ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. તે પહેલાં જ નડિયાદમાં પતંગની ઘાતક દોરીના કારણે એક ઘરનો ચિરાગ બુઝાયો છે. આણંદનો યુવાન મિત્રને મળવા નડિયાદ આવ્યો અને મિત્રનું મોટરસાઇકલ લઈને બજારમાં નીકળ્યો હતો. આ દરમિયાન શહેરમાં સરદારનગર વિસ્તારમાં ગળાના ભાગે દોરી ભરાઈ જતાં ગળાની નસ કપાઈ ગઈ હતી. આ બનાવમાં યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સરદારનગર વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં રોડ પર પડ્યો
આણંદ શહેરમાં રહેતા 38 વર્ષીય વિપુલભાઈ નવિનચંદ્ર ઠક્કર ગુરુવારના રોજ નડિયાદમાં રહેતા તેમના મિત્ર કાંતિભાઈના ઘરે આવ્યા હતા. થોડીવાર ત્યાં બેઠા પછી કાંતિભાઈનું મોટરસાઇકલ લઈને તેઓ સ્થાનિકમાં કોઈ જગ્યાએ કામ હોઇ નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ સરદાર નગર પાસે આવતા ઘાતક પતંગના દોરા તેમના ગળાના ભાગે ભરાઈ જતાં ગળાની નસ કપાઈ ગઈ હતી. જેથી તેઓ લોહીલુહાણ હાલતમાં રોડ પર પડ્યા હતા.
લોકોએ તાબડતોડ હોસ્પિટલ પહોંચાડ્યા પણ જીવ ન બચી શક્યો
નડિયાદના જાગૃત પત્રકાર ચિરાગ પટેલ ત્યાંથી નીકળી રહ્યા હતા અને લોકોનું ટોળું જોતા તેઓ અટક્યા અને શું થયું તે જોવા રોકાયા. અજાણ્યા વ્યક્તિને લોહીલુહાણ હાલતમાં જોતા તુરંત 108ની રાહ જોયા વગર માનવતાની દૃષ્ટિએ આસપાસના લોકોની મદદ મેળવી તેઓએ તુરંત એક્ટિવા પર આ યુવાનને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આ યુવાનનો જીવ ન બચતાં તેઓ પણ ઉદાસ થયા હતા.
ઘટના બાદ એલસીબી પોલીસ અને જિલ્લા પોલીસ વડા દોડી આવ્યા હતા
ઘટના બાદ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ગળામાંથી દોરી કાઢી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ વધુ સારવારની જરૂર પડતા તેને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ આ દરમિયાન તેમના શરીરમાંથી લોહી વધુ પ્રમાણમાં નીકળી ગયું હતું. જેના કારણે તેમનું હૃદયકંપી મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ એલસીબી પોલીસ અને જિલ્લા પોલીસ વડા દોડી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા છેલ્લા દસ દિવસથી ચાઈનીઝ દોરી પકડવા માટે અભિયાન ચાલી રહ્યું છે. છતાં પણ પોલીસની નજરથી છુપાવીને લોકો ઘાતક દોરીનું વેચાણ કરી રહ્યા છે જેના કારણે આવી ઘટનાઓ બની રહી છે. પોલીસ પોતાનું અભિયાન તેજ બનાવે તેવી પણ માંગ ઊઠવા પામી છે. પતંગની નિર્દોષ મજા માણવા માટે ઘણા લોકો ઘાતક દોરીનો ઉપયોગ કરતા હોય છે. જો કે, આ બનાવમાં દેશી બનાવટની દોરી પણ ઘાતક સાબિત થઈ હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.