મોરબી દુર્ઘટના બાદ પાલિકા જાગી:ડાકોરના ગોમતી તળાવમાં પરવાના વગર ધમધમતા બોટીંગ મામલે ચીફ ઓફીસરે 3 સામે ફરિયાદ નોંધાવી

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી ઝુલતા પુલની દુર્ઘટના પછી રાજ્યમાં પરવાના વગર ચાલતી પ્રવૃતિઓ સામે ગાળીયો કસાયો છે. ત્યારે યાત્રાધામ ડાકોરમાં પાલિકાએ ગોમતી તળાવમાં પરવાના વગર ગેરકાનૂની રીતે ધમધમતા બોટીંગ મામલે અંતે 3 સંચાલકો સામે ફરિયાદ નોંધી છે. પાલિકાએ 3 વખત નોટિસ આપી છતાં પણ આ નોટિસ ન સ્વીકારી અવગણના કરી તળાવમાં બોટીંગ વ્યવસાય ચાલુ રાખવામાં આવતાં અંતે આ મામલે ચીફ ઓફીસરે કાર્યવાહી હાથ ધરી છે. યાત્રાળુઓ સાથે મોટો વેપલો કરી તેમની જીંદગી સામે ચેડા થતાં હોવાની ફરિયાદો ઉઠી હતી.
બોટીંગને 11 મહીનાના ભાડાથી ઠરાવ કરવામાં આવેલ
ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં છેલ્લા કેટલાય સમયથી ગોમતી તળાવ ખાતે ચાલતી બોટિંગ મામલો ચર્ચામાં છે. મોરબી ઝુલતા પુલની દુર્ઘટના બાદ પાલિકા સફાળી જાગી છે. પાલીકાના જણાવ્યાં મુજબ ડાકોર નગરપાલીકાએ ગત વર્ષે 21 ઓક્ટોબર 2021ના રોજની કારોબારી સમિતિના ઠરાવ નં, 1166થી ગોમતી તળાવમાં બોટીંગ કરાવવા માટે પરેશભાઇ અનીલભાઇ ખંભોળજાને 11 મહીનાના ભાડે આપવા ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવ અન્વયે નગરપાલીમાં દ્વારા કોઇ વર્કઓર્ડર આપવામાં આવેલ નહતો કે કોઇપણ પ્રકારનું એગ્રીમેન્ટ કરવામાં આવેલ નહોતું.

નગરપાલીકા દ્વારા કરવામાં આવેલા ઠરાવની મુદ્દત પણ પુર્ણ થયેલ છે. જેથી નગરપાલીકા દ્વારા કરવામાં આવેલા ઠરાવની મુદ્દત પણ પૂર્ણ થયેલી હોવાથી ડાકોર નગરપાલીકા દ્વારા 12 ઓક્ટોબર 2022ના રોજ જા.નં. 959થી આખરી નોટિસ આપી બોટીંગ બંધ કરવા જણાવવામાં આવ્યું હતું. તેમછત્તા પરેશભાઇ અનીલભાઇ ખંભોળજા દ્વારા બોટીંગ બંધ ન કરવામાં આવતા નગરપાલીકાએ ગોમતી તળાવમાં આ ગેરકાયદેસર બોટીંગને બંધ કરવા ગત 22મી ઓક્ટોબરના રોજ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી હતી.
​​​​​​​તળાવમાંથી બોટ ઉઠાવી લેવા માટે 3 વખત નોટિસ અપાઈ
દરમીયાન પરેશભાઇ અનીલભાઇ ખંભોળજા દ્વારા સ્વેચ્છાએ પોતાની બોટો (હોડી) ખસેડી લેવામાં આવેલ હતી. પરંતુ બોટીંગ ફરીથી શરૂ ન થાય તેમજ કોઇ અઘટીત ઘટના ન બને તે હેતુથી તાત્કાલીક અસરથી દીન -1માં ગોમતી તળાવમાંથી તેઓની બોટો ઉઠાવી લેવા માટે 1 નવેમ્બરના રોજ નોટિસ આપવામાં આવી હતી. જે નોટિસ બોટ સંચાલકોએ સ્વિકારી નહોતી. જેથી પાલીકા દ્વારા પત્ર જાવક નંબર 1011, 5મી નવેમ્બરના રોજથી બીજી નોટિસ આપવામાં આવી હતી. જે નોટિસની પણ સ્વીકાર કરવામાં આવ્યો નહોતો. તેથી નગરપાલીકા દ્વારા રજી.પો.એડી. થી પણ એક નોટિસ બજવણી કરવામાં આવેલ હતી જે નોટિસ પણ બોટ સંચાલકોએ સ્વીકારેલ ન હતી.
​​​​​​​પોલીસે આઈપીસી 280, 282, 336 અને 114 મુજબ ગુનો નોંધ્યો
જેથી પાલીકા તંત્ર એ ગતરોજ 13મી નવેમ્બરના રોજ આ બોટીંગ મામલે ચીફ ઓફિસર સંજયકુમાર પટેલે ઉપરોક્ત ગેરકાયદે બોટીંગનો વ્યવસાય કરતાં પરેશભાઇ અનીલભાઇ ખંભોળજા (રહે. ડાકોર ખેડાવાળની ખડકી, તા-ઠાસરા -ખેડા), ચેતન્ય ઉર્ફે અંગુર જગદીશભાઇ સેવક (રહે, ડાકોર માવજીભાઈની ખડકી તા-ઠાસરા જી-ખેડા) અને મયંકભાઇ ગોસ્વામી (રહે. ડાકોર દર્દીનો અખાડો તા-ઠાસરા) સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 280, 282, 336 અને 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. ફરિયાદમા જણાવ્યા મુજબ ઉપરોક્ત ત્રણેય લોકો એકબીજાના મેળાપીપણમાં પુન: કોઇ પર પ્રકારની મંજુરી સીવાય ગેરકાયદેસર રીતે ભાડુ લઇ માણસોની જીંદગી જોખમમાં મુકાય તેવી બેફામ રીતે અને બેદરકારીથી બોટીંગ કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...