વિશ્વ પર્યાવરણ દિવસ:ચરોતરની આન,બાન અને શાન ગણાતું માતરનું પરીએજ તળાવનો ઈકો ટુરિઝમમાં સમાવેશ, નર્સરીમાં લાખો રોપાનો ઉછેર કરી વૃક્ષ પ્રેમીઓને અપાય છે

નડિયાદએક મહિનો પહેલા
  • પક્ષીઓનું સ્વર્ગ સમાન તળાવમાં આજે પણ વિવિધ પ્રકારના પક્ષીઓના કલરવથી કલબલી ઊઠે છે

બૃહદ ખેડા જિલ્લાનુ પક્ષીઓ માટેનુ એક માત્ર સ્વર્ગ સમાન તળાવ એટલે માતર નજીકનુ પરીએજ તળાવ કહી શકાય છે. અહીયા આ તળાવની ફરતે વિવિધ પક્ષીઓ આવે છે અને તળાવના પાણીમાં કલરવ કરતા જોવા મળે છે. જેના કારણે વાતાવરણ કઈક નોખુ લાગે છે. આ તળાવની ખાસ‌‌ મુલાકાતે પક્ષી પ્રેમીઓ પણ આવી રહ્યા છે. તો બીજી બાજુ દર વર્ષે અહીંયા આવેલી નર્સરીમા લાખોની સંખ્યામાં વૃક્ષોનો ઉછેર કરવામાં આવે છે અને આસપાસના વિસ્તારમાં વૃક્ષ પ્રેમીઓને આપવામાં આવી રહ્યા છે.

આજે ગ્લોબલ વોર્મિંગનો મોટો પડકાર પ્રશ્ન ઉભો છે. સ્થિતિ એવી છે કે વૃક્ષોનું નિકંદન વધી રહ્યું છે તો સામે વૃક્ષોનો ઉછેર ઘટી રહ્યો છે. એક વૃક્ષ કાપવા માટે બે કલાકનો સમય તો સામે એક વૃક્ષને ઉછેર કરવા‌ વર્ષોનો સમય વીતી જાય છે. આવી સ્થિતિ વચ્ચે પ્રકૃતિપ્રેમીઓ આજે પણ જોવા મળી રહ્યા છે. દર વર્ષે 5 જૂને ઉજવાતો 'વિશ્વ પર્યાવરણ દિવસ' પ્રકૃતિપ્રેમીઓ માટે ખાસ હોય છે. વાત કરીએ ચરોતર પંથકના ભાલ વિસ્તાર ગણાતા કાઠો એટલે તારાપુર, ખંભાત તરફના પ્રદેશની તો તારાપુર-ખેડા હાઈવે વચ્ચે પરીએજ તળાવ આવેલું છે. લગભગ 754 હેક્ટર વિસ્તારમાં પથરાયેલું આ તળાવ ખૂબ ઐતિહાસિક તળાવ છે. જેના કારણે પ્રકૃતિપ્રેમીઓનું આ મહત્વનું સ્થાન બન્યું છે.

આ પરીએજ તળાવને ઇકો ટુરિઝમ સાથે વિકસિત કરવાનુ રાજ્ય સરકારે આયોજન કર્યું હતું. અહીંયા આ તળાવના ફરતે તથા તળાવના મધ્ય ભાગમાં તો ક્યાંક છીછરા પાણીમાં વિવિધ પ્રકારના પક્ષીઓ કલરવ કરે છે. માટે આ તળાવ પક્ષીઓનું સ્વર્ગ સમાન તળાવ ગણી શકાય છે. અહીંયા શિયાળાની ઋતુઓમાં દેશ-વિદેશથી અલગ-અલગ પ્રજાતિના પક્ષીઓ પણ આવે છે. આ ઉપરાંત સારસ નામના પક્ષીઓ વધુ જોવા મળે છે. પક્ષીપ્રેમી યુટીએલ નામની સંસ્થા હાલ આ પક્ષીઓના સંસોધન માટે અહીંયા કામગીરી પણ કરી રહી છે. આ પરીએજ તળાવ પાસે એક વોચ ટાવર પણ ઊભુ કરવામાં આવ્યું છે. જેના કારણે પક્ષીપ્રેમીઓ અહીંયા આવી આવા અનેક પક્ષીઓને ટાવર પરથી નિહાળી શકે છે.

મહત્વનું છે કે જિલ્લા વન વિભાગ દ્વારા અહીયા નર્સરી પણ કાર્યરત કરાઈ છે. જેમા લાખોની સંખ્યામાં વૃક્ષોનો ઉછેર કરવામાં આવે છે અને આસપાસના વિસ્તારમાં વૃક્ષ પ્રેમીઓને આપવામાં આવે છે. જેથી આ ભાલ પંથક તથા સમગ્ર ચરોતર પંથકનુ આ તળાવ મહત્વનુ તળાવ કહી શકાય છે. આ તળાવનુ પાણી આગળ સૌરાષ્ટ્રને પણ મળી રહ્યું છે. આમ કહી શકાય કે આ તળાવ ચરોતરની આનબાન શાન ગણાતું તળાવ છે. અહીયા પક્ષીપ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ આવી વિઝીટ કરી વિવિધ પ્રકારની માહિતી મેળવી રહ્યા છે.

મદદનીશ વન સંરક્ષક દિલીપસિંહ ડાભીએ જણાવ્યું હતું કે ગુજરાતના 8 ગણ્યા ગાંઠ્યા વેટ લેન્ડ છે. તેમાનું પરીએજ તળાવ ખેડા જિલ્લામાં સ્થિત છે. અહીંયા યાયાવર પક્ષીઓ સહિત સ્થાનિક પક્ષીઓ મુલાકાત કરતા હોય છે. આશરે 754 હેકટર વિસ્તારમાં ફેલાયેલું તળાવ આ ચરોતરનુ આકર્ષણનુ તળાવ છે અને અહીયાનુ પાણી સૌરાષ્ટ્રમાં વહન કરીને લઈ જવામાં આવી રહ્યું છે. આ તળાવને 20 થી 25 વર્ષથી વેટલેન્ડ તરીકે ડેવલપ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પરીએજ તળાવની બાજુમાં વનવિભાગ દ્વારા ઇકો ટુરીઝમ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જેમા પર્યાવરણના જાગૃતિને લગતી વિવિધ કાર્યક્રમો તથા શિબિરો યોજવામાં આવી રહી છે. વૃક્ષોમા સ્થાનિક જાતોનો સમાવેશ થાય છે. પક્ષીઓ વસવાટ અને ખોરાક મેળવી શકે એ પ્રકારનું વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ તળાવમાં લગભગ 300 જેટલા મગરોની સંખ્યા પણ છે. રાજ્યમાં જે સારસ પક્ષીઓ છે તેના બે તૃત્યાંશ ભાગ અહીંયા વસવાટ કરી રહ્યાં છે.

અહીયા ચાલી રહેલ યુપીએલ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જતીન પટેલ જણાવે છે કે પરીએજ વેટલેન્ડમાં આસપાસના વિસ્તારમાં છેલ્લા 2015થી તેઓ સારસની વસ્તી સહિતની કામગીરી કરી રહ્યા છે. આ સંસ્થા દ્વારા અહીંયા આસપાસના રહેણાક વિસ્તારો ગામડાઓમાં જનજાગૃતિનું કાર્ય કરવામાં આવી રહ્યુ છે. ઈકો ટુરિઝમ પરીએજ તળાવ ખાસ કરીને શિયાળાની ઋતુમાં એટલે કે નવેમ્બર થી ફેબ્રુઆરી માસમાં મોટી સંખ્યામાં પક્ષીઓ જોવા મળે છે. તો વળી ઉનાળામાં એટલે કે એપ્રિલથી જૂન સુધીમાં સ્થાનિક પક્ષીઓ તથા સારસ પક્ષીઓ જોવા મળે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉનાળામાં પાણીનું લેવલ તળાવમાં ઓછું હોવાથી સારસ પક્ષીઓ છિછરા પાણીમાં વધુ જોવા મળી રહ્યા છે જેને નિહાળવા પક્ષી પ્રેમીઓ પણ આવતા હોય છે.

પક્ષી દર્શન કરવા આવેલા પર્યટક ઝંખના બ્રહ્મભટ્ટ જણાવે છે કે તેઓ ધીંગામસ્તી એકેડમીમાથી બાળકોને લઈને આવ્યા છે. અમે દર વર્ષે સમર કેમ્પનું આયોજન કરીએ છે તે આયોજનના ભાગરૂપે આજે અહીંયાની ખાસ ટ્રીપ ગોઠવી છે. ઉનાળાના દિવસોમાં દેશ-વિદેશથી આવતા કલરફુલ પક્ષીઓને નિહાળવા અમે અહીંયા આવ્યા છે. સાંજના સમયે અહીંયા આવીએ અને રાત્રિ રોકાણ કરી કેમ્પ ફાયર જેવી એક્ટિવિટી કરી વહેલી સવારે પક્ષીઓનો નજારો નિહાળતા હોઈએ છીએ. કલરફુલ પક્ષીઓ કે જે શહેરોમાં ગ્લોબલ વોર્મિંગના કારણે જોવા નથી મળતા તે જોવા અને પક્ષીઓનો કલરવ સાંભળવા ખાસ અમે અહીંયા મુલાકાતે આવીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...