હુમલો:ધારાસભ્યના પીએ અને તેના પુત્રની ગુંડાગીરી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીંબાસીમાં સોડાની દુકાન પર થયેલી તકરાર બાદ રાઇસ મિલ સંચાલક પર હુમલો
  • ટોળા સાથે જઇ ઘરની બારીના કાચ,ચાર વાહનોને નુકશાન કર્યુ

દિવાળીની રાત્રે લીંબાસી ગામના ધરતી સોડા શોપ પાસે ગાળો બોલવાની બાબતે ઝઘડો થતા માતરના ધારાસભ્યના પીએ અને તેના પુત્રઅે દસ થી બાર વ્યક્તિઓનું ટોળું લઈ રાઇસ મિલ સંચાલકના મકાનના બારીના કાચ તોડી ઘર પાસે પાર્ક કરેલ 4 વાહનોની તોડફોડ કરી હતી. ઘટના અંગે પોલીસે ચાર વ્યક્તિના નામ જોગ અને 10 થી 12 વ્યક્તિના ટોળા સામે ફરિયાદ નોંધી છે.

લીંબાસીના માલાવાડા ચોકડી પાસે રહેતા જીગ્નેશ ઠક્કર યોગી કૃપા રાઇસ મિલ ધરાવે છે. તા.25 ઓકટોબરની રાતના નવેક વાગ્યાના અરસામાં તેઅો ધરતી સોડા શોપમાં સોડા પીવા ગયા હતા. ત્યારે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના પીએ દિપક સોલંકી અને તેનો પુત્ર સાહિલ સોલંકી હાજર હતા અા સમયે સાહિલ ગમે તેમ ગાળો બોલતો હતો. જેથી જીગ્નેશ ઠક્કરે કહેલ કે તું કોને ગાળો બોલે છે, તેમ કહેતા સાહિલ એકદમ ઉશ્કેરાઈ જઇ ગાળો બોલવા લાગ્યા હતા.

વળી તે સમયે સાહિલનુ ઉપરાણું લઇ દિપક, પરેશ અને ખોડા આવી ગાળો બોલી ગડદાપાટુનો મારમાર્યો હતો. જેથી બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થઇ જતા ચારેય ઇસમો ત્યાંથી જતા રહ્યા હતા. બનાવના થોડા સમય બાદ જીગ્નેશભાઈના ઘર પાસે પાર્ક કરેલ ત્રણ એક્ટિવા અને બે આઇસરને દિપક, પરેશ, ખોડા અને બીજા 10 થી 12 લોકોના ટોળાએ હાથમાં ડંડો લઈ તોડફોડ કરી જીગ્નેશભાઇના મકાનની બારીના કાચ તોડી નુકસાન કર્યું હતું. જીગ્નેશ ઠક્કરની ફરિયાદ આધારે સાહિલ સોલંકી, દિપક સોલંકી, પરેશ સોલંકી, ખોડા સોલંકી અને 10 થી 12 વ્યક્તિના ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...