પોલીસ તંત્ર એકશન મોડમાં:એક જ દિવસમાં ચાર સ્થળેથી ચાઇનીઝ દોરીની 455 ફીરકી અને 160 રીલ કબજે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇકોર્ટે કડક વલણ અપનાવતા ખેડા જિલ્લા પોલીસ તંત્ર એકશન મોડમાં

હાઇકોર્ટની ટકોર બાદ સ્થાનિક પોલીસ એક્શન મોડમાં આવી જિલ્લામાં ચાર સ્થળે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે.જેમાં મહેમદાવાદના નેનપૂર ચોકડી અને નડિયાદના વીણા સીમમાંથી એસઓજીની ટીમે ચાઈનીઝ દોરીના ફિરકા જ્યારે નડિયાદ સ્થાનિક પોલીસે બે સ્થળેથી ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે.ચાર સ્થળેથી ચાઇનીઝ દોરી ફીરકા નંગ-455 અને રીલ નંગ-160 મળી કુલ રૂ 2 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાર ઇસમો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.

મહેમદાવાદના નેનપુર ચોકડી પાસે ઉભેલી કારમાંથી એસઓજીની ટીમે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફિરકા નં-300 રૂ 90 હજારનો મુદ્દામાલ જપ્ત કરી એક ઈસમ વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો છે.અન્ય દરોડામાં નડિયાદના વીણા સીમમાં આવેલ ખેતરની ઓરડીમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફીરકાના ચાર બોક્સમાં ફીરકા નંગ-155 રૂ 62,100 ના મુદ્દામાલ સાથે સુરેન્દ્ર ઉર્ફે લાલાભાઇ ભનુભાઇ પટેલને ઝડપી પાડયો હતો.

બીજી તરફ નડિયાદ સ્થાનિક પોલીસે શહેરના જયેશ જનરલ સ્ટોર્સની દુકાનમાંથી ચાઇનીઝ દોરીના રીલ નંગ-150 રૂ 45 હજાર મુદ્દામાલ સાથે જયેશ બાબુભાઇ પટેલને ઝડપી પાડયા હતા.તેમજ શહેરના શ્રેયસ ગરનાળા પાસેના રોડ પરથી પસાર થતા જયેશ અરવિંદભાઇ રાવળની તલાસી લેતા તેની પાસેથી ચાઇનીઝ દોરીના રીલ નંગ-10 રૂ 3 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બંને વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.

ચાઇનીઝ દોરી ખરીદનાર સામે પણ કાર્યવાહી થશે : ડીઅેસપી
લોકો માટે જોખમી બની રહેલી ચાઈનીઝ દોરીનં વેચાણ અટકાવવા ખેડા પોલીસ કામે લાગી છે. નડિયાદ એ જિલ્લાનું મુખ્ય વેચાણ કેન્દ્ર હોઈ શહેરની 150 થી વધુ દુકાનોમાં ચાઈનીઝ દોરી કે તૂક્કલ નું વેચાણ ન થાય તે માટે પોલીસે શહેર પીઆઈ ની સાથે ડિસ્ટાફની ટીમે મુખ્ય બજારોમાં ફરી દુકાનોમાં ચેકીંગ કર્યું હતું.

બુધવારે નડિયાદ ટાઉન પોલીસે ચાઇનીઝ દોરી ઝડપી પાડવા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ પતંગની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. આશરે 25 જેટલી દુકાનોમાં સ્થાનિક પોલીસે ચાઇનીઝ દોરીની શોધખોળ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. બીજી તરફ જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ ચાઇનીઝ દોરી અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે જિલ્લામાં ફક્ત ચાઇનીઝ દોરી વેચનારા જ નહી, દોરી ખરીદનાર ઇસમો સામે પણ કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...