ખેડા જિલ્લામાં બદનામીની હેવાનીયતનો કિસ્સો સામે આવ્યો છે. મહુધાના વડથલમા યુવતીને બદનામ કરવા પૂર્વ પતિએ યુવતીના પરિજનોના ફોટા સોશિયલ મીડિયામા ખોટી રીતે એડીટ કરી બદનામ કરવાની હેવાનીયાત સામે આવી છે. સ્ટેમ્પ પર છુટાછેડા લીધા બાદ પણ યુવતીને સોશિયલ મીડિયામાં બદનામ કરી યુવતીના પરીજનોના લવ ફોરમેટમા દુષ્પ્રચાર કરતી પોસ્ટ મૂકતા યુવતી તથા તેના પરિવારની આબરુના સમાજમા ધજાગરા ઉડ્યા છે. અંતે આ મામલે બદનામીનો ભોગ બનેલી યુવતીએ મહુધા પોલીસ મથકે પોતાના પૂર્વ પતિ સામે ફરિયાદ નોંધાવી છે.
મહુધા તાલુકાના વડથલ ગામે રહેતી 30 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2016માં નડિયાદ તાલુકાના હાથજ ગામે રહેતા યુવક સાથે સમાજનાં રીતિ-રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ પરિણીત યુવતી પોતાના સાસરે રહેવા ગઇ હતી. આ દરમિયાન પતિ તથા તેઓના સસરાએ રાત્રિના સમયે ઘરે દારૂ મંગાવીને પીતા હતા અને દારૂના નશામાં જણાવતા હતા કે, મારા મમ્મી નથી જેથી મારા પિતા ઘણા સમયથી એકલવાયું જીવન વિતાવે છે તેથી તારે મને તથા મારા પિતાને શારીરિક તેમજ માનસિક રીતે સુખ આપવું પડશે એવી અઘટિત માંગણી કરતા હતા.
આથી આ યુવતી પોતાના પિયરમાં આવી ગઈ હતી અને આ હકીકત પિયર પક્ષના કુટુંબના તેના માતા-પિતા તથા કાકા અને કાકીને જણાવતા આ બાબતે ઘરસંસાર બગડે નહીં તે માટે જે તે સમયે કુટુંબના સભ્યોએ ફરિયાદ કરી ન હતી. એકાદ મહિના બાદ યુવક પોતાની પત્નીને તેડવા આવ્યો હતો અને હવે આવું નહીં થાય તેમ જણાવતા યુવતીને સાસરે મોકલી આપી હતી. જોકે, આ બાદ પણ પતિ પોતાની પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો અને નાની નાની બાબતોમાં ઝઘડો કરવા લાગતો હતો જેથી કંટાળેલી પરિણીત યુવતીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો.
આ બાબતે સમાજના અગ્રણીઓની હાજરીમાં વર્ષ 2016માં 20ના સ્ટેમ્પ પર છૂટાછેડાના કરાર બંને વચ્ચે થયેલો હતો. છુટાછેડા થઇ ગયા પછી આ શખ્સ યુવતીને તથા તેના પિતાને ટેલિફોન કરી ધમકી આપતા હતા કે તમે તમારી પુત્રીના લગ્ન કેવી રીતના કરો છો તે હું જોઈ લઈશ તમારી દીકરીને આપણા સમાજના 636 ગામમાં બદનામ કરી નાખીશ અને તેને હું ક્યાંયની નહીં છોડુ તેમજ બિભિત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આબાદ હેવાનિયત પર ઉતરેલા જયેન્દ્ર વાઘેલાએ પોતાના ફેસબુક એકાઉન્ટ તથા એક ઇંસ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરી ગત તારીખ પહેલી સપ્ટેમ્બર 2021થી આ યુવતીના ફોટા અલગ અલગ વ્યક્તિઓ સાથે મર્જ કરી ખોટા સંબંધો દર્શાવી દુષ્પ્રચાર કરતી પોસ્ટ મૂકતો હતો. આ ઉપરાંત યુવતીની મોટીબહેન તથા નાની બહેન તેમજ કાકાની દીકરીના ફોટા પણ અલગ અલગ એપ્લિકેશનો દ્વારા લવ ફોર્મેટમાં અલગ અલગ વ્યક્તિઓ સાથે જોઇન્ટ ફોટા કરી પોસ્ટ કરે છે.
જેથી આ બાબતે યુવતી અને તેના પરિવારજનોએ શખ્સને આવી પોસ્ટ કેમ મુકેલ છે તેમ જણાવતા શખ્સે જણાવ્યું કે, તમારાથી થાય તે કરી લેજો જ્યાં જઈને કેસ મુકવા હોય તો મુકો. આ સાથે સાથે ગત પહેલી મે 2022ના રોજ સાવધાન રોહીત સમાજ મથાળાવાળો પત્ર લખી યુવતી તથા તેના કુટુંબના સભ્યો તેમજ કાકા અને કાકાની દીકરીઓના ફોટા ચોટાડી શરૂઆતમાં બંને પક્ષે વચ્ચે રહી લગ્ન કરાવી લગ્ન કરાવ્યા બાદ છોકરાને સાથ સહકાર આપતા નથી અને મોટી રકમ વસૂલ કરી છૂટાછેડા આપેલ છે તેવો પત્ર ટપાલથી સમાજમાં અલગ અલગ જગ્યાએ વાયરલ કર્યો હતો. જેથી આ સંદર્ભે બદનામીનો ભોગ બનેલી યુવતીએ મહુધા પોલીસ મથકે પોતાના પૂર્વ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે 504, 506,507 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.