ડીજેની ઉઘરાણીમાં ડખો:નડિયાદના હાથનોલીમા ઉઘરાણી કરતા પિતા અને બે પુત્રોએ તલવાર વડે બે ભાઈઓ પર હુમલો કર્યો

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

નડિયાદ તાલુકાના હાથનોલી ગામમા લગ્ન પ્રસંગમાં બોલાવેલા ડીજે સાઉન્ડની ઉઘરાણી મામલે ઉગ્ર ઝઘડો થતાં હુમલો થયો છે. જેમાં પિતા અને બે પુત્રોએ ઉઘરાણી કરનાર બે સગાભાઈઓ પર તલવાર અને કટારથી હુમલો કર્યો છે. આ સમગ્ર મામલે ઘવાયેલા ઈસમે બ્લોક કરના ત્રણેય વ્યક્તિઓ વિરુદ્ધ નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નડિયાદ તાલુકાના હાથનોલી ગામે રહેતા જગદીશભાઈ ઈશ્વરભાઈ વાઘેલા પોતે ગામમાં કરિયાણાની દુકાન તેમજ ક્રિષ્ના ડીજે સાઉન્ડ રાખી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગામના બીલી વિસ્તારમાં રહેતા વિનુ વાઘજીભાઈ ભોઈના દિકરા અશોકનુ લગ્ન ચાર મેના રોજ હોવાથી વિનુએ જગદીશભાઈ પાસેથી ડીજે સાઉન્ડ ભાડે રાખેલ હતું. જે 20 હજાર 100માં સોદો નક્કી થયો હતો. આ પૈકી 1 હજાર બાના પેટે અને બીજા દિવસે 5 હજાર એમ કુલ છ હજાર રૂપિયા જગદીશભાઈને આપ્યા હતા.

બાકીના નાણાં રૂપિયા 14 હજાર 100 પછી આપી દેવાનું જણાવેલ હતું. પ્રસંગ પત્યા બાદ પણ વિનુએ આ પૈસા આપવાનું નામ લેતા નહોતા. ગતરોજ જગદીશભાઈ અને તેમના સગાભાઈ પરેશભાઈ બંને લોકો સાંજના આઠ વાગ્યાના સુમારે વિનુના ઘરે પોતાના બાકી નીકળતા નાણાંની ઉઘરાણી માટે ગયા હતા. આ સમયે વિનુએ જણાવ્યું કે તને દસ હજાર રોકડા આપીએ છે બાકીના રૂપિયા આપવાના નથી. તેમ કહેતા બંને લોકો વચ્ચે રકઝક થઈ હતી.

આ રકઝક ઉગ્ર બનતા ઝઘડામાં પરિણમ્યો હતો અને વિનુ તથા તેમના બે દીકરા નિલેશ અને અશોકે તલવાર અને કટાર લઈ આવી જગદીશભાઈ તથા તેમના ભાઈ પરેશભાઈ ઉપર હુમલો કર્યો હતો. આ બનાવમાં જગદીશભાઈ ને તલવારની ધાર છાતીના ભાગે વાગી જતા તેમજ પરેશભાઈને કટારાની ધાર હાથની હથેળીમાં વાગી જતા ઇજા થઇ હતી. આ સમગ્ર મામલે જગદીશભાઈ વાઘેલાએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ઉપરોક્ત હુમલો કરનાર વિનુ વાગજીભાઈ ભોઈ તથા તેમના બે દિકરા નિલેશ અને અશોક સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...