૂનો,કંકુ,હળદર તથા ગળીનો કુદરતી રંગ કરેલ છે. તેથી જ 100 ટકા ઈકો ફ્રેન્ડલી મૂર્તિ કહી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...