નડિયાદ શહેરમાં ઠેર ઠેર ઉભરાતા કચરાને લઇ ભેગા થતા ગાયોના ટોળા પાસેથી લોકોને ગાયના ગોથા ખાવાની બીકે પસાર થવું પડે છે. રહીશો દ્વારા જેતે વિસ્તારમાં ઠાલવી દેવાતા કચરા પાસે ગાયોના ટોળા ભેગા થઇ જતા હોય છે. ભૂતકાળમાં પણ કચરાને ઠેર પાસે ભેગી થયેલ ગાયોએ લોકો પર હુમલા કરવાના બનાવ બન્યા છે. ત્યારે શહેરના વલ્લભનગરથી શારદા મંદિર શાળા તરફ જતા આવતી ચોકડી પાસે લોકો દ્વારા નખાતા કચરાને લઇ બાળકો અને વાલીઓને પરેશાન થવાની સ્થિતિ ઉભી થઇ હતી.
શહેરીજનો મોટા ભાગે તેમના ઘરોનો કચરો વિસ્તારની ચોકડી અથવા તો સોસાયટીની બહાર નાખી દે છે. જેને લઇ કચરોના ઢગ ફેલાતા ગાયોનો ટોળા ભેગા થાય છે. કચરો ખાવાની હોડમાં ગાયોના ટોળા એકબીજા સામે માથા ભેરતા તેનો ભોગ ત્યાંથી પસાર થતો વ્યક્તિ બને છે. માઇમંદિર ચોકડી પાસે આવેલી ખુલ્લી જગ્યામાં પાલિકા દ્વારા કચરો સાફ કરવામાં આવે છે. પરંતુ બીજ દિવસેની સવારે વિસ્તારમાંથી પસાર થતા લોકો તે જગ્યાએ કચરો ફેંકી દેતા પળભરમાં કચરાના ઢગ પર ગાયો ઉભરાય છે.
સવાર અને બપોરના સમયે શાળા વિસ્તાર હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા શહેરીજનો પસાર થાય છે. ત્યારે ગાય વાલી કે બાળકને અડફેટ લે ત્યારે જવાબદાર કોણ તે પ્રશ્ન લોકમુખે ચર્ચાયો હતો. ગાયોના ટોળાના ભયને કારણે ત્યાથી પસાર થતા રાહદારીને સામેની બાજુ ચાલીને રસ્તો પસાર કરવો પડે છે. જેને લઇ પસાર થતા લોકોએ ગાયોને પકડવાની માંગ કરી હતી.
કચરાના ઢગલા પાસે ગાયના ટોળા જોઇને જ બીક લાગે છે
મારા બે બાળકો શારદા મંદિરમાં ભણે છે. પીજ રોડથી નજીક હોઈ હું રોજ બાળકોને લેવા મૂકવા જઉં છું. ત્યારે ચોકડીએ કચરાને કારણે ઉભી ગાયોને લઇ પસાર થવામાં બીક લાગે છે. અમુક વાર ગાય સામે જોઇને ગોથા પણ ભરે છે. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવું જરૂરી છે. >મિનાક્ષીબેન સોની, રહીશ.
હાલ ગાય પકડવાની ટીમ ડાકોરમાં છે, તહેવાર બાદ કાર્યવાહી શરૂ કરાશે
ફાગણી પૂનમને લઇને પાલિકાની ગાયો પકડવાની ટીમ ડાકોરમાં એક અઠવાડિયાથી છે. તહેવાર પૂરો થયા બાદ ટીમ પરત આવતા જ તુરંત આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે. > રુદ્રેશ હુદળ, ચીફ ઓફિસર, નડિયાદ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.