મહેમદાવાદ તાલુકાના રાસ્કા નજીક સરકારી પોલીટેકનીક કોલેજ આવેલી છે. આ કોલેજમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને એસટી તંત્રએ રાસ્કા ચેકપોસ્ટ (રાસ્કા પોલીસ ચોકી) પર સ્ટોપ ન આપ્યું હોવાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ બાબતે કોલેજના આચાર્યએ પણ નડિયાદ એસટી વિભાગીય કચેરીમાં લેખિતમાં અરજી કરી આ સ્થળે સ્ટોપેજ આપવાની માંગ કરી છે.
મશીનની અંદર સ્ટોપેજ બતાવતું નથી: બસના કંડકટર
મહેમદાવાદ તાલુકાના રાસકા નજીક સરકારી પોલીટેક્નિક કોલેજ આવેલી છે. આ કોલેજમાં અભ્યાસ કરવા માટે અમદાવાદ, નડિયાદ, મહેમદાવાદ, કપડવંજ, મહુધા, ખેડા વગેરે સ્થળેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવે છે. પરંતુ આ વિદ્યાર્થીઓ છેલ્લા એક વર્ષથી મુશ્કેલીમાં મુકાયા છે કેમકે રાસ્કા ચેકપોસ્ટ આગળ એસટીનો સ્ટોપ આપવામાં આવેલ નથી. જેથી આ સ્થળે એસટી બસ ઉભી રહેતી નથી. વિદ્યાર્થીઓ કહે છે કે, આ સ્થળે સ્ટોપજ આપેલ છે પરંતુ એસટીના ડ્રાઇવર કંડકરો બસ ઉભી રાખતા નથી તો ઘણા ડ્રાઇવર કંડકરો કહે છે કે અમને આ સ્થળે બસ ઉભી રાખવા માટે ઉપરથી આદેશ નથી એટલે કે અમારા મશીનની અંદર સ્ટોપેજ બતાવતું નથી. તેથી અમે આ સ્થળે એસટી બસો ઉભી રાખતા નથી. વિદ્યાર્થીઓ અને કંડકરો વચ્ચે કાયમ માથાકૂટ થઈ રહી છે.
કોલેજના આચાર્યએ એસટી વિભાગમાં રજૂઆત કરી
વિદ્યાર્થીઓની રજૂઆતો તંત્રએ ન સાંભળતા આખરે કોલેજના આચાર્ય લેખિતમાં રજૂઆત કરવી પડી હતી. આ બાબતને લઈને કોલેજના આચાર્યએ નડિયાદ એસટી વિભાગીય કચોરીમાં લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, મહેમદાવાદ-અમદાવાદ રૂટ પર આવતી-જતી GSRTC ની બસોને રાસ્કા ચેકપોસ્ટ (રાસ્કા પોલીસ ચોકી) પર સ્ટોપ ફાળવેલ હોવા છતા ઉભી રહેતી નથી. આ બાબતે વિદ્યાર્થીઓએ S.T.કચેરીઓ ખાતે રજૂઆત પણ કરી છે. તેમ છતા બસો ઉભી રહેતી ન હોવાથી આ બાબતે વિદ્યાર્થીઓની મુશ્કેલીને ધ્યાને લઈ રાસ્કા ચેકપોસ્ટ (રાસ્કા પોલીસ ચોકી) પર બસો ઉભી રહે તે અંગે એસટી વિભાગ દ્વારા યોગ્ય ઘટતુ કરવા માગ કરી છે.
શું કહે છે વિદ્યાર્થીઓ?
સરકારી પોલિટેકનિકના વિદ્યાર્થીઓ અત્યંત ગરીબ અને જરૂરીયાતમંદ હોઈ ખાનગી વાહનોનો વિકલ્પ તેમને પરવડે તેમ ન હોય વહેલી તકે આ સ્થળે સ્ટોપેજ આપવા માંગ કરી છે. વિદ્યાર્થીઓ કહે છે કે, અમારે એસટી બસો ઉભી રહેતી ના હોય બે અઢી કિલોમીટર સુધી ચાલીને કોલેજ જવું પડે છે જેના કારણે સમય બગડે છે અને અમે નિયમિત કોલેજમાં જઈ શકતા નથી એસટીનો પાસ કરાવ્યો હોવા છતાં આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.