વિધાનસભા સંગ્રામ 2022:ભાજપનું ક્ષત્રિયકાર્ડઃ નડિયાદની બેઠક પર પાટીદારને છઠ્ઠીવાર ટિકિટ ફાળવી,અન્ય 4 બેઠકો પર નવા ચહેરા

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખેડા જિલ્લાની 6 પૈકી 5 બેઠક પર ભાજપે જાહેર કરેલા ઉમેદવારમાં ચાર ક્ષત્રિયની પસંદગી
  • ખેડા જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર ભાજપે 4 ગ્રેજ્યુએટ ઉમેદવાર અને એક બેઠક પર ધો 10 પાસ ઉમેદવારને ટિકિટની ફાળવણી કરી છે
  • 6 બેઠક કબજે કરવાનું મિશન - નડિયાદ સિવાયની 4 બેઠક પર ઉમેદવારો બદલી નાંખ્યા

વિધાન સભાની ચૂંટણી માટે ભાજપે 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં ખેડા જિલ્લાની 6 વિધાનસભા પૈકી 5 વિધાનસભાના ઉમેદવારોના નામો જાહેર કરી દેવાયા છે. મહત્વની વાત છેકે જિલ્લાના વડા મથક નડિયાદ બેઠક પર પંકજ દેસાઈ ને છઠ્ઠી વાર રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વિવાદોથી ઘેરાયેલા માતરના ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણની ટિકિટ પાર્ટીએ કાપી નાંખી છે.

ક્ષત્રિય વોટ બેંકને ધ્યાનમાં રાખી પાર્ટીએ જે 5 નામો જાહેર કરાયા છે, તેમાં ફક્ત નડિયાદમાં પટેલ ઉમેદવાર સિવાય અન્ય ચાર ક્ષત્રિય ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત મહુધા, કપડવંજ અને ઠાસરામાં પાર્ટીએ યુવા ઉમેદવારોને તક આપી છે. ભાજપે 5 પૈકી ચાર ગ્રેજયુએટ અને ધો.10 પાસ ઉમેદવારની પસંદગી કરી છે.

કોંગ્રેસનો ગઢ અને આપની એન્ટ્રી વચ્ચે નો રિપીટ થિયરી
આ વખતે ભાજપને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીએ પણ ખેડા જિલ્લાની 6 બેઠકો પર પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે આવા સંજોગોમાં ભાજપ દ્વારા નડિયાદને બાદ કરતાં મહુધા, ઠાસરા, કપડવંજ અને માતર બેઠક પર નો રિપીચ થિયરી અપનાવી નવા ચહેરીના પસંદગી કરી ટિકિટ ફાળવવામાં આવી છે. નડિયાદમાં પાટીદાર સમાજને સાચવી લઈ અન્ય બેઠકો પર ક્ષત્રિય કાર્ડ અપનાવ્યું છે. ગત ચૂંટણીમાં 6 પૈકી 3 બેઠક ભાજપ પાસે હતી જ્યારે કોંગ્રેસ પાસે પણ 3 બેઠક હતી.

નડિયાદ ઃ 11 દાવેદારો વચ્ચે જીતી શકે તેવા સક્ષમ ઉમેદવારને ટિકિટ આપવાની રણનીતીમાં ફાવી ગયા
પંકજ દેસાઈ- બીએસસી, વેપાર - ખેતી
2017નું પરિણામ ભાજપના પંકજ દેસાઈ કોંગ્રેસના ઉમેદવાર સામે 20838 મતથી વિજેતા બન્યા હતા

પસંદગીનું કારણ શું - સતત 5 ટર્મથી ભાજપનું પ્રતિનિધિત્વ કરતા પંકજ દેસાઈ 3 ટર્મથી મુખ્ય દંડકની જવાબદારી નિભાવી રહ્યાં છે. ત્યારે કેશુભાઈ, નરેન્દ્ર મોદીથી લઈ ભુપેન્દ્ર પટેલ સુધીના મુખ્યમંત્રી સાથે કામ કર્યાના અનુભવનો લાભ મળ્યો છે. 1985થી રાજકારણમાં સક્રિય પંકજ દેસાઈ સામે આ વખતે 11 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. આપના આગમન અને મોરબી દુર્ઘટના બાદ સર્જાયેલી સ્થિતિને જોતા સતત પાંચ ટર્મથી જાળવી રાખેલી બેઠક પર પક્ષ કોઈપણ પ્રકારનો પ્રયોગ કરવાનું ટાળ્યું છે.

મહુધા ઃ ફરી એકવાર નવો ચહેરો, ત્રણ દાયકાનું કોંગ્રેસનું વર્ચસ્વ તોડવા પાયાના કાર્યકરની પસંદગી
સંજયસિંહ મહિડા એફ વાય બીએ, વેપાર
2017નું પરિણામ ભાજપના ભારતસિંહ પરમાપરની કોંગ્રેસના ઉમેદવાર સામે 13601 મતથી હાર થઈ હતી

પસંદગીનું કારણ શું - ખેડા જિલ્લાની મહુધા બેઠક 3 દાયકા થી ભાજપ જીતી શક્યું નથી. દરેક ચૂંટણીમાં ભાજપ અહીં નવા ચહેરાને તક આપે છે, પરંતુ પરિણામમાં કઈ નવું મળી રહ્યું નથી. 2017માં ભાજપના ઉમેદવાર ભારતસિંહ પરમારની આ બેઠક પર 13,601 મતથી હાર થઈ હતી. જેથી આ વખતે ભાજપે નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયસિંહ મહિડાને મહુધાની ટિકિટ આપી સૌને અચરજમાં મુકી દીધા છે. યુવાન સંજયસિહ મહિડા ભાજપના પાયાના કાર્યકર છે.

ઠાસરા ઃ સહકારના મૂલ્યને ધ્યાનમાં રાખી પસંદગી કરાઈ, પિતાના સ્થાને હવે પુત્રને ચૂંટણી જંગમાં ઉતાર્યો
યોગેન્દ્ર પરમાર બીએ , વેપાર - ખેતી
2017નું પરિણામ ભાજપના ઉમેદવાર રામસિંહ પરમાર 7028 મતોથી કોંગ્રેસના ઉમેદવાર સામે હાર્યા હતા

​​​​​​​પસંદગીનું કારણ શું - ઠાસરા વિધાનસસભા બેઠક પર યોગેન્દ્રસિંહ પરમારને ટિકિટ મળવાનું મુખ્ય કારણોમાં મહત્વનું કારણ ખેડા જિલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ (અમુલ-આણંદ)ના ચેરમેન રામસિંહ પરમારના પુત્ર હોવાનું મનાઈ રહ્યું છે. ઉપરાંત યોગેન્દ્રસિંહ ખુદ લાંબા સમયથી ઠાસરાના રાજકારણમાં સક્રિય છે. તેઓ કેડીસીસી બેંકના ડિરેક્ટર, એપીએમસીના ચેરમેન, તાલુકા પંચાયતના માજી પ્રમુખ રહી ચૂક્યા છે. યુવા યોગેન્દ્રસિંહને ભાજપે ટિકિટ ફાળવતા આ ચૂંટણી રસપ્રદ બની રહેશે.

માતર - વર્તમાન ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી કટ ટુ સાઇઝ, બિન વિવાદાસ્પદ ઉમેદવારને ટિકિટ અપાઈ
​​​​​​​કલ્પેશ પરમાર 10 પાસ, ખેડૂત
2017નું પરિણામ ભાજપના કેસરીસિંહ સોલંકીએ 2250 મતથી કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યાં હતા

​​​​​​​પસંદગીનું કારણ શું -- માતર વિધાનસભા સીટ પર ભાજપે ચાલુ ધારાસભ્યની ટિકિટ કાપી છે. પોતાના કાર્યકાળ દરમિયાન અનેક વિવાદમાં રહેલા કેસરીસિંહ સોલંકીની ટિકિટ કાપી આરએસએસના કાર્યકર અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય કલ્પેશભાઈ પરમારને ભાજપે ટિકિટ આપી છે. તેઓ 2002થી 2008 સુધી ખેડા જિલ્લા પંચાયતના સભ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. કેસરીસિંહ સોલંકીના અનેક વિવાદો ચર્ચામાં રહ્યા હોઈ તેમને કટ ટુ સાઇઝ કરી નવા ઉમેદવારને ટિકિટ અપાઇ છે.

કપડવંજ - સતત બે વખત હાર્યા બાદ એક સમયના કોંગ્રેસના સારથીને હવે ભાજપનું સુકાન સોંપાયુરાજેશ ઝાલા
બીએ, વેપારી - ખેડૂત 2017નું પરિણામ ભાજપના કનુભાઈ ડાભી 27226 મતોથી કોંગ્રેસના ઉમેદવાર સામે હાર્યા હતા

​​​​​​​પસંદગીનું કારણ શું - કપડવંજ બેઠક પર ભાજપે કોંગ્રેસના જ પૂર્વ જિલ્લા પ્રમુખ રાજેશ ઝાલાને મેદાને ઉતારી કોંગ્રેસને પછાડવા રણનીતિ ઘડી છે. એક સમયના કોંગ્રેસના સારથી ગણાતા રાજેશ ઝાલા પણ કઠલાલ તાલુકાના સ્થાનિક આગેવાનો હોઈ આ વખતે ભાજપે 2017ની ચૂંટણીમાં જીત મેળવનાર પક્ષના મહત્વના વ્યક્તિને જ ભાજપમાં લાવી ટિકિટ આપી દીધી છે. 2012 અને 2017માં આ બેઠક પર ભાજપના કનુભાઈ ડાભીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી ભાજપે નવા ચહેરાને તક આપી છે.

મહેમદાવાદ બેઠક પર 20 હજાર મતોથી જીતેલા કેબિનેટ મંત્રીની જ ટિકિટ અંગે અસમંજસ
ખેડા જિલ્લાની 6 બેઠકો પૈકી 5 બેઠકોના ઉમેદવાર ભાજપે જાહેર કરી દીધા છે. પરંતુ મહેમદાવાદ બેઠકના ઉમેદવારનું નામ મોડી સાંજ સુધી જાહેર કર્યું નથી. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી એવા અર્જુનસિંહ ચૌહાણ હાલ આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.

જો કે, ઉમેદવારનું નામ જ મોડે સુધી જાહેર નહી થતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. આર.એસ.એસના કાર્યકર અને અગાઉ કદી ગ્રામ પંચાયતની ચૂંટણી પણ નહીં લડેલા અર્જુનસિંહ ચૌહાણને 2017 માં પ્રથમવાર ભાજપે ટિકિટ આપી હતી. જેમાં કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ સામે તેમનો 20,918 મતોથી વિજય થયો હતો. ભુપેન્દ્ર પટેલની સરકારમાં તેમને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી તરીકે દરજ્જો પણ મળ્યો હતો. ભાજપની પહેલી યાદીમાં નામ જાહેર ન થતાં કાર્યકરોમાં ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે.​​​​

અન્ય સમાચારો પણ છે...