નડિયાદના કંજોડાના વેપારી તેલનો ડબ્બો પર પરત આવતા એક્ટિવા સ્લીપ ખાઇ જતા બાઇકના ચાલકે એક્ટિવા પર સવાર વેપારીને અડફેટે મારી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં વેપારીને ગંભીર ઇજાઓ પહોંચતા કરમસદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધ્યો છે.
બનાવ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, નડિયાદના કંજોડા આડીનાર બોરકૂવા પાસે રહેતા લક્ષ્મણભાઈ પરમાર ઉં.45 પરિવાર સાથે રહી કપડાની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. સોમવાર બપોરે લક્ષ્મણભાઇ તેમનુ એક્ટિવા લઇ આડીનાર ચોકડી પાસે ચાલક સેવા કેમ્પમાં તેલનો ડબ્બો આપવા ગયા હતા. જ્યાં તેલનો ડબ્બો આપી તે પરત આવી રહ્યા હતા તે સમયે એક્ટિવા સ્લીપ ખાઈ જતા તે રોડ પર પટકાયા હતા.
દરમિયાન એક બાઇકના ચાલકે લક્ષ્મણભાઇને અડફેટે મારતા શરીરે ઈજા પહોંચી હતી. જ્યારે એક્ટિવા પાછળ બેઠેલ વિનુભાઇ પરમારને અને બાઇક ચાલક પડી જતા તેને પણ શરીરે ઈજા પહોંચી હતી.ઇજાગ્રસ્ત લક્ષ્મણભાઇને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદ શહેરમાં આવેલા મહાગુજરાત હોસ્પિટલ અને ત્યાથી કરસમદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં લક્ષ્મણભાઈ હાલ આઇસીયુમાં સારવાર લઇ રહ્યા છે. આ સમગ્ર બનાવ અંગે ચકલાસી પોલીસે બાઇક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.