ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં રાજ્યના ખુણે ખુણેથી પદયાત્રીઓ ઉમટ્યા છે. ત્યારે તંત્રનુ સતત મોનિટરીંગ વચ્ચે કેટલીક ખામીઓ જોવા મળી છે જેના કારણે યાત્રાળુઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને જાહેર માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ તો જાહેર માર્ગો પર શૌચાલયનો પ્રશ્ન જોવા મળી રહ્યો છે. શૌચાલય તો છે પણ ખુબજ ઓછી માત્રામાં અને મોબાઈલ ટોઈલેટનો પણ ઉપયોગ ઓછી માત્રામાં કરાતાં શ્રધ્ધાળુઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને મહિલાઓને સ્થિતિ કફોડી બની છે.
પદયાત્રીઓના માર્ગ પર રખડતી ગાયોનો ત્રાસ
યાત્રાધામ ડાકોરમાં અસંખ્ય પદયાત્રીઓ ડાકોર ઠાકોરનાદર્શન કરવા ઉમટ્યા છે. પદયાત્રીકોએ ડાકોરમાં ધામા નાખ્યા છે. ત્યારે પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર તથા મંદિર પ્રસાશને પોતાની તૈયારીઓ આટોપી લીધી હતી અને ભક્તોની સેવામાં લાગી ચૂક્યા છે. આમ છતાં પણ ડાકોર નગરમાં જિલ્લા વહીવટી તંત્ર તથા પાલિકા દ્વારા થયેલી કામગીરી માત્ર કાગળ પર હોય તેવા ચિતાર જોવા મળી રહ્યો છે. ઠેકઠેકાણે રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પદયાત્રીઓ જ્યાંથી આવવાના છે તે માર્ગ પર રખડતી ગાયોનો ત્રાસ છે. કોઈ પદયાત્રીને ગાય શીગડે ભેરવશે તો જવાબદાર કોણ રહેશે તેવા સવાલો ઉભા થયા છે.
કેટલાક પે એન્ડ યુઝ શૌચાલયને ખંભાતી તાળા લાગ્યા છે
બીજી બાજુ ખાસ શૌચાલયનો પ્રશ્ન સતાવી રહ્યો છે. તંત્ર દ્વારા ડાકોર નગરમા ચાલુ રહેલા પે એન્ડ યુઝ શૌચાલયની સંખ્યા ખુબજ ઓછી છે. તેમાંથી કેટલાક પે એન્ડ યુઝ શૌચાલયને ખંભાતી તાળા લાગ્યા છે. આવી સ્થિતિ વચ્ચે મોબાઈલ ટોઇલેટનો પણ ઓછો ઉપયોગ થતાં શ્રધ્ધાળુઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને મહિલાઓને ખુબજ હેરાનગતિ થતી હોવાનુ શ્રધ્ધાળુઓ રોષ પૂર્વક જણાવી રહ્યા છે.
પાલીકા દ્વારા 3 ટાઈમ પાણી આપવામાં આવી રહ્યું છે: ચીફ ઓફિસર
ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલે જણાવ્યું હતું કે, પગપાળા યાત્રાળુઓ હાલ આવી રહ્યા છે. ત્યારે 2-ટોઈલેટ, 1 મોબાઈલ ટોઇલેટ તથા પદયાત્રા માર્ગ પર આવતાં પે એન્ડ યુઝ શૌચાલય શરુ છે. વધુ મોબાઈલ ટોઇલેટનો ઉપયોગ કરવા જરૂર જણાશે તો એ પણ કરાશે. ખાસ પીવાના પાણીની સુવિધા ટેન્કર મારફતે ઉપલબ્ધ કરાઈ છે. આ ઉપરાંત પાલીકા દ્વારા 3 ટાઈમ પાણી આપવામાં આવી રહ્યું છે.
એસટી વિભાગનું કેવુ આયોજન
ડાકોરના ફાગણી પૂનમમા એસટી વિભાગે કમર કસી છે. વિભાગીય નિયામક એમ.બી. રાવલે જણાવ્યું હતું કે, બારસથી પૂનમ સુધી 435 બસોની વ્યવસ્થા કરાઈ છે. હાલ જે હંગામી બસ સ્ટોપ ઊભુ કરાયું છે. ત્યાંથી એકી સાથે 6 બસો એકી સાથે ઉપડી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. અહીંયાથી અમદાવાદ તરફ જવા બસ મળશે. જ્યારે નડિયાદ, વડોદરા જવા માટે નવા સ્ટેન્ડ ખાતેથી બસો દોડાવવામાં આવી રહી છે. હંગામી બસ સ્ટેન્ડ તથા કાયમી બસ સ્ટેન્ડમા તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરાઈ છે જેથી યાત્રાળુઓને ક્યાં પણ તકલીફ ન પડે તેમ જણાવ્યું છે.
ઈમરજન્સી સેવાઓ સ્ટેન્ડ ટુ
ડાકોરમાં લાખોની સંખ્યામાં પદયાત્રીકો આવવાના હોવાથી ઈમરજન્સી સેવાઓ સ્ટેન્ડ ટુ કરી દેવાઈ છે. એમ્બ્યુલન્સ, ફાયર, NDRFની ટીમ સહિત આપતકાલીન સેવાઓને ચોક્કસ પોઈન્ટ પર હાજર કરી દેવાઈ છે.
ભક્તો શુ કહી રહ્યા છે
અમદાવાદના શીલજ ખાતેથી છેલ્લા 35 વર્ષથી આવતા સંઘના મોભીએ જણાવ્યું હતું કે, આ સંઘ અમારા વડીલોએ શરુ કર્યો હતો જે પરંપરા અમે જાળવી છે. અમે 3 દિવસ અગાઉ 52 ગજની ધજા સાથે રાજાધિરાજના દરબારમાં આવવા પ્રયાણ કર્યું હતું. અને આજે પહોંચી દર્શન કરી ભાવવિભોર બન્યા છે.
પૂનમ ભરવા આવેલા યુવાન તળાવમાં ડૂબતા મોત
અમદાવાદના વાસણા ખાતે રહેતો 22 વર્ષિય યુવાન ગતરોજ સમીસાંજે મિત્રો સાથે ડાકોર ફાગણી પૂનમ ભરવા પહોચ્યો હતો. જ્યાં મિત્રો સાથે ગોમતી તળાવમાં ન્હાવા પડેલો યુવાન ડુબી જતાં મોત થયું છે. મોડી સાંજે NDRFની ટીમે આ યુવાનને તળાવના પાણીમાંથી બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં આ યુવાનનુ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.