હજારો મણ બોર ઊછળ્યા:બોલતું ન હોય તેવું બાળક બોર ઉછાળવાથી બોલતું થતું હોવાની માન્યતા, નડિયાદના સંતરામ મંદિરે પોષી પૂનમનું વિશેષ મહત્ત્વ

નડિયાદ23 દિવસ પહેલા

સેવાતીર્થ સ્થાન તરીકે જાણીતા બનેલા સંતરામ મંદિરના મુખ્ય ગાદી નડિયાદ ખાતે પોષ સુદ પૂનમનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવસે પ્રસાદીરૂપ બોરની બોલબાલા રહે છે. ભાવિક ભક્તો દ્વારા ગુજરાતના ઠેકઠેકાણેથી નડિયાદ સંતરામ મંદિર ખાતે આવી બોરની ઉછામણી કરે છે. પોતાનું બાળક બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તો એ માટે અનેક શ્રદ્ધાળુઓ માનતા રાખે છે અને આ પૂનમે બોરની મંદિરના પ્રાંગણમાં ઉછામણી કરે છે.

તપના તેજથી તપેલી ભૂમિ એટલે નડિયાદ
'જન સેવા એ જ પ્રભુની સેવા' સુખને ચરિતાર્થ કરતી અને હિન્દુવૈદિક સોડલ સંસ્કારના સોળેસોળ સંસ્કાર થકી સમાજના દરેક સ્તર અને ધર્મ-સંપ્રદાયના લોકોની સેવા માટે આખાય ગુજરાત પંથકમાં પંકાયેલા સંતરામ મહારાજ અને ગુરુ પરંપરાના મહંતો દ્વારા તપના તેજથી તપેલી ભૂમિ એટલે નડિયાદ સ્થિત આવેલું સંતરામ મંદિર છે.

પોતાની શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે (પોતાના બાળકના વજન જેટલા) બોર ઉછાળે છે
બાળકના વજન જેટલા બોર ઉછાળવામાં આવે છે. અહીં પોષી પૂનમનું ઘણું મહત્ત્વ રહેલું છે. જેનું પણ બાળક જન્મ પછી બોલતું ના હોય અથવા તો તોતડું બોલતું હોય તો તેનાં માતા-પિતા કે સ્વજન, સંતરામ જ્યોતની બાધા રાખે છે. મારું બાળક બોલતું થશે તો હું સંતરામ મહારાજના સમાધિ સ્થાન એટલે કે સંતરામ મંદિરના પટાગણમાં સવા કિલોથી લઈ પોતાની શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે (પોતાના બાળકના વજન જેટલા) બોર ઉછાળીશ અને ભક્તો ઉછાળેલા બોરને પ્રસાદ તરીકે સ્વીકારે છે.

રાજ્યાના ખૂણેખૂણેથી શ્રદ્ધાળુઓ આવે છે
રાજ્યનાં અનેકવિધ શહેરો અને ગામડાં તથા દેશનાં અન્ય રાજ્યોમાંથી અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે પોતાના બાળક માટે રાખેલી બાધા પૂરી કરવા નડિયાદ સંતરામ મંદિર ખાતે આવે છે. આ દિવસે શ્રદ્ધા અને ભક્તિનું ઘોડાપૂર જોવા મળે છે. બાળક બિલકુલ બોલતું ના હોય, તોતડું બોલતું હોય તો તે સરસ રીતે સ્પષ્ટ રીતે બોલતું થાય એની બાધા પૂરી કરવા માટેનો આ વિશેષ દિવસ છે.

હજારો શ્રદ્ધાળુઓ આવતાં ટ્રાફિકજામનાં દૃશ્યો
સેવાતીર્થ સંતરામ મંદિરમાં પોષ સુદ પૂનમે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે, જેને કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકજામનાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. સંતરામ રોડ, પારસ સર્કલ સહિત જૂના બસ મથક પાસે ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. તો મંદિર બહાર જાણે મેળો ભરાયો એમ બોરની રેકડીઓથી લઈને પાથરણાંવાળાએ કબજો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...