મદદ કરતા મોત મળ્યું:નડિયાદના એક્સપ્રેસ હાઈવે પર કારનું ટાયર ફાટ્યુ, મદદ કરવા આવેલા બીજા કાર ચાલકને અન્ય વાહને ટક્કર મારતાં મોત

નડિયાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર ચાલક સહિત મદદ માંગનાર બન્ને ફંગોળાઈ ગયા, એકનું મોત, એક વ્યક્તિ સારવાર હેઠળ
  • નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઈવે મોતનો હાઈવે બની ચૂક્યો છે. ગતરોજ આ હાઈવે પર બનેલા અકસ્માતમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં નડિયાદના અરેરા પાસેથી પસાર થતા અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઈવે પર મદદ કરવા ઈકો કાર ઊભી રાખતા પાછળથી આવેલા અજાણ્યા વાહને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલક સહિત મદદ માંગનાર બન્ને ફંગોળાઈ જતાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે એક વ્યક્તિ સારવાર હેઠળ છે. નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એક્સપ્રેસ હાઈવેની હેલ્પલાઇન પર મદદ માગી પણ મદદ ન મળી
અમદાવાદમાં રહેતા શાંતિલાલ તળશીભાઈ જાદવ ગતરોજ રાત્રિના સુમારે 11:45 વાગ્યાની આસપાસ પોતાની ઈકો કાર નંબર (GJ-27-X-7039) ચલાવીને અમદાવાદ - વડોદરાના એક્સપ્રેસ હાઈવે પરથી આણંદથી અમદાવાદ તરફ જતા હતા. આ દરમિયાન ચેનલ નંબર 35/370 અરેરા ગામની સીમમાં એકાએક ગાડીનું પાછળનું ટાયર ફાટી ગયું હતું. કારચાલક શાંતિલાલે એક્સપ્રેસ હાઈવેની હેલ્પલાઇન પર મદદ માગી હતી, પરંતુ લાબો સમય થવા છતાં કોઈ મદદ આવ્યું નહોતું. આથી શાંતિલાલ હાઈવે રોડ ક્રોસ કરી અમદાવાદથી આણંદ જવાના રોડ ઉપર આવેલા હતા. અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મદદ કરવા જણાવતા હતા. આમ છતાં પણ કોઈ વાહનચાલકો તેમની મદદે આવતા નહોતા.

બન્ને ફંગોળાઈને રોડ ઉપર પડ્યા હતા
થોડીવારમાં અમદાવાદ તરફથી આવતી ઇકો કાર નંબર (GJ-06-PE-3703)એ શાંતિલાલે હાથ કરતા આ કાર રોડની સાઈડમાં ઊભી રહી હતી. હજુ તો શાંતિલાલ અને કાર ચાલક બન્ને વાત કરે છે ત્યા પાછળથી આવતા અજાણ્યા વાહન ચાલકે ઉપરોક્ત ઈકો કારને પાછળથી ટક્કર મારી હતી. આથી મદદ માગનાર શાંતિલાલભાઈ તથા ઇકો કાર ચાલક આમીર સિકંદરભાઈ વ્હોરા બન્ને ફંગોળાઈને રોડ ઉપર પડ્યા હતા. જોકે, કારચાલક આમિર વ્હોરાનુ ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે શાંતિલાલને ઇજાઓ પહોંચતા તેઓને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે શાંતિલાલભાઈના નિવેદનો લેતા સમગ્ર હકીકતો બહાર આવી હતી. બનાવ સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસે મરણજનારના કાકા મહમદભાઈ સુલેમાનભાઈ વ્હોરાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...