ખેડા જિલ્લામાં દારૂની બદીઓ બેલગામ બની છે. 4 દિવસ અગાઉ જ નડિયાદના આખડોલમાથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગાંધીનગરની વિઝલન્સ ટીમે પકડી લીધો હતો અને આ બાદ DGPની ક્રાઈમ કોન્ફરન્સ બાદ જિલ્લાની પોલીસ હરકતમાં આવી ગઈ છે. કઠલાલ પોલીસે બુટલેગરોનુ દારૂનુ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ સહિત જુદી જુદી જગ્યાએ ઈંગ્લીશ દારૂ પહોચાડાવા અમદાવાદના બુટલેગરે કઠલાલના પીઠાઈ પાસે જમીન વેચાણ રાખી દારૂ કટીંગ કરાતો હતો તે વેળાએ કઠલાલ પોલીસ ત્રાટકી હતી. અને 32.95 લાખનો વિદેશી દારૂ સાથે આઈસર ટ્રક અને પીકઅપ ડાલુ સાથે 38 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં 4 લોકોને સ્થળ પરથી ઝડપી લેવાયા છે. જ્યારે જમીન વેચાણ રાખનાર બુટલેગર અને અમદાવાદના બુટલેગર મળી કુલ 6 સામે પ્રોહીબીશન એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે.
નાની મોટી બોટલો નંગ 13,932 તેમજ બિયર ટીન નંગ 3936 કબ્જે કરી
કઠલાલ પોલીસે બાતમીના આધારે મોટુ ઓપરેશન પાર પાડી જંગી પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી લીધો છે. ગતરાત્રે કઠલાલ પોલીસની ટીમે પોતાના હદ વિસ્તારમાં પીઠાઈ ગામ જવાના રોડ પર વરંડાવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો. જ્યાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ગણતરી કરતા ભારતીય બનાવટની નાની મોટી બોટલો નંગ 13,932 તેમજ બિયર ટીન નંગ 3936 મળી કુલ રૂપિયા 32 લાખ 95 હજાર 200નો ઈંગ્લીશ દારૂનો જથ્થો કબજે કર્યો છે.
કુલ રૂપિયા 38 લાખ 1 હજાર 200નો મુદ્દામાલ જપ્ત કર્યો
આ બનાવમા પોલીસે દારુ કટીંગ કરતા બે વાહનો જેમાં એક આઈસર ટ્રક અને અન્ય એક પીકઅપ ડાલુ પણ ઝડપી લીધું છે. અહીંયાથી પોલીસે 4 પરપ્રાંતીયોને પકડ્યા છે. જેમાં સેમેન્દ્રસિગ ઉર્ફે શિવા દેવેન્દ્રસિગ રાજપુત (હાલ રહે.અમદાવાદ, નિકોલ, મુળ રહે.આગ્રા, ઉત્તરપ્રદેશ), અજીતસિગ રામનારયણ ઠાકોર રાજપુત, મુકેશસિગ ગીતમંગસિંઘ ઠાકોર રાજપુત, બ્રિજમોહન ઉર્ફે કલાસીંગ દાતારામ રાજપુત (તમામ રહે.રાજસ્થાન)નો સમાવેશ થાય છે. પોલીસે આ પ્રકરણમાં ઉપરોક્ત દારૂનો જથ્થો સહિત વાહન મળી કુલ રૂપિયા 38 લાખ 1 હજાર 200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે
કોઈને શક ન જાય તે માટે જમીનમાં દારૂ સંતાડાતો હતો
પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતુ કે,. આ જગ્યા છે તે અમદાવાદ શહેરના નાના ચિલોડા ખાતે રહેતા પ્રદિપસિંહ જગદીશપ્રસાદ રાજપુતની હોવાનું જણાવ્યું હતું. વધુમાં પ્રદિપસિંહ આ જગ્યા વેચાણ રાખી હતી અને દારૂનો વેપલો કરી રહ્યા હતો. અને આ દારૂનો જથ્થો અમદાવાદના ઓઢવ ખાતે રહેતા બુટલેગર કેદારસિંહ ઉર્ફે કેલા રામસિંગ રાજપૂતનો તથા આ સિવાય પણ અન્ય બીજા માણસોને પહોંચાડવાનો હતો. વેચાણ રાખેલી જગ્યામાં બુટલેગરે ફરતે સિમેન્ટની દિવાલો કરી હતી અને કોઈને શક ન જાય તે માટે જમીનમાં દારૂ સંતાડાતો હતો તેમ પકડાયેલા આરોપીઓએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. આ બનાવમા 4 લોકોને સ્થળ પરથી ઝડપી લેવાયા છે જ્યારે જમીન વેચાણ રાખનાર બુટલેગર અને અમદાવાદના બુટલેગર મળી કુલ 6 સામે પ્રોહીબીશન એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.