નડિયાદમાં વરસાદી માહોલ વચ્ચે દુકાન, સ્લેબ તેમજ ગેલેરી આકસ્મિક રીતે પડી જવાની ઘટનાઓ સામાન્ય બની છે. શહેરમા જર્જરિત અવસ્થામાં રહેલા બાંધકામો દૂર કરવા પાલિકા તંત્ર નિષ્કાળજી રાખી રહ્યું છે ત્યારે છાશવારે આવા બનાવોથી નગરજનોના જીવ તાળવે ચોંટે છે. આજે નડિયાદમા નાન કુંભનાથ રોડ પર સોના કિરાણા કોમ્પલેક્ષની પહેલા અને બીજા માળની ગેલેરી ધડામ કરતા ધરાશાયી થતાં અહીંયા ભારે અફડાતફડી મચી જવા પામી છે. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહોતી. પરંતુ આવી જર્જરિત બનેલી ઇમારતોને ઉતારવા પાલિકાએ કોઈ રસ ન દાખવતા હાલ નગરજનો ભયના ઓથા તળે જીવી રહ્યા છે.
નીચે કોઈ હાજર ન હોવાથી જાનહાનિ થતા અટકી
નડિયાદમા નાના કુંભનાથ રોડ પર આવેલ અંદાજીત 40 વર્ષ જૂના સોના કિરાણા કોમ્પલેક્ષની પહેલા અને બીજા માળની ગેલેરી ધડામ કરતા ધરાશાયી થઈ હતી. સોમવારે સાંજે 5 વાગ્યાની આસપાસ આ બનાવ બનતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. એકાએક ગેલેરી ધડામ કરતા ધરાશાયી થઈ હતી. આ ગેલેરીનો કાટમાળ નીચે પડતા નીચે આવેલી દૂકાનનો છાદલી તૂટી ગઈ હતી. જોકે સમય સંજોગોના કારણે આ સમયે અહીયા કોઈ નીચે હાજર નહોતુ. નહી તો તેને ગંભીર ઈજા પહોચી હોત.
ગયા વર્ષે પણ આ કોમ્પલેક્ષની ગેલેરી ધરાશાઈ હતી
બનાવના પગલે નડિયાદ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે આ અગાઉ પણ ગયા વર્ષે આ કોમ્પલેક્ષની ગેલેરી ધરાશાઈ થતાં પાલિકાએ એક્શન મોડમાં આવી અહીયા રહેતા લોકોને નોટિસ આપી હતી. પરંતુ આમ છતાં પણ આ કોમ્પલેક્ષમા અમૂક લોકો હજુ પણ રહી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.