પરિણીતા પર ત્રાસ:ગળતેશ્વરના થર્મલમાં પત્ની પર પતિએ શારીરિક માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુકતા ફરિયાદ નોંધાઈ

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેવાલિયા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
  • પતિ તેની પત્નીને અપશબ્દો બોલી ઝઘડો કરી ગડદાપાટુનો માર મારતો હતો

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના થર્મલમાં રહેતી પરિણીત શિક્ષિકા પર તેનો પતિ શારીરિક માનસિક ત્રાસ ગુજારતો હતો. જેથી પરિણીતાએ સેવાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. શિક્ષિકાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેનો પતિ અપશબ્દો બોલી તેણીને ઘરમાંથી કાઢી મૂકી છે.

ગળતેશ્વર તાલુકાના થર્મલ ગામે રહેતી અને વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં પ્રાથમિક શાળાની અંદર શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પરિણીતાનું ઘર સંસાર ડામાડોળ થયું છે. આ 42 વર્ષિય મહિલાના લગ્ન જ્ઞાતિના રીત રિવાજ મુજબ વર્ષ 2003માં થયા હતા. શરૂઆતના સમયમાં તેણે પોતાના પિયરથી અપડાઉન કરતી હતી અને પછી વર્ષ 2007થી ટીંબાના મુવાડાથી ઉપરોક્ત નોકરીના સ્થળે અપડાઉન કરે છે. તેને સંતાનમાં બે દિકરીઓ છે.

વર્ષ 2015થી તેણીનો પતિ તેણીને સારી રીતે રાખતા ન હોવાનું તથા અવારનવાર કામકાજ બાબતે સામાજિક બાબતોએ તેની સાથે ઝઘડો કરતો હોવાનું જણાવ્યું છે. પીડિતાએ પોતાની બે દીકરીઓના ભાવિને લઇને પતિનો તમામ ત્રાસ મૂંગા મોઢે સહન કરતી હતી. પરંતુ પીડિતાના પતિ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી મારઝૂડ કરતા પીડિતાએ આ મામલે ડેસર કોર્ટમાં દીકરીઓના ખાધાખોરાકી માટે અરજી આપેલી હતી. આ પછી સમાજના અગ્રણીઓ દ્વારા સમાધાન થતાં આ અરજી જે તે સમયે પાછી પણ ખેંચી લેવામાં આવી હતી. સમાધાન પછી પતિએ થોડો સમય તેની સાથે સારી રીતે રાખ્યું હતું અને ફરીથી ઝઘડો કરી માનસિક શારીરિક ત્રાસ આપવાનું પતિએ ચાલુ કર્યું હતું.

આ ઉપરાંત પતિને કોઈ અન્ય સ્ત્રી સાથે સબંધ હોવા બાબતે પીડીતાએ ઠપકો આપતા પતિએ પોતાની પત્ની સાથે ઝઘડો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી પરિણીતાએ મહિલા આયોગમાં અરજી આપી હતી જે બાદ સેવાલિયા પોલીસે આ અરજીના અનુસંધાને પીડિતાને પોલીસ સ્ટેશન બોલાવી હતી પરંતુ જે તે સમયે સમાજના અગ્રણીઓ દ્વારા આ મામલાનો નિકાલ કરવાનો હોવાથી આ સમયે ફરિયાદ આપી નહોતી. આ સંદર્ભે આજે પીડિતાએ પોતાના પતિ ઇશ્વરભાઇ રાવજીભાઈ વાઘેલા (રહે. થર્મલ, તા.ગળતેશ્વર) સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ આઈપીસી 498(A), 323, 504, 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...