ગેસ લીકેજ:ચા મૂકવા દિવાસળી પેટાવતા ઘરમાં બ્લાસ્ટ,3 દાઝયાં

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડાના જલારામ નગરમાં સવારે બનેલી દુર્ઘટના
  • ગંભીર રીતે દાઝેલા દંપતીને અમદાવાદ ખસેડાયું

ખેડા- માતર રોડ ઉપર આવેલ જલારામ સોસાયટીમાં ગુરુવારે સવારે રહેણાંક મકાનમાં ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થતા 3 વ્યક્તિઓ દાઝી ગયા હતા. ધડાકો એટલો તો જબરદસ્ત હતો કે આસપાસના લોકો અવાજ થી ગભરાઈને સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતા સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

મળતી જાણકારી મુજબ ખેડાની જલારામ સોસાયટીમાં રહેતા કાછીયા પટેલ પરિવારનું દંપતી બપોરના સમયે ચ્હા બનાવવા માટે રસોડામાં ગયું હતું. પરંતુ ગેસની બોટલનો પાઇપ લીકેજ હોઈ દીવાસળી સગળાવતા જ જોરદાર બ્લાસ્ટ થયો હતો. અાગમાં ઘરના મોભી જનકભાઈ રતિલાલ કાછીયા પટેલ ઉ.45, પત્ની હિરલબેન જનકભાઈ કાછીયા પટેલ ઉ.38, અને તેમનો પુત્ર માનવ જનકભાઈ કાછીયા પટેલ ઉં.20 ત્રણે જણા ગંભીર રીતે દાઝી ગયા હતા.

ઘરના ગાદલા તેમજ લાકડાના કબાટ પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. તેમજ રસોડાના વાસણો પણ ઉપરથી નીચે પડી ગયા હતા. જનકભાઈ તેમના પત્ની હિરલબેનને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા. ડોક્ટરના જણાવ્યા મુજબ જનકભાઈ 70% થી વધુ દાઝી ગયા છે, અને તેમના પત્ની હિરલબેન પણ 30 થી 35% દાઝ્યાનું પ્રાથમિક તારણ છે. જ્યારે પુત્ર બંને હાથમાં આગની જ્વાળાઓ લાગી ગઈ હોવાનું ડોક્ટર જણાવ્યું હતું. બ્લાસ્ટ થતાં ખેડા ફાયર ફાઈટર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

ફર્સ્ટ પર્સન: મમ્મીએ બુમ પાડી ને હું બચી ગયો

હું બહારના રૂમમાં સુઈ રહ્યો હતો,સવારના સમયે અચાનક મમ્મી એ બુમ પાડી કેઆગ લાગી છે, ઉભો થા બહાર ભાગ. હુ કૂદકો મારીને બહાર ભાગ્યો પણ મારા બંને હાથ દાઝી ગયા. ધાબળો ઓઢેલો હતો, એટલે શરીરનો અન્ય ભાગ બચી ગયો. > માનવ પટેલ

ભાઈ-ભાભી સળગતી હાલતમાં ઘર બહાર આવ્યા
હંુ ઉપરના માળે જ રહુ છું. ભાભીની બુમ સાંભળી નીચે દોડ્યો, અને જોયું તો ભાઈ-ભાભી બંને સળગતી હાલતમાં ઘર બહાર આવી ગયા હતા. લોકોએ તેમના પર પાણી નાખીને આગ ઓલવી હતી. જોકે બંને ગંભીર રીતે દાઝી ગયા હતા. > નીતિનભાઈ પટેલ, મોટાભાઈ

અન્ય સમાચારો પણ છે...