ખેડા જિલ્લામાં પ્રોહીબીશનના કેસો કરવામાં પોલીસ વ્યસ્ત બની છે. થોડા દિવસ પહેલા વસો પંથક અને હવે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે માતરના અસામલી ખાતેથી દારૂ કટીંગ પર ત્રાટકી બુટલેગરોને ઝડપી લીધા છે. જોકે આમાં બે વ્યક્તિઓ ઝડપાયા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર આરોપી સહિત 3 વ્યક્તિઓ ફરાર થયા છે. પોલીસે અહીંયાથી વિદેશી દારૂનો જથ્થો સહિત 3 વાહનો મળી કુલ રૂપિયા 6.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને 5 વ્યક્તિઓ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
ખેતરના માલિક સહિત 3 લોકો ફરાર
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુપ્ત બાતમીના આધારે શનીવારની રાત્રે માતર તાલુકાના લીંબાસી પોલીસ સ્ટેશનની હદમાં છાપો માર્યો છે. આ તાલુકાના અસામલી ગામની સીમમાં ચેહુભાઈ ગફરભાઈ મકવાણા ચીકુવાડીના ખેતરમાં પહોંચી દારૂ કટીંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અહીયા પહોચતા નાસભાગ મચી ગઇ હતી અને બનાવ સ્થળેથી બે વ્યક્તિઓને ઝડપી લેવાયા હતા. જ્યારે ખેતરના માલિક સહિત 3 લોકો ફરાર થવામાં સફળ થયા હતા. પકડાયેલા ઈસમોનુ નામ ઠામ પુછતાં તેઓએ પોતાના મહાવીરસિંહ નરપતસિંહ ભાટી રાજપુત (રહે.લાભા, અમદાવાદ) અને ચેલારામ સાવલારામ વાઘારામ રબારી (રહે. રાજસ્થાન) હોવાનું જણાવ્યું છે.
5 સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો
વધુમાં પોલીસે અહીંયાથી એક કાર અને બે દ્વિચક્રી વાહનો અને ઈંગ્લીશ દારૂની બોટલો મળી કુલ રૂપિયા 6 લાખ 63 હજાર 500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને ફરાર થનાર ઈસમોનુ નામ તપાસ કરતાં નરપતસિંહ ઉર્ફે નેતસિંહ ભેરુસિંહ સોલંકી (રહે.રાજસ્થાન), ચેહુ ભાઈ ગફુરભાઈ મકવાણા (રહે.અસામલી) અને હીરારામ દુશારામ દેવાસીયા (રહે.રાજસ્થાન)નો સમાવેશ થાય છે. આમ પોલીસે કુલ 5 વ્યક્તિઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.