ખેડામાં ઘણા સમયથી ઓનલાઈન ઠગાઈના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. નડિયાદમાં એક યુવાન પાસે બ્લુ ડાર્ટ કુરીયરની ઓળખ આપી શખ્સે એક વ્યક્તિને ફોન કર્યો હતો. તેની પાસેથી OTP મેળવીને તેના જ ખાતામાંથી રૂપિયા 57,999 ઉપાડી લીધા હતા. આ બનાવમાં બે મોબાઇલ ધારકો સામે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
કુરીયર મારફતે બે પેન ડ્રાઈવ મોકલી હતી
નડિયાદ શહેરમાં સિવીલ રોડ પરની પરમહંસ સોસાયટીમાં રહેતા 31 વર્ષીય રવિ શાસ્ત્રી પ્રાઈવેટ સેક્ટરમાં એકાઉન્ટન્ટ છે. ગત 18મી ફેબ્રુઆરીએ તેમણે સુરતમાં રહેતી પોતાની ફિયોન્સી પાસેથી બ્લ્યુ ડાર્ટ કુરીયર મારફતે બે પેન ડ્રાઈવ મંગાવી હતી. બે દિવસ બાદ મળેલા કુરીયરનો નીચેનો ભાગ તૂટી ગયેલી હાલતમાં હતો અને અંદરથી બે પૈકી એક જ પેન ડ્રાઈવ મળી હતી.
ખોવાયેલ પેન ડ્રાઈવ માટે ઓનલાઈન ફરિયાદ
આ બાબતે જાણ કરતાં રવિએ નડિયાદ સ્થિત આવેલ બ્લ્યુ ડાર્ટ કુરીયરની ઑફિસે જઈને જાણ કરી હતી. કુરીયરવાળાએ કહ્યું કે તમે અમારી વેબસાઇટ ઉપર ઈ-મેલથી ફરિયાદ કરી દેજો. જેથી રવિએ આ બ્લુ ડાર્ટ કુરીયરના કસ્ટમર કેર પર આ બાબતે ફરિયાદ કરી હતી. બીજા દિવસે 21 ફેબ્રુઆરીના રોજ સવારે આશરે દસેક વાગ્યે અજાણ્યા મોબાઈલ પરથી રવિને ફોન આવ્યો હતો. ફોન કરનાર શખ્સે પોતે બ્લુ ડાર્ટ કુરીયરની હેડ ઑફીસથી નીતિનભાઈ બોલી રહ્યા છે તેમ કહ્યું હતું. આ શખ્સે હિન્દીમાં રવિ જોડે વાત કરી હતી અને કહ્યું હતું કે તમારી પેનડ્રાઇવ ખોવાયા અંગેની ફરિયાદ વિશે વાતચીત કરવી છે.
પેન ડ્રાઈવ પાછી મેળવવાના બહાને ઓ.ટી.પી. મેળવ્યો
સામેવાળી વ્યક્તિએ રજીસ્ટર્ડ નંબર તેમજ એક મેસેજથી મોકલેલા ઓ.ટી.પી. નંબર આપવા કહ્યું હતું. જો કે કોલ ચાલુ હતો ત્યારે ઓ.ટી.પી. આવ્યો ન હતો. જેથી રવિએ પોતાના મિત્રનો નંબર આપ્યો હતો. રવિએ તે નંબર પર વાત કરવા જણાવ્યું હતું. સામેવાળી વ્યક્તિએ બીજા નંબરથી ફોન કર્યો અને ઓ.ટી.પી. મેળવ્યો હતો. આ બાદ ટ્રેકીંગ આઈડી મારફતે ટ્રેસ કરવાનું કહી કોઈ લીંક મોકલી 1થી 5 રૂપિયા ભરવા કહ્યું હતું.
બીજા દિવસે ખાતામાંથી 57,999 ઉપડી ગયા
આજ દિવસે સાંજના સમયે બ્લુ ડાર્ટ કુરીયરનો માણસ આવ્યો હતો. બાકીની એક પેન ડ્રાઇવ આપી ગયો હતો. તેણે જણાવ્યુ હતું કે કુરીયરનું કવર પાતળું હોવાના કારણે તુટી જવાથી પેન ડ્રાઈવ પડી ગઈ હતી.ત્યારબાદ બીજા દિવસે એકાએક રવિના એકાઉન્ટમાંથી રૂપિયા 57 હજાર 999 ઉપડી ગયા હતા. આ સંદર્ભે ઉપરોક્ત બે મોબાઇલ ધારકો સામે રવિએ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.