ખેડા જિલ્લામાં કપડવંજ પંથકમાં બહુ ચકચારી બનેલા સામૂહિક આપઘાત પ્રકરણમાં અંતે પોલીસે દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે. કપડવંજના મોટા રામપુરામા ઝાલા પરિવારે થોડા દિવસ અગાઉ સામૂહિક આપઘાત કર્યો હતો. જેમાં પતિનો બચાવ થયો હતો. પરંતુ તે પણ ભેદી રીતે ગુમ તો તેમની પત્ની અને બે સંતાનોના મૃતદેહો મળ્યા હતા. આ સમગ્ર મામલે કપડવંજ ટાઉન પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે. મૃતક પરિણીતાના સાસુ, માસી સાસુ અને દિયર સામે આઈપીસી 306, 114 મુજબ ગુનો દાખલ થયો છે. આપઘાત પાછળના કારણમા મોટાભાઈએ નાનાભાઈને ટ્રેક્ટર લાવવા આપેલા નાણાં અને સોના ચાંદીના દાગીના આપેલા તે પરત ન આપતાં થયેલી રામાયણમાં સામૂહિક આપઘાત કર્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. મહત્વનું છે કે આ સામૂહિક આપઘાત કેસમાં રૂપિયાની લેવડ દેવડે બે માસૂમની જીંદગી પર પૂર્ણ વિરામ મૂક્યો છે.
10 વર્ષના બાળક કૃણાલનો મૃતદેહ અમદાવાદ ગ્રામ્યની હદમાં કેનાલના પાણીમાંથી મળી આવ્યો
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના મોટા રામપુરા ગામે રહેતા મહેન્દ્રસિહ ગોરધનસિંહ ઝાલા અને તેમની પત્ની આશાબેન મહેન્દ્રસિંહ ઝાલા તથા તેમના બે સંતાનો મયંક (ઉ.વ.3) તેમજ કૃણાલ (ઉ.વ.10)નાઓ સાથે ગત 29મી ડીસેમ્બરના રોજ કઠલાલ નજીક લાડવેલ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ બનાવમાં મહેન્દ્રસિંહ ગોરધનસિંહ ઝાલા નો સ્થાનિકોએ બચાવ કર્યો હતો. જ્યારે તેમની પત્ની અને બે સંતાનોને બચાવવા સ્થાનિકો અસમર્થ રહ્યા હતા. ઘટના બાદ થોડા થોડા દિવસોના અંતરે આ ત્રણેયના મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં પત્ની અને 6 વર્ષના મયંકનો મૃતદેહ અપ્રુજી ગામની સીમમાંથી કેનાલના પાણીમાં તો 10 વર્ષના બાળક કૃણાલનો મૃતદેહ અમદાવાદ ગ્રામ્યની હદમાં કેનાલના પાણીમાંથી મળી આવ્યા હતા. જોકે ઘટનાના એક સપ્તાહ જેટલો સમય વીત્યો છે આમ છતાં પણ બચી જનાર મહેન્દ્રસિંહ ઝાલા હજુ હાજર થયા નથી અને ભેદી રીતે ગુમ છે.
હાથ ઉછીના આપેલા રૂપિયા 18 હજાર રોકડા તથા સોનાનું લોકેટ અને કડલા મામલે રામાયણમાં 3 જીંદગી હોમાય
આ સમગ્ર મામલે અગાઉ પહેલી જાન્યુઆરીના રોજ આ દંપતિ સામે હત્યાનો ગુનો કઠલાલ પોલીસમા નોંધાયો હતો. જ્યારે આજે વધુ એક દુષ્પ્રેરણાની ફરિયાદ કપડવંજ ટાઉન પોલીસમાં નોંધાઈ છે. મરણજનાર મહિલાના પિતા ઉદાભાઈ ચતુરભાઈ બારૈયાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,આપઘાત પ્રકરણમાં બચી જનાર મહેશભાઈ ઉર્ફે મહેન્દ્રભાઈ મારા જમાઈએ અગાઉ તેમના ભાઈ સુરેશભાઈ નટવરભાઈ ઝાલાને ટ્રેક્ટર લાવવા માટે રૂપિયા 18 હજાર રોકડા તથા સોનાનું લોકેટ અને કડલા હાથ ઉછીના આપ્યા હતા.
પરિણીતાના સાસુ, માસી સાસુ અને દિયર સામે ફરિયાદ
સમય જતા આ હાથ ઉછીનો વ્યવહાર માટે મહેશભાઈ ઉર્ફે મહેન્દ્રભાઈ તેઓના ભાઈને ઉઘરાણી કરતા હતા. પરંતુ સુરેશભાઈ નટવરભાઈ ઝાલા તેમજ પરણીતાના સાસુ તથા માસી સાસુ આ બાબતે અવારનવાર ઝઘડો કરતા હતા. જેના કારણે ત્રાસ એટલી હદે વધી જતાં મહેશભાઈ ઉર્ફે મહેન્દ્રભાઈ તથા તેમની પત્ની આશાબેને પોતાના બે સંતાનો સાથે આવુ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું ઘટસ્ફોટ થયો છે. આ સમગ્ર મામલે ઉદાભાઈ બારૈયાએ પરણીતાના દિયર સુરેશભાઈ નટવરભાઈ ઝાલા, સાસુ નંદાબેન ગોરધનભાઈ ઝાલા અને માસી સાસુ શાબાબેન નટવરભાઈ ઝાલા (તમામ રહે.મોટારામપુરા, તા.કપડવંજ) સામે ફરિયાદ નોંધાવી છે.
મારો શો વાંક: માસુમ બાળકો
આ ઘટનામાં એક 10 વર્ષના અને એક ત્રણ વર્ષના અણસમજુ દીકરાએ જીવ ગુમાવ્યો છે. રૂપિયાની લેવડ દેવડે આ બે માસૂમની જીંદગી પર પૂર્ણ વિરામ મૂક્યો છે. જેના કારણે ઝાલા પરિવાર પણ બેબાકડો બન્યો છે. આવા આત્મઘાતી પગલાથી બચી ગયેલ પિતા હવે કઈ રીતે જીવન ગાળી શકશે જેના કારણે પિતા પણ ભેદી રીતે ગુમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.