રોબોટે પણ કેસરિયો પહેર્યો:નડિયાદ બેઠકને જીતવા ભાજપ ટેકનોલોજીના સહારે, પંકજ દેસાઈનો ચૂંટણીપ્રચાર જોઈ લોકો આશ્વર્યચકિત થયા

નડિયાદ2 મહિનો પહેલા

વિધાનસભાની ચૂંટણીનાં ઉમેદવારીપત્રો ભરાઈ ગયાં છે. ત્યારે હવે ઉમેદવારો પોતપોતાના મતક્ષેત્રમાં પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. અવનવા પ્રયોગો કરી પ્રજાને આકર્ષવા ભાવિ નેતાઓ કામે લાગ્યા છે. ત્યારે ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈએ ડિજિટલ ઇન્ડિયાની થીમ પર ખાસ રોબોટ દ્વારા પ્રચાર-પ્રસાર કાર્યો આરંભી દીધા છે.

લોકો પણ આ રોબોટને જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે
આ વખતે ઉમેદવારો પ્રચાર-પ્રસાર માટે અવનવી ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યા છે અને એમાંય ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું છે, એ સપનાને સાકાર કરવા માટે ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈના ચૂંટણીપ્રચારમાં ડિજિટલ રોબોટ ટેક્નિકનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. આ ડિજિટલ રોબોટ દ્વારા ભાજપના નડિયાદ વિધાનસભાના ઉમેદવારનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને લોકો પણ આ રોબોટને જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

આ રોબોટમાં સાઉન્ડ સિસ્ટમથી વિકાસલક્ષી કામોની માહિતી પ્રજા સુધી પહોંચાડશે
ઉમેદવાર પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે અમારા આઈટી સેલના પ્રમુખ મધ્યઝોનના હર્ષિલભાઈ દ્વારા આ રોબોટ તૈયાર કરી અહીં લાવવામાં આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે હાઇટેક પ્રચાર-પ્રસારનું સ્વપ્ન છે એ માટે ખાસ આ ખાસ રોબોટ તૈયાર કરાવવામાં આવ્યો છે. આ રોબોટ લોકો વચ્ચે ફરી પેમ્ફલેટ આપશે અને આ રોબોટમાં ખાસ સાઉન્ડ સિસ્ટમ હોવાથી નડિયાદ વિધાનસભામાં થયેલાં વિવિધ વિકાસલક્ષી કામોની પ્રજા સુધી માહિતી પહોંચાડશે.

નરેન્દ્ર મોદી PM બન્યા ત્યારથી એક ડિજિટલ ઇન્ડિયા કોન્સેપ્ટ ચાલુ થયો: હર્ષિલ પટેલ
આ અંગે ડિજિટલ રોબોટને પ્રચારમાં લાવવા માટેની ટીમના હર્ષિલ પટેલે જણાવ્યું હતું કે 2014થી જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી તેમનો એક ડિજિટલ ઇન્ડિયા કોન્સેપ્ટ ચાલુ થયો છે અને અમે પણ ડિજિટલ ઇન્ડિયામાં કંઈક નવું કરીએ. અમારી સાથે કારોબારીમાં કે ધ્રુવ પંડિત કરીને છે તેમની ખાસ ઓળખ હતી. તેમણે સુધારાવધારા કરીને ખાસ રોબોટ બનાવ્યો છે અને ખૂબ મહેનતે આ એક રોબોટ બન્યો છે. ત્યારે અમારું આઈટી સેલ ભારતમાં નવતર પ્રયોગ શરૂ કરવા જઈ રહ્યું છે. આ પ્રયોગ દ્વારા અમે સૌને પેમ્ફલેટ આપી રહ્યા છે અને રોબોટને અમે પ્રચાર-પ્રસારનું માધ્યમ બનાવ્યું છે. આ રોબોટમાં અમે ઉમેદવારની કામગીરીના પેમ્ફલેટ છપાવ્યા છે ,જે મૂક્યા છે, સાથે જ ચૂંટણીના સ્લોગન પણ આમાં ફિટ કર્યા છે, જે બોલશે એટલે હાઈ ટેક ડિજિટલ ચૂંટણીપ્રચાર આના થકી કરવામાં આવશે.

આ વખતે જિલ્લાની 6 બેઠક પર ત્રિપાખિયો જંગ જામશે
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબજે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ખેડા જિલ્લાની 6 બેઠક પર ત્રિપાખિયો જંગ જામશે. ખેડા જિલ્લાની 6 બેઠક જોઈએ તો 115 માતર, 116 નડિયાદ, 117 મહેમદાવાદ, 118 મહુધા, 119 ઠાસરા અને 120 કપડવંજમા ત્રિપાંખિયો જંગ જામશે.

2017માં પણ નડિયાદ બેઠક પર પંકજભાઈ દેસાઈનો વિજય થયો હતો
અગાઉ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં માતર બેઠક પર ભાજપના ઉમેદવાર કેસરીસિંહ જયસિંહ સોલંકી જીત્યા હતા. નડિયાદ બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજભાઈ વિનુભાઇ દેસાઈ વિજેતા થયા હતા. મહેમદાવાદ બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણે જીત મેળવી હતી. મહુધા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજિતસિંહ પરમારનો વિજય થયો હતો. ઠાસરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ સોઢા પરમાર જીત્યા હતા. જ્યારે કપડવંજ બેઠક પર કોંગ્રેસના કાળુસિંહ ડાભીએ જીત મેળવી હતી. આમ, 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની 6 બેઠક પૈકી 3 બેઠક પર ભાજપ, જ્યારે 3 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...