પરિણીતા ઉપર દમન અત્યાચારના બનાવોમા સતત વધારો થઈ રહ્યો છે. મહેમદાવાદની ઘોડાસરની પરણીતાને તેના સાસરિયાના લોકોએ ધક્કામુક્કી કરી ઘરની બહાર કાઢી મુકતા પીડીતાએ ન્યાય મેળવવા પોલીસનો સહારો લીધો છે. પીડિતાએ પોતાના પતિ, સાસુ ,જેઠ અને જેઠાણી વિરુદ્ધ આ મામલે મહેમદાવાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય લઘુમતિ સમાજની યુવતીના લગ્ન વર્ષ 2013માં મહેમદાવાદ તાલુકાના ઘોડાસરના રહેમતનગર વિસ્તારમાં રહેતા યુવક સાથે મુસ્લિમ રીતરીવાજ મુજબ થયા હતા. શરૂઆતમાં આ દંપતીનો ઘરસંસાર સારો ચાલતો હતો અને સમય જતાં પીડિતાએ બે સંતાનોને જન્મ આપ્યા હતા. આ બાદ ઘરમાં ઘરના કામકાજની બાબતોમાં સાસુ અને પીડિતા વચ્ચે નાની તકરાર થતી હતી.
જમવાનું બનાવવા બાબતે અને ઘરનાં કામકાજ બાબતે સાસુ અવારનવાર પીડિતાને મહેણાં ટોણાં મારી ગમે તેમ બોલી ઝઘડો કરતા હતા. જેના કારણે પીડિતા અલગ રહેવા પણ ગઈ હતી પરંતુ તે પોતાની સાસરીમાં આવતા તેણીના સાસુ તથા જેઠ-જેઠાણી તું અહીંયા કેમ આવી છે તને રાખવાની નથી તેમ કહી તેણીની સાથે ધક્કા મુક્કી કરી તેણીને ઘરની બહાર કાઢી મુકી હતી. ઉપરાંત તેના પતિએ પણ તેની માતાનો સાથ આપી પીડિતાને એકલી પાડી દીધી હતી.
જેના પછી પરિણીતાએ ન્યાય મેળવવા પોલીસનો સહારો લીધો છે. પીડિતાએ પોતાના પતિ મહંમદખાન કેસરખાન પઠાણ, સાસુ જુલેખાબીબી કેસરખાન પઠાણ, જેઠ જુમ્માખાન ઉર્ફે ભુરાભાઈ કેસરખાન પઠાણ અને જેઠાણી સુલતાનબીબી જુમ્માખાન ઉર્ફે ભુરાભાઈ પઠાણ (તમામ રહે. રહેમતનગર, ઘોડાસર, તાલુકો મહેમદાવાદ, જિલ્લો ખેડા) સામે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 498(A), 323, 504, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.