ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં સ્થિત ગળતેશ્વર મહાદેવનું મંદીર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયના દર્શને આવતા ભાવિક ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરીને ગળતેશ્વર મહાદેવ મંદીરના દર્શને અચૂક આવે છે. ગળતેશ્વર મહાદેવ પાસેથી વહેતી મહીસાગર નદીમાં ડૂબકી લગાવ્યા વિના આ શ્રધ્ધા યાત્રા પૂર્ણ ન થાય. હવે આ જ પવિત્ર યાત્રાના માર્ગમાં એક નવીન, પ્રકૃતિસભર, મનને શાંતિ અને તનને ઠંડક અર્પતું સ્થળ એટલે પ્લેટિનમ વન.
દાંડી યાત્રાના 22 સ્થળોની પ્રતિકૃતિ વૃક્ષોના માધ્યમથી બતાવવામાં આવી
ખેડા જિલ્લા વન વિભાગ દ્વારા ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામે, ગળતી નદીના કાંઠે, ગળતેશ્વર મહાદેવ મંદિરના સામિપ્યમાં, પ્લેટિનમ વનનું નિર્માણ કરવામા્ં આવ્યું છે. અનેકવિધ જીવંત છોડ, ફુલો અને વૃક્ષોથી સજ્જ આ સુંદર ઉપવન પ્રકૃતિના ઉપાસકો માટે નિરાંત અને પ્રકૃતિ-પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્લેટિનમ વનની મુખ્ય વિશેષતા છે કે અંહી મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડી યાત્રાના 22 સ્થળોની પ્રતિકૃતિ વૃક્ષોના માધ્યમથી બતાવવામાં આવી છે. આ ઉપરાંત અહીં સરદાર વનમાં સરદાર વલ્લભભાઈ પટેલની જીવંત વૃક્ષ-મૂર્તિ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.
પ્લેટિનમ વનના આકર્ષણના કેન્દ્રો:
શાળા-કોલેજના વિદ્યાર્થીઓ રજાના દિવસોમાં મજા માણવા આવે છે.
આ ઉપરાંત, કાંચનાર, ચંપો, અને પીપળાના મોટી માત્રામાં ઉગેલા વૃક્ષો પ્લેટિનમ વનની રમણીયતા અને શાંતિમાં વૃદ્ધિ કરે છે. સાથે સાથે પ્લેટિનમ વનમાં નાના મોટા જીવો પ્રકૃતિની ગોદમાં આનંદથી રહે છે. આ સુંદર, સ્વચ્છ અને પ્રકૃતિમય જગ્યામાં પ્રકૃતિના ઉપાસકો અને સહેલાણીઓ નિયમિત મુલાકાત લેતા રહે છે. ખાસ કરીને આસપાસની શાળા-કોલેજના વિદ્યાર્થીઓ રજાના દિવસોમાં પ્લેટિનમ વનની મજા માણવા આવે છે.
અત્યારે ખેડા જિલ્લા 21.05 ચો.કિમી જંગલ વિસ્તાર છે
ઉલ્લેખનીય છે કે સરકારની સામાજિક વનીકરણ યોજના અંતર્ગત પ્લેટિનમ વન પ્રોજેક્ટનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. 1969-70માં શરૂ કરવામાં આવેલી સામાજિક વનીકરણની યોજનાનો આશય બિન-જંગલ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવાનો છે. ગુજરાત ફોરેસ્ટ સ્ટેટેસ્ટીક્સ વર્ષ 2020-21 મુજબ અત્યારે ખેડા જિલ્લા 21.05 ચો.કિમી જંગલ વિસ્તાર છે. ત્યારે વનીકરણ માટેના પ્લટીનમ વન પ્રોજેકટની સફળતાનું મહત્વ અનેકગણુ વધી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.