નડિયાદના નવા બિલોદરા એક્સપ્રેસ વે અંડરબ્રિજ પાસેથી ગત 6 ડિસેમ્બરના રોજ 30 થી 35 વર્ષની મહિલાની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી.મહિલા પાસે તેની 4 વર્ષીય બાળકી પણ મળી આવી હતી. જે અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે તપાસ કરતા મહિલાનું દુપટ્ટાથી ગળુ દબાવી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. સમગ્ર ઘટનાને સોમવારે 34 દિવસ પુરા થયા. પરંતુ હત્યાના બનાવને જોડતી એક કળી હજુ સુધી નડિયાદ ગ્રામ્ય પોલીસને મળી નથી. મહિલાની ઓળખ કરવા આંતર રાજ્ય સુધી જાહેરાતો કરવામાં આવી છે,પરંતુ હજુ સુધી મહિલાની ઓળખ સુધ્ધા થઈ નથી.
નડિયાદ ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ મહિલાનો મૃતદેહ એક્સપ્રેસ વે પાસે મળી આવ્યો હતો, જેથી પોલીસે સૌપ્રથમ એક્સપ્રેસ વે પરથી લાશ ફેંકી દેવાઈ હોવાની આશંકાના આધારે અમદાવાદ થી વડોદરા તરફના અપ અને ડાઉન બંને તરફના સીસીટીવી ચકાસી લીધા હતા. તેમાં કોઈ કળી નહીં મળતા નડિયાદ શહેરના માર્ગો પર લગાવેલા નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી, નડિયાદ રેલ્વે સ્ટેશનના સીસીટીવી, શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પણ મહિલાની ઓળખ માટે તપાસ કરીલીધી હતી. પરંતુ મહિલા કોણ છે, તેની ભાળ હજુ સુધી મળી નથી.
મહત્વની વાત છેકે મહિલા સાથે 4 વર્ષીય બાળકી પણ મળી આવી હતી. જેને મહિલાની હત્યા કર્યા બાદ તેની સાથે છોડી દેવાઈ હતી.પ્રાથમિક તપાસમાં બાળકીને પગના ભાગે ઈજા હોય શહેરના માતૃછાયા અનાથ આશ્રમની મદદથી તેણીનો ઈલાજ કરાવવામાં આવ્યો હતો. પોલીસે બાળકી સાથે વાત કરતા તેણે માતા-પિતાનું નામ પૂજા અને ઉદય હોવાનું જણાવ્યું હતું. જેનાથી વધુ માહિતી પોલીસ બાળકી પાસેથી મેળવી શકી નથી. સોમવારે સમગ્ર ઘટનાને 34 દિવસ જેટલો સમય થઈ ગયો છે. પરંતુ હજુ સુધી પોલીસ દીવો લઈ અંધારા ફંફોસી રહી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
યુપી-બિહારમાં પૂજા અને ઉદય નામ વાળા વ્યક્તિઓની તપાસ કરાશે
પ્રાથમિક તપાસમાં મહિલા યુપી-બિહાર તરફની હોવાનું જણાતા ત્યાના તમામ પોલીસ સ્ટેશનમાં મહિલા અને બાળકીના ફોટા મોકલાવ્યા છે. ઉપરાંત ત્યાના તમામ જિલ્લા કલેક્ટર પાસેથી આધારની યાદી મંગાવી છે, જેમાં જેટલા પણ પૂજા અને ઉદય હસે તેનો સંપર્ક કરી જે પૂજા મિસીંગ હસે તેની તપાસ કરવામાં આવસે. આશા છેકે આટલી મહેનત બાદ મહિલાની ઓળખ છતી થશે અને પરીણામ ચોક્કસ મળશે.> કે.કે.ઝાલા, પી.આઈ, નડિયાદ ગ્રામ્ય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.