વર્ષોની સમસ્યાનો નિકાલ ક્યારે?:નડિયાદના નવા ગાજીપુર વાડમાં વરસાદ બાદ સ્થિતિ ભયજનક, ઘરમાં પાણી ઘૂસતા સ્થાનિકોએ અડધી રાત્રે ઘરસામાન લઈને બહાર નીકળવું પડ્યું

નડિયાદ3 મહિનો પહેલા
  • છેલ્લા 35 વર્ષોથી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાં
  • ગતરાત્રે પાણી ઘરમાં ઘૂસી જતાં એક વૃદ્ધાનું મોત નિપજ્યું
  • ઘરવખરીને નુકસાન થતા માંડ માંડ બે છેડા ભેગા કરી જીવન નિર્વાહ કરતા લોકોની હાલત કફોડી

ખેડા જિલ્લામાં ગત રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું છે. નડિયાદમાં સતત ત્રણ કલાક વરસેલા વરસાદના કારણે ભારે હાલાકી ઊભી થઈ છે. શહેરના વોર્ડ નંબર 6માં આવેલા નવા ગાજીપુર વાડમાં સ્થિતિ એટલી હદે વધતા અહીંયા વરસાદી પાણી લોકોના ઘરોમાં આવી પહોંચ્યા હતા. જેના કારણે સ્થાનિકોએ અડધી રાત્રે ઘરસામાન વકરી લઈને વરસતા વરસાદમાં બહાર નીકળવું પડ્યું હતું.

દર વર્ષે નજીવા વરસાદે ઘરોમાં પાણી ફરી વળે છે
છેલ્લા લગભગ 35 જેટલા વર્ષોથી નડિયાદમાં આવેલા નવા ગાજીપુર વાડમાં વરસાદી પાણીનો પ્રશ્ન સ્થાનિકોને સતાવી રહ્યો છે. અહીંયા લગભગ 100થી વધુ પરિવારના લોકો વસવાટ કરી રહ્યા છે. દર વર્ષે નજીવા વરસાદે ઘરોમાં પાણી ફરી વળે છે. જે સામાન્ય બાબત બની છે. પરંતુ મોટા પ્રમાણમાં ઘરવખરીને નુકસાન થતા માંડ માંડ બે છેડા ભેગા કરી જીવન નિર્વાહ કરતા લોકોની હાલત કફોડી બની છે.

અવારનવાર રજૂઆત છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી: સ્થાનિક
મહત્વનું છે કે, નજીકમાં મૂળેશ્વર તળાવ છે જે અવારનવાર વરસાદી સિઝનમાં ઓવરફ્લો થતાં નજીકમાં વસવાટ કરતા આ વિસ્તારને પ્રભાવિત કરે છે. સ્થાનિક મહંમદસફી જણાવે છે કે, ગત રાત્રે ખાબકેલા મુશળધાર વરસાદના કારણે અમારે અડધી રાત્રે ઘરવખરી લઈને વરસતા વરસાદમાં બહાર નીકળવું પડ્યું હતું. છેલ્લા લગભગ 35 વર્ષથી આ જ સ્થિતિ અમે જોઈ રહ્યા છીએ અમે જ્યારે નાના હતા ત્યારથી આવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે અવારનવાર પાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ગતરાત્રે અહીયા પાણી ઘરમાં ઘૂસી જતાં એક વૃદ્ધાનું મોત નિપજ્યું છે.

વરસાદી પાણીની લાઈન નાખવાની કામગીરી ચાલું: ચીફ ઓફિસર
આ સમગ્ર મામલે ચીફ ઓફિસર રૂદ્રેશભાઈનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ સમસ્યા લગભગ 40 વર્ષ જૂની છે અત્યાર સુધીમાં 80 જેટલા પરિવારનો સ્થળાંતરણ કરી દેવામાં આવ્યું છે અને આ પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. વરસાદી પાણી ભરાવાના સ્થિતિ જોઈએ તો નડિયાદમા જેટલા પણ તળાવો છે તે એકબીજા સાથે કનેક્ટેડ છે જેથી તળાવમાં પાણીનું લેવલ ઓછું થશે એટલે આપોઆપ આ તળાવનું પાણીનું લેવલ ઘટશે અને અહીંયા પાણી ઉતરી જશે. હાલ નવી વરસાદી પાણીની લાઈન નાખવાની કામગીરી ચાલુ છે. આ કામગીરી પૂર્ણ થવાથી સ્થાનિકોનો જે વર્ષોનો પ્રશ્ન છે તે શોલ થઈ જશે તેવી હૈયાધારણા આપી છે.

ઘરોની અંદર પાણી ઘૂસતાં ઘરવખરીને નુકસાન
ઘરોની અંદર પાણી ઘૂસતાં ઘરવખરીને નુકસાન
અન્ય સમાચારો પણ છે...