કોંગી કાર્યકરોની અટકાયત:નડિયાદમાં કોંગ્રેસે દુકાનો બંધ કરાવી, પોલીસે જઇને ફરી દુકાનો ખોલાવી દીધી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોઘવારી અને ગુજરાતમા ડ્રગ્સના મામલે આ બંધનુ એલાન શહેર કોંગ્રેસ દ્વારા અપાયું હતું. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં શહેર કોંગ્રેસ દ્વારા નગરજનોને સવારે 4 કલાક વેપાર ધંધા બંધ રાખવા અપીલ કરાઇ હતી. જોકે, શહેર કોંગ્રેસના લોકો આજે બંધ કરાવવા નીકળ્યા તો ટાઉન પોલીસે વેપારીઓને દુકાન ખોલાવી નાખી હતી અને બંધ કરવા નીકળેલા કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ કરી હતી.

વેપાર ધંધા બંધ રાખવા અપીલ કરાઈ
ખેડા જિલ્લામાં કોંગ્રેસ પક્ષ સતત છેલ્લા કેટલાય સમયથી અસહ્ય મોંઘવારી બેરોજગારી અને પ્રજા વિરોધી નીતિઓ સામે આંદોલન ચલાવી રહ્યો છે. મોંઘવારી સામેની આ લડાઈ આગળ વધારવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા દેશભરમાં તમામ મુખ્ય બજારો તેમજ અન્ય જાહેર સ્થળોએ મોંઘવારી પર હલ્લાબોલ કાર્યક્રમનું આયોજન કરેલું છે. જેના અનુસંધાનમાં નડિયાદમાં પણ તારીખ 10 સપ્ટેમ્બરના રોજ સવારે 8થી બપોરના 12 કલાક સુધી એટલે કે ચાર કલાક બજાર બંધનુ એલાન આપવામાં આવ્યું હતું.

કાર્યકરોએ ગાંધીગીરી કરીને લોકોને વિનંતી કરી
આજે સવારે આ બંધના એલાનનો ફિયાસ્કો થયો‌ હતો. શહેરના સંતરામ રોડ સહિતના વિસ્તારોના બજારો ખુલ્લા રહ્યા હતા. આથી સવારે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસી કાર્યકરો બે હાથ જોડી ગાંધીગીરી કરીને લોકોને વિનંતી કરી હતી. જોકે એટલામા પોલીસ આવી જતાં પોલીસે તમામ બંધ કરાવેલી દુકાનો ખુલ્લી કરવી દીધી હતી. જેથી શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગી કાર્યકરોએ "ભાજપ હમસે ડરતી હૈ, પોલીસ કો આગે કરતી હૈ" ના સૂત્રોચ્ચાર કર્યા હતા. અને બાદમા પોલીસે કોગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી.

પોલીસે બંધ કરાવેલી દુકાનો ખોલાવી
નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે જણાવ્યું છે કે, અમે બે દિવસ પહેલા શહેરના નગરજોને આ મામલે બંધ રાખવા અપીલ કરી હતી. જેનો આજે અમને સારો પ્રતિસાદ મળ્યો છે, પરંતુ અમે જ્યારે બંધ કરાવતા હતા ત્યારે ભાજપ સરકારના ઇશારે ચાલી રહેલી પોલીસે અમારી કામગીરીમાં વિક્ષેપ ઊભો કરી જે દુકાનો બંધ કરાવી હતી તેને ખોલાવી દેવડાવામાં આવી હતી આમ છતાં પણ અમને સાથ સહકાર મળ્યો છે જેથી અમે નગરજનોના આભારી છે.

અન્ય સમાચારો પણ છે...