આક્ષેપ:કપડવંજથી નિરમાલી વચ્ચે 3.78 કરોડના ખર્ચે બની રહેલ રોડનું કામ ભાજપના જ આગેવાનોએ અટકાવ્યું

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભ્રષ્ટાચારમાં ભરાયું માર્ગ અને મકાન વિભાગ : જિલ્લા અધિકારીએ સ્થળ નિરીક્ષણ કર્યું

ખેડા જિલ્લાના કપડવંજથી નિરમાલી વચ્ચેનો જર્જરીત માર્ગ રિપેર કરવા વારંવાર માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)માં સ્થાનિકો દ્વારા રજુઆત કરવામાં આવતી હતી. જે રજૂઆતોને પગલે વિભાગ દ્વારા રૂ.3.78 કરોડના ખર્ચે 11 કિમી.ના રસ્તો નવો બનાવવાની શરૂઆત કરી હતી. પરંતુ કામ શરૂ થયાના પ્રથમ સપ્તાહમાં જ ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગતા સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા કામ બંધ કરાવી દેવાયું છે. સમગ્ર મામલે સ્થાનિક આગેવાનો અને સમાજ સેવકો દ્વારા મુખ્યમંત્રી પોર્ટલમાં ફરિયાદ કરતા ખેડા જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તપાસ કરવા માટે સ્થળ પર દોડી ગયા હતા.

કપડવંજના અનંતભાઇ પટલ દ્વારા મુખ્યમંત્રી પોર્ટલ માં ફરિયાદ કરી છે, જેમાં જણાવ્યું છેકે કપડવંજ થી નિરમાલી સુધી 11 કી.મીનું કામ રૂ.3.79 કરોડના ખર્ચે ચાલુ છે. નાયબ કાર્યપાલક (સ્ટેટ)ના નેજા હેઠળ કામ ચાલી રહ્યું છે. જેમાં ઉઘાડે છોગ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની ગંભીર બાબત સામે આવી છે.

રોડની બંને બાજુ એક મીટરની પહોળાઈ કરવાની હતી, જે કરી નથી. એટલું જ નહીં 20 એમ એમ કપચી સાથે 37.5 એમએમનું લેયર બનાવવાનું હતુ તે પણ બનાવ્યું નથી. 50 એમ.એમ.નું બીજું લેયર કરવા માટે 1 હજાર કિલો મટીરીયલમાં 34 કિલો ડામર લેવાનો હતો પરંતુ તે કાર્યવાહી પણ મેજરમેન્ટ મુજબ નહી થઈ હોવાનો આક્ષેપ મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવ્યો છે.

હલકી ગુણવત્તાવાળા કામ કરી સરકારને બદનામ કરે છે
સરકાર દ્વારા પ્રજાને સુવિધા મળી રહે તે માટે કરોડો રૂપિયા જેતે વિભાગોને ફાળવવામાં આવી રહ્યા છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હલકી ગુણવત્તાવાળા કામગીરી કરવામાં આવે છે. જેના કારણે રસ્તા ઝડપથી તુટી જાય છે. સરકારી કામગીરીમાં હલકી ગુણવત્તા વાળુ કામ કરી આ અધિકારીઓ સરકારને બદનામ કરી રહ્યા છે.- ધુળસિંહ પરમાર, પ્રમુખ, તાલુકા ભાજપ

અન્ય સમાચારો પણ છે...