વડતાલ સંસ્થા દ્વારા ભગવાન સ્વામિનારાયણના વચનામૃત અને તેલુગુ ભાષામાં અનુવાદનું કામ શરૂ કરાયું હતું. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ દ્વારા સાહિત્ય સેવાનું કામ હાથ ધરાયું છે. ડૉ. બળવંતભાઈ જાની અને હરેન્દ્રભાઈ ભટ્ટ સાથે ડૉ. સંત સ્વામી દ્વારા આ કાર્ય આગળ ધપાવાયું હતું. આ યોજના હેઠળ વચનામૃતનું વિવિધ ભાષામાં અનુવાદનું કામ શરૂ કરાયું છે, જે પૈકી કન્નડ ભાષામાં અનુવાદ પૂર્ણ થવા જઈ રહ્યો છે અને તેલુગુ ભાષામાં અનુવાદનું કામ શરૂ થઈ રહ્યું છે.
આ દરમિયાન રવિવારે આંધ્રપ્રદેશની સેન્ટ્રલ યુનિવર્સિટીના પહેલા ઉપકુલપતિ અને વચનામૃતનું દક્ષિણની ભાષામાં અનુવાદનું કામ કરતા ડૉ. તેજસ્વી કટટીમે અનુવાદના પ્રારંભે ઓનલાઇન સેમિનારનું આયોજન કર્યું હતું. તેમાં વડતાલ ધામના પ્રતિનિધિઓ તેમજ કન્નડ અને તેલુગુ અનુવાદકોએ ભાગ લીધો હતો. આ સેમિનારમાં વચનામૃતના કન્નડ અનુવાદકો ડૉ. બસવરાજ ડોનુંર, ડૉ. ગણેશ પવાર, ડૉ. શ્રીધર ગડે, ડૉ. સંજીવ અયપ્પા, ડૉ. શંભુ મેસવાણી અને તેલુગુ અનુવાદકો પેરૂમલ્લ, પ્રોફેસર અન્નપૂર્ણા, પ્રોફેસર સરોજિની, પ્રોફેસર કામેશ્વરીએ ભાગ લીધો હતો.
વડતાલધામના મુખ્ય કોઠારી ડૉ. સંતવલ્લભદાસ સ્વામીએ આ પ્રવૃત્તિ બિરદાવી ડૉ. કટટીમ સાહેબને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત તમામ અનુવાદકોને જરૂરી સુવિધા આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. વડતાલ ધામના હરેન્દ્ર ભટ્ટે સેમિનાર અંગે સૌનો આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.