ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાંથી પસાર થતાં દાંડી માર્ગ ઠેકઠેકાણે તૂટી ગયો છે. આ તૂટેલો દાંડી માર્ગ હાલ ધૂળીયો બન્યો છે. આજે વરસાદને બંધ થયે પણ 4 દિવસનો સમય વીત્યો છે. આમ છતાં પણ રોડને રિપેર કરવાના બદલે માત્રને માત્ર રોડ ઉપર સૂકો ડસ્ટ પાથરી દેવાતા હાલ અહીંયા ભારે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જેના કારણે રાહદારીઓ, સ્થાનિકો અને વાહનચાલકોને ધૂળના રજકણો શ્વાસોશ્વાસ મારફતે શરીરમાં જતાં તેઓના સ્વાસ્થ્ય સામે જોખમ તોડાયુ છે.
થીગડા મારવાની કામગીરી હાથ ધરાઈ હતી
નડિયાદમાંથી પસાર થતો ઐતિહાસિક દાંડી માર્ગ પર દર ચોમાસે ભ્રષ્ટાચારના પોપડા ઉખડીને આંખે વળગે છે. હજુ માંડ 2-3 વર્ષ પૂર્વે જ લાખોના ખર્ચે નડિયાદ ડીડીઆઈટીથી ડભાણને જોડતો આ દાંડી માર્ગનુ નવિનીકરણ થયું છે. ત્યાજ સામાન્ય વરસાદમાં આ રોડ પર ઠેકઠેકાણે તૂટી ખાડા પડી જતાં માર્ગમા વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. જોકે ગયા વર્ષે આ રોડ પર જે જગ્યાએ ખાડા અને રોડ ક્ષતિગ્રસ્ત હતો ત્યાં થીગડા મારવાની કામગીરી હાથ ધરાઈ હતી. આમ છતાં પણ ચાલુ વર્ષે આ રોડ તૂટી જવા પામ્યો છે.
ભારે ટ્રાફિક જામ
ડભાણ રોડ પરની નવી કલેકટર કચેરી પાસે, યોગીનગર ફાટક પાસે, આરટીઓ કચેરી પાસે, સરદારની પ્રતિમા પાસે, ત્રિમૂર્તિ કોમ્પલેક્ષ પાસે, સંતરામ રોડ અને આગળ મહાગુજરાત તથા ઉત્તરસંડાને જોડતો આ દાંડી માર્ગ પર અસહ્ય ખાડા અને રોડ ઉબડખાબડ બન્યો હતો. જોકે સ્ટેશન રોડ પર બે દિવસ અગાઉ રોડને સરખો કરવા એકાએક રસ્તો બંધ કરી સરખો કરવા કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમિયાન ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સરદારની પ્રતિમાથી છેક આરટીઓ કચેરી સુધી ચક્કાજામ સર્જાયો હતો. સ્થાનિકોને એવુ હતુ કે હાશ હવે રોડ રીપેર થશે, પરંતુ માત્રને માત્ર ઉબડખાબડ રસ્તાનુ ઉપરનું લેવલ એટલે કે રોડના તરીને દૂર કરી ડસ્ટ પાથરી દેવાયો હતો. મરામતની જગ્યાએ આવી અનેક જગ્યાએ કામગીરી કરાતા લોકોમા તંત્ર સામે રોષ વ્યાપ્યો છે.
રોડની મરામત્તની અસંતોષ ભરી કામગીરીથી નગરજનો નારાજ
હાલ આવા રોડ સંપૂર્ણ ધૂળીયા રોડ બની ગયા છે. મોટાભાગે ધૂળની ડમરીઓ વાહનો મારફતે ઉડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સ્થાનિકો કે જ્યાં આ રોડ પર વેપાર, ધંધા કરી રહ્યા છે તે લોકોની કફોડી હાલત બની છે. આ ઉપરાંત વાહન ચાલકો તેમા ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકો અને રાહદારીઓને ધૂળના રજકણો શ્વાસોશ્વાસ મારફતે શરીરમાં જતાં સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે. વરસાદના 4 દિવસના લાંબા વિરામ બાદ પણ રોડની મરામત્તની અસંતોષ ભરી કામગીરીથી નગરજનોમા રોષ વ્યાપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.