વિવાદ:આરોપીને પકડવા ગયેલી પોલીસ સાથે ગ્રામજનોનું ઘર્ષણ, લાઠીચાર્જ

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેમદાવાદના રુદણમાં પોલીસ ઠગાઇના આરોપીને પકડવા ગઇ હતી
  • મહિલા સહિત 3ને ઇજા, પોલીસે ઘરમાં તોડફોડ કર્યાનો આક્ષેપ

મહેમદાવાદ તાલુકાના રુદન ગામના બે વિસ્તારમાં ગુનેગારોને પકડવા ગયેલી પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ સર્જાતા લાઠીચાર્જ કરાયો હતો. જેમાં ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હતી. થોડા સમય અગાઉ બરકતઅલી સહિત સાત વ્યક્તિઓ બનાસકાંઠાના અમરાભાઇ પાસેથી રૂદણ પઠાણપૂરા ગામની સીમમાં ભેંસો લઇ મારમારી ઠગાઇ કરતા 18મીએ સાત વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

તે પૈકી બે વ્યક્તિઓને ઝડપી પાડી મુદ્દામાલ રીકવર કરી મૂળ માલિકને સુપરત કર્યો હતો. જ્યારે બાકી રહેલ ઇસમોની તપાસમાં ગયા હતા. પરંતુ પોલીસ ટીમને ફરાર રીઢાગુનેગારો મળી આવ્યા ન હતા. જેથી સ્થાનિક વિસ્તારના ઘરોમાં તોડફોડ કરી કેટલાક લોકોને મારમાર્યો હોવાનો નાગરિકોનો આક્ષેપ છે. આ બનાવમાં ત્રણને ઇજા પહોંચી હતી. બે વ્યક્તિને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે.

નાગરિકો ખોટા આક્ષેપ કરી રહ્યા છે
પોલીસ ટીમ ઠગાઇના કેસમાં રીઢા ગુનેગારને પકડવા ગઇ હતી. ત્યાં કોઇ પણ પ્રકારનુ ઘર્ષણ થયું નથી. આ વિસ્તાર ક્રાઇમનો જ વિસ્તાર છે. પરંતુ નાગરિકો પોલીસ સામે ખોટા આક્ષેપ કરી રહ્યા છે. - એચ.વી.સીસારા, પી.આઇ. મહેમદાવાદ પોલીસ સ્ટેશન

અન્ય સમાચારો પણ છે...