નડિયાદમાં આજથી શરૂ થયેલ વ્યાજખોરીના ખાસ ડ્રાઈવ સંદર્ભે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ વ્યાજખોરી સામે આકરા પગલાં લેવા પોલીસ તંત્રનો તખ્તો તૈયાર હોવાનું જણાવ્યું છે. નડિયાદમાં આ સંદર્ભે જુદા જુદા પોલીસ મથકોમા લોક દરબાર યોજાવાનો છે. જેમાં અરજદારો આવી આવા દુષણ સામે અવાજ ઉઠાવી શકે છે. તો આ ઉપરાંત જિલ્લા કક્ષાનો લોક દરબાર આગામી 11મી જાન્યુઆરીના રોજ વડા મથક નડિયાદ ખાતે ઈપ્કોવાળા હોલ ખાતે યોજાશે. જેમાં જિલ્લાના નાના, મોટા વેપારીઓ સહિત જિલ્લા વાસીઓ હાજર રહી પોલીસ તંત્ર સાથે ખુલીને વાત કરશે.
હેલ્પ ડેસ્ક પર અરજદાર, પીડિતોને તમામ માહિતી અને માર્ગદર્શન મળશે
સવારે 11 કલાકે યોજાનાર આ લોક દરબારમાં જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહેશે. અહીંયા ખાસ હેલ્પ ડેસ્ક હશે કે , જ્યાંથી આ બાબતે અરજદાર સહિત પીડિતોને તમામ માહિતી અને માર્ગદર્શન મળી રહેશે. તો આ લોક દરબાર સહિત તમામ જગ્યાએ યોજાનાર લોક દરબારમાં સ્થાનિકો લાભ મેળવે તેવી અપીલ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે.
અરજીઓ આવી છે તેના આધારે ગુના દાખલ કરવામાં આવશેઃ એસપી
જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ આ બાબતે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે , હાલ અમૂક અરજીઓ આવી છે તે માટે ગુનો દાખલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ થયેલા ચાર પાંચ ગુનાઓમાં વોચ છે. તો જે નાણા ધિરનાર પાસે લાયસન્સ નહીં હોય અથવા તો છે તો ધારા ધોરણ કરતાં વધુ વ્યાજ લેતા હશે તો તેમના વિરુદ્ધ શિક્ષાત્મક પગલા લેવાશે અને લાયસન્સ રદ થવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આવા તમામ ગુનાઓને મની લેન્ડર્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે. અને આ કાર્યવાહીથી વ્યાજખોરીના દુષણથી આ જિલ્લાને મુક્ત કરી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.