તંત્ર હરકતમાં પણ...:ઠાસરા કો.ઓપરેટીવ સોસાયટીના કૌભાંડ પર ભીનું સંકેલવા પ્રયાસ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંકલન સમિતિમાં મહુધાના ધારાસભ્યના સવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે પણ..
  • 8 કરોડથી વધુની મંડળી હોઈ વડોદરા કચેરીથી ઓડિટ થશે

ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષણ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીમાં અગાઉની બોડી દ્વારા કરવામાં આવેલી નાણાકીય ગેરરીતિ મામલે વિવાદ થયો છે. ક્રેડીટ સોસાયટીની અગાઉની બોડી દ્વારા જુદા જુદા શિક્ષકોના નામે લોન લઈ નાણાના ચેકો બારોબાર પોતાના ખાતામાં જમા કરાવી કૌભાંડ આચરવામાં આવ્યું હતુ.

જે મામલે હાલના ચેરમેન દ્વારા જિલ્લા રજીસ્ટ્રાર ને ફરિયાદ કરવામાં આવી છે. તો બીજી તરફ મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીત પરમાર દ્વારા પણ સંકલન સમિતિમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. પરંતુ સમગ્ર મામલાની તપાસ કાચબા ગતીએ ચાલી રહી હોય ગેરરીતી કરનાર જુની બોડીના મુખ્ય માથાઓ દ્વારા કાર્યવાહી પર પડદો પાડવા દોડધામ શરૂ કરી દીધી છે.

મળતી વિગતો મુજબ ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષણ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી દ્વારા વ્યક્તિગત લોન, ફેસ્ટિવલ લોન તેમજ સ્પેશ્યલ ધિરાણો આપવામાં આવે છે. જેમાં પૂર્વ બોડીના જવાબદાર સભ્યો દ્વારા રૂ.2 કરોડ થી વધુની નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હોવાની ફરિયાદ જિલ્લા રજીસ્ટ્રાર માં થઈ છે. જે સભાસદોએ સોસાયટી માંથી લોન લીધી નથી, તેવા સભાસદોના ખાતામાં લોનના નાણા બારોબાર જમા કરી ત્રાહિત સભ્યો દ્વારા બારોબાર તે નાણાં ઉપાડી લઈ ગેરરીતિ આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

સમગ્ર બાબત મંડળીના હાલના પ્રમુખ વિક્રમસિંહ ના ધ્યાન પર આવતા તેઓએ જિલ્લા રજીસ્ટ્રાર ને લેખિત ફરિયાદ કરી હતી. જે બાબત મહુધા ધારાસભ્ય ઇન્દ્રજીત પરમારના ધ્યાન પર આવતા તેઓએ પણ જિલ્લા સંકલન સમિતિની મિટિંગ માં પ્રશ્નોત્તરી કરી હતી. પરંતુ સમગ્ર મામલે આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. બીજી તરફ પૂર્વ પ્રમુખ અને મંત્રી દ્વારા અહી-તહી થી નાણાં લાવી જે ખાતામાંથી બારોબાર નાણાં ઉપાડ્યા હતા, તે ખાતામાં નાણાં જમા કરાવી સમગ્ર કૌભાંડ પર પડદો પાડવા કામગીરી શરૂ કરી દીધી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ફરિયાદ આવી છે, આગામી મહિને ઓડિટ થશે
સમગ્ર મામલે ફરિયાદ મળી છે, પરંતુ 8 કરોડથી ઉપરની મંડળી હોય તેમાં ઓડિટના પાવર બરોડા વિભાગીય સંયુક્ત રજીસ્ટ્રાર ખાસ અન્વેષક પાસે હોય છે. જેથી તેઓની ટીમ દ્વારા આગામી મહિને મંડળીમાં ઓડિટ કરી રિપોર્ટ જિલ્લા રજીસ્ટ્રારને સોંપવામાં આવશે, ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. - વી.જે.ગઢવી, ઓ.એસ, જિલ્લા રજીસ્ટ્રાર કચેરી

અત્યાર સુધી ઓડીટમાં કઇ જ બહાર આવ્યું નથી
જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાંથી દર વર્ષે ઓડિટ કરવામાં આવતુ હોય છે. અત્યાર સુધી મંડળીમાં નાણાકીય ગેરરીતિ થતી હતી, પરંતુ ઓડિટર દ્વારા કોઈ બાબત બહાર લાવવામાં આવી નથી. ઓડિટર સાથે નાણાકીય વ્યવહાર કરી તમામ બાબતોને દબાવી દેવામાં આવી છે. હવે જ્યારે ઉચ્ચ કક્ષાએથી ઓડિટ કરવાની વાત છે, ત્યારે જુની બાબતો બહાર આવે છેકે કેમ તે જોવુ રહ્યું. - વિક્રમસિંહ ઠાકોર, પ્રમુખ, ઠાસરા તાલુકા પ્રા.શિક્ષણ ક્રેડિટ સોસાયટી

સંકલન સમિતિમાં જવાબ મળ્યા જ ન હતા
એપ્રિલ મહિનાના ત્રીજા શનિવારે મળેલ સંકલન સમિતિની મિટિંગ માં મે બીજા અન્ય પ્રશ્નો સાથે ઠાસરા તાલુકા પ્રા.શિક્ષણ ક્રેડીટ સોસાયટીમાં થયેલ નાણાકીય ગેરરીતિ બાબતનો પ્રશ્ન પણ પૂછ્યો હતો. પરંતુ આજદિન સુધી મને તેનો જવાબ મળ્યો નથી. હવે આ શનિવારે મળનાર મિટિંગમાં શું જવાબ મળે છે તે જણાવીસ. - ઇન્દ્રજીતસિંહ પરમાર, ધારાસભ્ય, કોંગ્રેસ, મહુધા

અન્ય સમાચારો પણ છે...