ભક્તોના પ્રવાહથી છલકાયો ભક્તિ માર્ગ:ડાકોરના ઠાકોરને મળવા ભક્તો હરખાયા, ધોળી ધજા સાથે દુર દુરથી ચાલીને આવતાં પદયાત્રીકો ડાકોર તરફ આગે કૂચ

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાના ડાકોર તરફના માર્ગો 'જય રણછોડ માખણચોર'ના નાદ સાથે ગૂંજી ઉઠ્યા છે. મહેમદાવાદ પંથકમાંથી એટલે કે અમદાવાદ તરફથી આવતાં પદયાત્રીઓ આગળ મંઝિલ તરફ જઈ રહ્યા છે. ભક્તોના પ્રવાહથી ભક્તિ માર્ગ છલકાયો છે. કોઈ મિત્રના ખભે તો કોઈ ઊટ લારીમાં બેસી ડાકોર પગપાળા જતા જોવા મળી રહ્યા છે. સેવાભાવી સંસ્થાઓ તથા સ્વેચ્છિક લોકો પદયાત્રીઓની સેવામાં વ્યસ્ત બન્યા છે.

'ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે'ના ગગનભેદી નાદ
ફાગણી પૂનમના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ડાકોરના ઠાકોરને મળવા ભક્તો હરખાયા છે. 'ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે'ના ગગનભેદી નાદ સાથે ભક્તો ધોળી‌ ધજા સાથે ડાકોર પગપાળા આવી રહ્યા છે. ભક્તોનો પ્રવાહ ગતરોજ અગીયારસથી શરુ થઇ ચૂ્યો છે. ગતરોજ આમલકી અગીયારસે ડાકોરમાં ભક્તજન સાથે ભગવાને હોળી ખેલી છે. આ પર્વ ટાંણે સમી સાંજે નીકળેલી શોભાયાત્રામાં ગુલાલના છોળો ઉડાડતા ભક્તો નજરે પડ્યા હતા.

સેવકો સેવા કરી પૂર્ણ્યનુ ભાથું મેળવી રહ્યા છે
બીજી તરફ દુર દુરથી ભક્તો ડાકોરના દ્વારે પગપાળા આવવા રવાના થયા છે. ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ થઈ ગયો છે. જિલ્લાના મહેમદાવાદ પંથકમાંથી ભક્તો ડાકોર તરફ આગળ જઈ રહ્યા છે. ખાસ અમદાવાદ સહિત સૌરાષ્ટ્રમાંથી પદયાત્રીઓ ડાકોર તરફ ફાગણી પૂનમ ભરવા જઈ રહ્યાં છે. ધમધોખતા તાપમાં પણ શ્રધ્ધા સાથે પદયાત્રીઓ આગળ ડાકોર તરફ ધપી રહ્યા છે. મહત્વનું છે કે, આ પદયાત્રીઓની સેવામાં 24 કલાક ખડેપગે સેવકો સેવા કરી પૂર્ણ્યનુ ભાથું મેળવી રહ્યા છે.

મહેમદાવાદ પંથકમાં દર 500 મીટરના અંતરે સેવાઓના કેમ્પો લાગ્યા
ડાકોરના ઠાકોરના દર્શનાર્થે આવતા પગપાળા જતાં ભક્તોનો અનેરો ઉત્સાહ, ઉમંગ જોવા મળે છે. મહેમદાવાદ પંથકમાં દર 500 મીટરના અંતરે સેવાઓના કેમ્પો લાગ્યા છે જેનો લાભ પદયાત્રીકો મેળવી રહ્યા છે. આ સાથે કોઈ મિત્રના ખભે તો કોઈ ઊટ લારીમાં બેસી તો કોઈ ખુલ્લા પગે ડાકોર પગપાળા જતા જોવા મળ્યા છે. વૃદ્ધ લોકો પ્રથમ વાર ઉટલારીમાં ભજન કિર્તન સાથે ડાકોર જતાં જોવા મળ્યા હતા.

પદયાત્રીઓની સેવામાં સેવકો 24 કલાક ખડેપગે હાજર રહે છે : કમુબેન
અમદાવાદથી આવતા કમુબેને જણાવ્યું કે, હું છેલ્લા 20 વર્ષથી ડાકોર ચાલતા જાવ છું. અમે અને અમારા સાથીઓ જ્યારે ખેડા જિલ્લામાં પ્રવેશે છે ત્યારે મહેમદાવાદથી ડાકોર આશરે 50 કીમી અંતર કાપવું સહેલું છે. કારણ કે અહીયા ઠેરઠેર પદયાત્રીઓની સેવામાં સેવકો 24 કલાક ખડેપગે હાજર રહે છે. અમે ફાગણી પૂનમ ભરવા દર વર્ષે આવીએ છીએ અને રાજા રણછોડજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરીએ છે.

અન્ય સમાચારો પણ છે...