ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે આવેલ અને જિલ્લાની એકમાત્ર મહિલા કોલેજમાં આજ રોજ અનોખો ઇનામોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં પુરસ્કૃતિ પર્વ અને હાસ્ય અદાલત યોજાઈ હતી. આમાં કોલેજની વિદ્યાર્થિની બહેનો કોલેજના જ શિક્ષકો, આચાર્ય અને અન્ય સ્ટાફ સામે આરોપો મૂકતા કઠેડામાં હાજર કરાયા હતા અને એ બાદ કાર્યક્રમના નામદાર ન્યાયમૂર્તિ આરોપો ઉપર ફેસલો પણ આપ્યો હતો. આમ હાસ્યના હિલ્લોળ સાથે આ અનોખા વાર્ષિકોત્સવની ઉજવણી કરાઈ છે.
કોલેજમાં સ્ટુડન્ટ મોડી આવે તો દંડ આપવાનો અને પ્રિન્સીપાલ મોડા આવે તો કેમ દંડ નહિ લેવાનો? સ્ટુડન્ટ રજા પાડે તો ઘરે કાગળ લખાય તો પ્રિન્સીપાલ રજા પાડે એનું શું? આ કોલેજ છે કે સ્કૂલ છે? કોલેજનું વાતાવરણ વિધાનસભા કરતા પણ કેમ કડક કરી દીધું છે? અમે બધા મોટી ઉંમરના થઇ ગયા છતાં કોલેજમાં ફોન કેમ વાપરવાં દેવામાં આવતા નથી? આવા- આવા પ્રશ્નોની ઝડી આજે ખેડા જીલ્લાની મહિલા કોલેજની સ્ટુડન્ટે પોતાના આચાર્ય સામે અને કોલેજના સ્ટાફ સામે જ્યારે જાહેરમાં વરસાવી ત્યારે વાતાવરણ હાસ્ય હિલ્લોળથી ભરાઈ ગયું હતું.
નડિયાદના મીલ રોડ વિસ્તારમાં આવેલી સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજનો વાર્ષિકોત્સવ આજે અનોખી રીતે ઉજવાઈ ગયો. જેમાં હાસ્ય અદાલત ભરવામાં આવી હતી. આ અદાલતમાં સ્ટુડન્ટે ભેગા થઇને આચાર્ય અને કૉલેજના દરેક સ્ટાફ સામે આરોપો મૂક્યાં હતા. અંતે નકલી નામદાર ન્યાયમૂર્તિએ એનો ચુકાદો પણ આપ્યો હતો. ન્યાયમૂર્તિ તરીકે કોલેજના જ પૂર્વ વિદ્યાર્થીની અને નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર પ્રીતીબેન વાઘેલાએ સેવાઓ આપી હતી. તેમણે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, જે-જે ગુનાઓ સ્ટુડન્ટોએ જણાવ્યા છે, તે બહુ સંગીન છે, જે માફ કરી શકાય તેમ નથી. માટે આચાર્ય અને સ્ટાફ અત્યારે જે વર્તન અને પ્રવૃત્તિ કરી રહ્યાં છે તે આગામી પાંચ વર્ષ સુધી કરતા રહે તેવો હાસ્યપ્રદ ચૂકાદો તેમણે જણાવ્યો હતો.
આ સમારંભમાં સંઘર્ષ સાથે જેણે સિધ્ધિ મેળવી છે. તેવી દિકરીઓને સન્માનવામાં આવી હતી. ઉપરાંત જે યુનિવર્સીટી અને કોલેજ રિઝલ્ટમાં ટોપર થઇ તેવી સ્ટુડન્ટને અને વિવિધ સ્પર્ધાઓમાં જે જીતી હોય તેવી 100થી વધુ સ્ટુડન્ટને પણ સન્માનવામાં આવી હતી. જાણીતા દાનવીર, ઉદ્યોગપતિ તરફથી દરેક સન્માનિત બહેનોને આકર્ષક ભેટ આપવામાં આવી હતી. સમારંભના અતિથી વિશેષ પદે સરદાર પટેલ યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર ડો. નિરંજન પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે વિદ્યાર્થીઓને આજના સમયની માંગ અનુસાર યોગ, ઉદ્યોગ અને સહયોગ માટે પ્રેરિત કરી હતી.
સમારંભમાં ખાસ મહેમાન પદે ઉપસ્થિતિ સુરતના કેપ્ટન મીરાં દવેએ વિદ્યાર્થીની બહેનોને આગળ આવવા પ્રોત્સાહન પૂરું પાડયું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જીવનમાં સંઘર્ષ, પરિશ્રમ અને મહેનત વગર સફળતા શક્ય જ નથી. મન, કર્મ અને શરીરથી સ્વસ્થ બહેનો જ આગલી પેઢીને મજબૂત બનાવી શકશે. પોતાના સૈનિક જીવનના અનુભવોથી તેમણે કોલેજની સ્ટુડન્ટને પ્રેરિત કરી હતી.આ રીતે આજે નડિયાદની મહિલા કોલેજમાં પહેલી વખત મોક કોર્ટ એટલે કે હાસ્ય અદાલત ધ્વારા વાર્ષિકોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.