નડિયાદના નાગરિકો રામ ભરોસે!:શહેરના રસ્તાઓ પર રખડતા ઢોરોનો અડિંગો, પશુઓની ઘાત ક્યારે જીવલેણ સાબિત થાય તે કહી ન શકાય

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગતરોજ એક વ્યક્તિને અડફેટે લીધા બાદ પણ રસ્તાઓ પર રખડતા ઢોરોનું રાજ

નડિયાદમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. ગતરોજ તો એક વ્યક્તિ તેનો શિકાર પણ બન્યો છે. જોકે, આ બાદ પણ તંત્ર એ ઘટનાથી કોઈ શીખ લીધી નથી તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. અને હજુ પણ શહેરના માર્ગો પર રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે. આમ નડિયાદના નાગરીકો રામ ભરોસે છે અને રખડતા પશુઓની ઘાત ક્યારે જીવલેણ સાબિત થાય તે કહી ન શકાય.

હજુ પણ મુખ્ય માર્ગો પર રખડતા પશુઓ
નડિયાદમા જાહેર માર્ગો પર રખડતા પશુઓનો આતંક એટલી હદે વધી ગયો છે કે હવે નગરજનોને બહાર ચાલીને જવું કે વાહન હંકારવું ક્યારે જીવલેણ સાબિત થાય તે કહી ન શકાય.‌ ગતરોજ શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક વ્યક્તિને મારકણી ગાયે દોડાવી દોડાવીને ચગદ્યો હતો. આ ઘટના બાદ પણ નઠ્ઠોર પાલિકાએ કોઈ શીખ લીધી નથી. અને હજુ પણ મુખ્ય માર્ગો પર રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે. શહેરના સંતરામ રોડ, કોલેજ રોડ, મિશન રોડ, ડભાણ રોડ, પીજ રોડ, મીલ રોડ, કપડવંજ રોડ પર ઠેકઠેકાણે રખડતી ગાયો જોવા મળે છે. આ ઉપરાંત સોસાયટીના નાકે અને રસ્તાઓ પર પણ ગાયો બેઠેલી જોવા મળી રહી છે.

ઢોરને પુરવા ક્વાયત કરી રહી હોવાનુ પાલિકાનુ રટણ
નડિયાદમા પાલિકા તંત્ર લાખો રૂપિયાનો ધુમાડો કરી આવા ઢોરને પુરવા ક્વાયત કરી રહી હોવાનુ રટણ કરી રહી છે. પરંતુ આમ છતાં પણ રસ્તા પર પશુઓ જોવા મળી રહ્યા છે અને લોકો અડફેટે પણ આવી રહ્યા છે. પશુમાલિકો સામે કાયદાકીય કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે.

હાલ નગરમાં 70% જેટલી રખડતી ગાયો અમે પકડી છે
પાલિકા તંત્રના ઢોર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે હાલ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રખડતા પશુઓને પકડવા માટે 14 જેટલા વ્યક્તિઓ કાર્યરત છે. જેમાં દિવસે સાત અને રાત્રે સાત એમ બે પેર બનાવી શહેરમાં રખડતા પશુઓને ડબ્બામાં પુરવામા આવી રહ્યા છે. પાલિકા પાસે બે પશુઓના ડબ્બા છે. જેમા રખડતી ગાયને પકડી રાખવામાં આવે છે અને પશુમાલિકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે અને આ બાદ પણ પશુ માલિકો ગાયને લેવા ન આવે તો તેનો નિકાલ કરી દેવામાં આવે છે. ગતરાત્રે પશ્ચિમ વિસ્તારમાંથી 8 જેટલી ગાય જેમાં 4 મારકણી ગાયોને પકડી લેવાઈ હોવાનું જણાવ્યું છે. વધુમા હાલ નગરમાં 70% જેટલી રખડતી ગાયો અંકુશમાં હોવાનો દાવો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...