રાજ્યમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ 14 માર્ચથી 18 માર્ચ સુધી વાતવરણમાં પલટો આવવાની આગાહી હતી. જે આગાહી અંતે સાચી ઠરી છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે.
બુધવારે વહેલી સવારથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાઢ વાદળો આકાશમાં છવાયા હતા. નડિયાદ સહિત તમામ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ જોવાં મળ્યું હતું. માવઠાની આગાહી વચ્ચે હળવા પવન ફુંકાવાની શરૂઆત થઈ હતી. જેના પગલે ખેડૂતોના જીવ અદ્ધર થયા છે. ખેતરમાં તૈયાર થયેલા પાક સમયે વરસાદી વાતાવરણ સર્જાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. તમાકુ, ઘઉં, રાયડો સહિતના પાકોમાં માવઠું થાય તો નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
નોંધનિય છે કે, છેલ્લા સપ્તાહમાં બીજી વખત વાતાવરણના પલટાથી ખેડૂતોને મોટા નુકશાનના એંધાણ જોવા મળે છે. આવા વાતાવરણના પગલે તાવ, શરદી, ખાંસીના કેસોમાં પણ ઉછાળો જોવા મળશે. જેના કારણે આવા વાતાવરણથી સ્વાસ્થ્ય સામે પણ ખતરો મંડાઈ રહ્યો છે. હજુ આગામી 3 દિવસ આવું વાતાવરણ રહેવાની દહેશતના પગલે જિલ્લાના ખેડૂતો અને જિલ્લાવાસીઓ ચિંતાતુર બન્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.