મુલાકાત:રમતવીરોને દિલ્હીના બદલે નડિયાદમાં ટ્રેનિંગ આપવી જોઈએ; ડૉ. દીપા મલિક

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેરા ઓલમ્પિક કમિટીના પ્રેસિડેન્ટ નડિયાદનું વાતાવરણ જોઇ અભિભૂત

નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માં ગુજરાત રાજ્ય સ્પોર્ટ્સ એસોસીએશન દ્વારા 12મી નેશનલ જુનિયર અને સબ જુનિયર પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ-2023 નું આયોજન થવા જઈ રહ્યું છે. આગામી તા.28-29 ના રોજ યોજનાર ગેમ્સ માટે ખેલાડીઓને કેવા પ્રકારની સુવિધા મળી રહી છે, તેનું નિરીક્ષણ કરવા માટે પેરાઓલમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા (PCI)ના પ્રેસિડેન્ટ ડૉ. દીપા મલિક દ્વારા નડિયાદ સ્થિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ ની મુલાકાત લેવામાં આવી હતી. તેઓએ હાઈ પર્ફોમન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમજ પેરા નેશનલ માટે જરૂરી સૂચનો પણ કર્યા હતા.

સ્પોર્ટસ કોમ્પલેક્ષના અધિકારી ડો.મનસુખ તાવેથીયાએ જણાવ્યું હતું કે ડો.દીપા મલિક કોમ્પલેક્ષની મુલાકાત થી અભિભૂત થયા હતા. તેઓએ કહ્યું હતું કે દિલ્હીમાં પ્રદુષણ વધારે હોવાને કારણે ખેલાડીઓને ટ્રેનીંગ માટે યોગ્ય વાતાવરણ મળી શકતું નથી. જ્યારે નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ કુદરતી સૌંદર્ય અને સ્વચ્છ વાતાવરણની વચ્ચે છે. આવું વાતાવરણ ખેલાડીયોની રમત ક્ષમતાને વધારવામાં મદદરૂપ થતુ હોય છે. જેથી ખેલાડીઓને દિલ્હીના બદલે નડિયાદમાં ટ્રેનિંગ આપવી જોઈએ. મહત્વની વાત છેકે નડિયાદનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ હવે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની રમતો માટે આયોજકોનું પસંદગીદાર સ્થળ બની રહ્યું છે.

જેને જોતા આગામી દિવસોમાં અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન થાય તો નવાઈ નહી. આ પ્રસંગે રમતગમત અધિકારી ડો. મનસુખ તાવેથીયા, પેરા સ્પોર્ટ્સ એસોશિએશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ કાંતિભાઈ પરમાર, પેરા સ્પોર્ટ્સ એસોશિએશન ઓફ ગુજરાતના સેક્રેટરી ચંદુભાઈ ભાટી, પેરા ડિસ્ટ્રીક્ટ કોચ ગૌરવભાઈ તેમજ જગદીશભાઈ ઠાકોર, ફીઝીકલ હેન્ડીકેપ સોસાયટીના રાકેશ ચાવડા તથા સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...