મહેમદાવાદ શહેરમાં અશુદ્ધ પાણીને કારણે ઝાડા ઉલ્ટીના કેસો શરૂ થયા છે. શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ઝાડા ઉલ્ટીના કેસો મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. વિભાગ દ્વારા પાંચ સોસાયટીઓમાં તપાસ કરતા એક સ્થળ પરથી પાણીની પાઈપ લાઈનમાં લીકેજ મળી આવ્યું છે. જે બાદ 8 મુદ્દાની તકેદારી રાખવા બાબતે નગરપાલિકાને લેખિત જાણકારી આપવામાં આવી છે.
શહેરના મૂદુલપાર્ક, કૈલાસપાર્ક, ઢાંકણીવાડ, દાઉદપુરા જેવા વિસ્તારમાં ઝાડા તેમજ ઝાડા-ઉલ્ટીના કેસો સામે આવ્યા છે. જે બાબતે મહેમદાવાદ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તપાસ કરતા કુલ 14 કેસ મળી આવ્યા હતા. મૂદુલપાર્ક વિસ્તારમાં એક સ્થળેથી પાઇપ લાઇનમાં લીકેજ પણ મળ્યું છે. જે બાદ 12 ટીમો દ્વારા 743 ઘરો અને 3663 ની વસ્તી નું સર્વેલન્સ કરી પીવાના પાણીના 69 આર.સી.ટેસ્ટ કરતા ફક્ત 8 આર.સી.ટેસ્ટ પોઝિટિવ (પીવા લાયક) મળી આવ્યા છે. જેમાં 61 ટેસ્ટ બીન પીવા લાયક મળ્યા છે.
પાણીનું નિયમિત કલોરિનેશન કરવા પાલિકાને જાણ કરી છે
ઝાડા ઉલ્ટીના કેસો મળ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં પીવાના પાણીના તમામ સ્ત્રોતનું નિયમીત સુપર કલોરીનેશન કરવું, શહેરના વિવિધ વિસ્તારમાં થી ગંદકી યુધ્ધના ધોરણે દૂર કરવી, ઉભરાતી ગટરો તાત્કાલિક રીપેર કરવી તેમજ હોટલ, રેસ્ટોરન્ટ, લારીઓમાં સુપર કલોરીનેશન કરવા સૂચન કરવામાં આવ્યું છે. - સંજય રાણા, ટીએચઓ, મહેમદાવાદ
પરિસ્થિતિ પર કાબુ મેળવવા પ્રયાસ ચાલુ છે
શહેરમાં જુદા જુદા વિસ્તારમાં કેસ મળી આવ્યા છે, જે બાદ બે સ્થળે થી લીકેજ મળતા તેને બંધ કરવામાં આવ્યા છે. હાલ ઝાડા, ઉલ્ટીનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું, પરંતુ પાણીમાં ક્લોરીનેસન પણ વધારાયું છે, અને સ્થિને કાબુમાં લેવા તમામ પ્રકારના પ્રયાસો ચાલુ છે. - પાર્થ ગોસ્વામી, ચીફ ઓફિસર, મહેમદાવાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.