પૂર્વ સરપંચની દાદાગીરી:કઠલાલના પીઠાઈના મેળામાં પૂર્વ સરપંચ અને તેની ટોળકીએ બંદોબસ્તમા રહેલાં પોલીસ કર્મીઓને મારમાર્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ કર્મીને લોખંડની એંગલ માથામા ફટકારતા 5 ટાંકા આવ્યા
  • પૂર્વ સરપંચ સહિત 10થી 12ના ટોળા સામે ફરિયાદ

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસને અવારનવાર ઘર્ષણમા ઉતરવું પડે છે અને ક્યારેક તે હુમલાનો ભોગ પણ બને છે. કઠલાલના પીઠાઈ ખાતે પેઠેશ્વરી માતાના મેળામા પૂર્વ સરપંચ સહિતના લોકોએ પોલીસ પર હુમલો કર્યો છે. સરપંચના પુત્ર‌ તથા અન્ય યુવાન નાવડીના ચગડોળની લાઈનમા ધક્કામુક્કી કરતાં પોલીસે સરપંચના પુત્રને ટકોર કરતા મામલો બિચક્યો હતો. આ બાદ પૂર્વ સરપંચ સહિતના ટોળાએ બંદોબસ્તમા રહેલા પોલીસ કર્મીઓને મારમાર્યા હતા. બેકાબુ ટોળામાના એક વ્યક્તિએ તો પોલીસ કર્મીને લોખંડની એંગલ માથામા ફટકારતા ઘાયલ પોલીસ કર્મીને 5 ટાંકા આવ્યા છે. સમગ્ર બનાવ સંદર્ભે કઠલાલ પોલીસે પૂર્વ સરપંચ સહિત 10થી 12 વ્યક્તિઓ સામે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

જોર જોરથી ચકડોળ વાળાને ગાળો બોલતા હતા
કઠલાલ તાલુકાના પિઠાઈ ગામે પીઠેશ્વરી માતાના મંદિરનો મેળો ચાલી રહ્યો હતો. આ મેળામાં કઠલાલ અને કપડવંજ પોલીસના કર્મીઓ ફરજ પર હાજર હતા. અહીંયાના બીટ જમાદાર અરવિંદભાઈ પણ હાજર હતા. આ દરમિયાન ગતરોજ સવારના સુમારે ચકડોળ વિસ્તારમાં બુમરાણ થવાનો અવાજ આવતા બીટ જમાદાર અરવિંદભાઈ સહિતના પોલીસ કર્મીઓ ચકડોળના અંદરના ભાગે ગયા હતા. આ દરમિયાન નાવડીવાળા ચકડોળના ભાગે ગામના પૂર્વ સરપંચ બાબુભાઈ ઉર્ફે ભગાભાઈ અમરાભાઇ પરમારનો દીકરો ઋત્વિક અને ગામનો અન્ય યુવાન ભરતભાઈ ઉર્ફે ભાથીભાઈ પરમાર આ બંને નાવડીના ચકડોળની લાઈનમાં ધક્કા મૂકી કરતા હતા અને જોર જોરથી ચકડોળ વાળાને ગાળો બોલતા હતા.

પોલીસ સાથે ઘર્ષણ કર્યું
અરવિંદભાઈની સાથે આવેલા પોલીસ કર્મીઓએ આ બન્નૈ યુવાનોને આમ ન કરવાનું કહ્યું અને ન માનતા આખરે પોલીસે આ બંને યુવાનોને લાઈનમાંથી બહાર લાવેલા હતા. આથી આ બંને લોકોએ પોલીસને અપ શબ્દો બોલવા લાગ્યા હતા અને જ્ઞાતિ વિરુદ્ધ અપમાનિત કરી ત્યાંથી જતા રહ્યા હતા. દસેક મિનિટ બાદ ઋત્વિકના પિતા જેઓ પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે તે બાબુભાઈ ઉર્ફે ભગાભાઈ અમરાભાઇ પરમાર સાથે અન્ય લોકોનું ટોળું લાકડી ડંડા સાથે ધસી આવ્યું અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. અને પોલીસ કર્મીઓને મારમાર્યા હતાં.

પોલીસે ગુનો નોંધ્યો
પૂર્વ સરપંચ પોલીસને કહેવા લાગેલા કે તે મારા દીકરાને લાઈનમાંથી કેમ બહાર કાઢ્યો? તું જાણે છે અમે ક્ષત્રિય છે અને તું કોણ છે એની મને ખબર છે તને તો અમારી બીટમાંથી બદલાવી જ નાખવાનો છે મારા ગામની બીટનો જમાદાર તારા જેવો ના હોવો જોઈએ વિગેરે મતલબ કહી પોલીસકર્મી અરવિંદભાઈને ધક્કો માર્યો હતો અને અન્ય લોકોએ પોલીસ કર્મીઓને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. ટોળામાં આવેલા એક વ્યક્તિએ પોલીસ કર્મીને માથાના ભાગે લોખંડની એંગલ ફટકારી દીધી હતી જેના કારણે આ પોલીસ કર્મીને માથામાં પાંચ ટાંકા આવ્યા છે. પોલીસ કર્મચારી અરવિંદભાઈએ કઠલાલ પોલીસ મથકે આ સંદર્ભે પૂર્વ સરપંચ બાબુ ઉર્ફે ભગા અમરાભાઇ પરમાર, દિન ઉર્ફે ગલિયો અંબુભાઈ પરમાર, ઋત્વિક બાબુભાઈ ઉર્ફે ભગા પરમાર, બ્રિજેશ બાબુભાઈ ઉર્ફે ભગા પરમાર, ભરત ઉર્ફે ભાથી રસિકભાઈ પરમાર, ભગવાન અમરાભાઇ પરમાર, બીપીન પુંજાભાઈ પરમાર, ધનજી રબારીના બે દીકરાઓ સહિત કુલ 10થી 12 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...