યાત્રાધામ ડાકોરના ગોમતી તળાવમાં પરવાનગી વિના ચાલતા બોટીંગ બાબતે 3 સંચાલકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ છે. આ બોટીગ બાબતે પાલિકાએ 3 વાર નોટિસ આપી છતાં નોટિસની અવગણના કરી બોટીંગ ચાલુ રાખતા પાલિકા ચીફ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે. યાત્રાધામ ડાકોરમાં છેલ્લા કેટલાક સમયથી ગોમતી તળાવમાં પરવાનગી વગર બોટિંગ વ્યવસાય ચાલતો હોવાના આક્ષેપો થયા હતા.
જે અન્વયે ડાકોર નગરપાલિકા તા 21 ઓક્ટોબર 2021 મળેલી કારોબારી સમિતિના ઠરાવ નં- 1166 થી ગોમતી તળાવમાં બોટીંગ કરવા માટે પરેશભાઇ ખંભોળજાને 11 મહિનાના ભાડે આપવા ઠરાવ કર્યો હતો. જે ઠરાવ મામલે પાલિકા દ્વારા કોઇ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો ન હતો કે કોઈ એગ્રીમેન્ટ કરાયું ન હતું. તેમજ પાલિકા દ્વારા કરવામાં આવેલ ઠરાવની મુદત પૂર્ણ થઇ હતી. જેથી પાલિકા દ્વારા નોટિસ આપવા છતાં પરેશભાઇ ખંભોળજા દ્વારા બોટીંગ શરૂ રાખ્યું હતું. તેથી પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બોટીંગ બંધ કરવા માટે કાર્યવાહી કરી હતી.
જે અન્વયે પરેશભાઇ દ્વારા સ્વેચ્છાએ પોતાની બોટો ખસેડી લીધી હતી. પરંતુ બોટીંગ ફરીથી શરૂ ન થાય તે માટે તાત્કાલિક અસરથી ગોમતી તળાવમાંથી તેઓની બોટો ઉઠાવી લેવા માટે 2 નોટિસ આપી પણ તેનો સ્વીકાર કર્યો ન હતો. રજી. એડી થી મોકલાવેલી નોટિસ પણ સ્વીકારી ન હતી. તેથી તા 13 નવેમ્બર રવિવારના રોજ ફરીથી કોઈ પણ પ્રકારની મંજૂરી વિના બોટીંગ શરૂ કર્યું હતું. આખરે ચીફ અોફિસરે ડાકોર પોલીસમાં પરેશભાઇ અનીલભાઇ ખંભોળજા, ચૈતન્ય ઉર્ફે અંગુર જગદીશભાઇ સેવક અને મયંકભાઇ ગોસ્વામી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.